ગાંધીનગર શહેરની ખુરશી મેળવવાનો ગંદો ખેલ, પાટનગરને કાળી ટીલી

પાટનગરનો ખેલ – દિલીપ પટેલ – વિશ્લેષણ

ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને ભાજપને સરખી બેઠકો મળી હતી. તેથી ભાજપ દ્વારા તોડફોડની રાજનીતિ કરવામાં આવી હતી. કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાઇને આવેલા પ્રવિણ પટેલ બળવો કરીને ભાજપમાં જોડાઇ જતાં તેમને મેયર પદ સોંપવામાં આવ્યું હતું. ફરી એક વખત ભાજપના મેયર બનાવવા માટે ખેલ શરૂ થયા છે. અગાઉ પણ બે વખત ભાજપે ગાંધીનગર શહેરની સત્તા મેળવવા માટે પક્ષાંતર કરાવ્યું હતું. ગાંધીનગરના મેયરે રાજીનામું આપી દીધું છે. ગુજરાતનું રાજકારણ કઈ તરફ જઈ રહ્યું છે તે, રાજીનામું આપવા પાછળના કારણો છતા કરે છે. ગુજરાતનો કોઈ નાગરિક શરમ અનુભવે એવા ખેલ પાટનગરમાં ખેલવામાં આવ્યા છે.

પ્રવિણ પટેલનો પક્ષપલટો

7 મે 2016માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમાં ટાઈ પડ્યા બાદ કોંગ્રેસના સભ્ય પ્રવિણ પટેલનું પક્ષાંતર કરાવીને ભાજપમાં લાવી દઈને ભાજપે તેમને મેયર બનાવી દઈને સત્તા મેળવવાના ગંદા ખેલ કર્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટર પ્રવિણ પટેલે છેલ્લી ઘડીએ પાટલી બદલી હતી. સામાન્ય સભામાં મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પ્રવિણ પટેલને ધક્કે ચડાવ્યા હતા. રાજકીય નીતિમત્તા અહીં સાબરમતીમાં ફેંકી દેવામાં આવી હતી. રાજ્યની 8 મહાનગરપાલિકાઓ પૈકી એક માત્ર ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ પાસે આવે તેમ હતી તે પણ લોકોના ચૂકાદા વિરુદ્ધ ભાજપે મેળવીને લોકશાહનું વસ્ત્રાહરણ કર્યું હતું.

કાયદો તોડનારને મુખ્ય પ્રધાનના અભિનંદન

તે સમયે પ્રદેશ પ્રમુખ રહેલાં વિજય રૂપાણી અને મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે પક્ષાંતર કરીને કાયદાનો ભંગ કર્યો હોવા છતાં ચૂંટાયેલા પદાધિકારીઓને અભિનંદન આપ્યા હતા. જ્યારે કાયદાનો ભંગ થયો હોય ત્યારે એક મુખ્ય પ્રધાન કાયદો તોડનારને અભિનંદન આપે તેનાથી વધું શરમજનક ઘટના કઈ હોઈ શકે. પ્રવીણ પટેલ પહેલાં ભાજપમાં હતા તે પક્ષાંતર કરીને કોંગ્રેસમાં ગયા અને ફરી ભાજપમાં મેયર બનવા માટે કોંગ્રેસ સાથે પણ દગાખોરી કરી હતી. તેમની સાથે કોર્પોરેટર અશ્વિન વ્યાસ પણ જોડાયા હતા.

