ગાંધીનગર, તા. 21
ગાંધીનગર મહાનગરપાલિકામાં વિપક્ષનાં નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાનાં 23 વર્ષનાં પુત્ર જયરાજે કોઈ અગમ્ય કારણસર આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. જયરાજ છેલ્લાં 2 દિવસથી ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને પિતરાઈ ભાઈને અંતિમ ફોન કરીને કહ્યું કે, તું મને મળવા આવજે, કારણ કે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. આ ફોન બાદ જાસપુરની કેનાલમાંથી જયરાજનો મૃતદેહ મળી આવતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
છેલ્લીવાર પોતાના પિતરાઈ સાથે વાત કરી
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર મનપાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલનો મોટો પુત્ર જયરાજસિંહ બિહોલા(ઉંમર 23 વર્ષ) સોમવારે 19 ઓગસ્ટના રોજ રાત્રે 9 કલાકે તેના ઘરમાંથી અચાનક ચાલ્યો ગયો હતો. ઘરથી નીકળતા સમયે છેલ્લીવાર તેણે પોતાના પિતરાઈ ભાઈ સાથે ફોન પર વાત કરી હતી. તેણે પિતરાઈ ભાઈને ફોન પર કહ્યું તું કે, તું મને મળવા માટે આવી જા, હું કેનાલમાં પડું છું. આ વાત જાણીને તેનો પિતરાઈ ભાઈ ચોંકી ઉઠ્યો હતો અને તરત જ પોતાની કાર લઈને કેનાલ પહોંચી ગયો હતો. પિતરાઈ ભાઈએ તેને સમજાવવા માટે ફોન સતત ચાલુ રાખ્યો હતો, પરંતુ જયરાજસિંહ અધવચ્ચે જ ફોન કાપી નાંખ્યો હતો. તેના બાદ જયરાજનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. પિતરાઈ ભાઈએ આ સમગ્ર બાબતની શૈલેન્દ્રસિંહ બિહોલાને જાણ કરી હતી.
જાસપુર કેનાલ પાસે મૃતદેહ મળી આવ્યો
પિતરાઈએ આપેલી માહિતીનાં આધારે આખો પરિવાર અને પોલીસ કેનાલ પર પહોંચ્યા હતા. જ્યાં જયરાજની બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા. ત્યારબાદ ગઈકાલથી જ જયરાજને કેનાલમાં શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી. એનડીઆરએફ તથા ફાયર બ્રિગેડની મદદથી જયરાજને શોધવાના પ્રયાસો કરાયા હતા. જયરાજને શોધવા માટે નભોઈથી છેક જાસપુર સુધીની કેનાલમાં તપાસ કરવામાં આવી. ગઈકાલે આખા દિવસની તપાસ બાદ પણ જયરાજનો મૃતદેહ મળ્યો નહોતો અને આજે પણ શોધખોળ ચાલી રહી હતી. ત્યારે આજે સવારે જાસપુર નર્મદા સાઈફન પાસે જયરાજનો મૃતદેહ મળી આવતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.જાસપુર કેનાલ પર તપાસ કરતાં પોલીસને જયરાજ દ્વારા લખાયેલી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં તેણે અંગત કારણોસર આત્મહત્યા કરી હોવાનું લખ્યું છે. જેને આધારે પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.