પ્રવિણ પટેલ ઉપર હુમલો

6 મે 2016માં ભાજપ અને કોંગ્રેસને 16-16 બેઠકો મળી હતી. ભાજપ – કોંગ્રેસનાં સભ્યો વચ્ચે છૂટા હાથની મારા મારી થઈ હતી. પ્રવિણ પટેલ રૂ.2 કરોડમાં  વેચાયાનો આરોપ મૂકાયો હતો. ડેપ્યુટી મેયર તરીકે દેવેન્દ્ર ચાવડાને  જાહેર કરાયા હતા. પ્રવિણ પટેલે કોંગ્રેસ સાથે ગદ્દારી  કરી છે એવું કહીને પ્રવિણ પટેલને કોર્પોરેશનની લોબીમાં મારવા લીધા હતા. જેને પગલે વચ્ચે પડેલા ભાજપના સભ્યો-પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.  સામાન્ય સભામાં ચિઠ્ઠી નાખીને મેયર નક્કી થવાના હતું. તે પહેલાં પ્રવિણ પટેલે પક્ષાંતર કરી લીધું હતું. ગાંધીનગરના નવા મેયર પ્રવિણ પટેલ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા હતા અને ગાંધીનગર ધારાસભ્ય અશોક પટેલ તેમના સંબંધી થાય છે. ત્યારબાદ તેઓ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં જોડાયા હતા. ગાંધીનગરમાં તેઓનો આઈસક્રિમનો વેપાર છે. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા દિવસો સુધી વિરોધ પ્રદર્શન થયું હતું. મેયરના ઘર બહાર છાજીયા લીધા હતા. પ્રવીણ પટેલ ગદ્દારના બેનરો સાથે દેખાવો પણ કર્યા હતા. મેયર પ્રવીણ પટેલ, ડે.મેયર દેવેન્દ્ર ચાવડા તેમજ ખડી સમિતિના અધ્યક્ષ મનુ પટેલ પર કોંગ્રેસના કાર્યકરો અને કોર્પોરેટરોએ ટપલી દાવ કર્યો હતો. પ્રતીક ધરણાં કર્યા હતા. ભાજપે કોંગ્રેસને ગુંડાઓ કહીને પ્રતિ ધરણાં કર્યા હતા. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામેની ધમાલમાં સામસામે પોલીસ ફરિયાદનો પણ દોર ચાલ્યો હતો અને અંતે સમાધાન પણ થયું હતું.

મેયર તરીકે તેઓ રાજીનામું આપે ત્યાં સુધી દેખાવો કરવાનું કોંગ્રેસે જાહેર કર્યું હતું. હવે કોંગ્રેસની પ્રતિજ્ઞા ફળી છે. પ્રવીણ પટેલે રાજીનામું આપી દીધું છે.

પક્ષાંતર ધારાની નોટિસ

કોંગ્રેસ દ્વારા પ્રવિણ પટેલને નોટીસ આપી વ્હીપના ભંગ બદલ ખુલાસો પૂછવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા શૈલેન્દ્ર બિહોલાએ પક્ષાંતર ધારા હેઠળ પદ પરથી હટાવવાની માંગ કરતી પીટીશન દાખલ કરી હતી. જેનો નિર્ણય 15 ફેબ્રુઆરી 2019 સુધી આવ્યો નથી. પક્ષાંતર સ્પષ્ટ હોવાથી પીટીશન સાથે જ પક્ષાંતર કરનારને સભ્ય પદેથી ગેરલાયક ગણી શકાય છે છતાં પણ અઢી વર્ષથી કોઈ પગલાં નહીં લઈને ભાજપ સરકારે કાયદાનો ભંગ કર્યો છે. પક્ષાતંરધારા આધારે પ્રવિણ પટેલને નોટીસ પાઠવવામાં આવી છે. 29 સપ્ટેંબરના રોજ જવાબ સાથે હાજર રહેવા નોટીસ આપી હતી. મેયર પ્રવિણ પટેલે આ અંગે ત્યારે જણાવ્યું હતું કે, આ રાજકારણ છે. એટલે આ બધુ તો રહેવાનું, અમે પણ તેમની સામે કાનૂની લડત આપીશું અને જે નિર્ણય આવશે તેનો સ્વિકાર કરવામાં આવશે.

અગાઉ પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા, હંસાબેન મોદી અને ડે.મેયર સુભાષ પાંડવ સામે પણ પક્ષાંતર ધારાની ફરીયાદ દાખલ કરવામાં આવેલી પણ તે અમાન્ય ઠરી હતી.

મામલો વડી અદાલતમાં પહોંચ્યો

23 જાન્યુઆરી 2018ના દિવસે ગામપનો મામલો વડી અદાલતમાં પહોંચ્યો હતો. પ્રવીણ પટેલ કોંગ્રસના વ્હીપની વિરૂદ્ધ જઈને પક્ષાંતર કરીને મેયર બન્યા છે. વડી અદાલતમાં આવી અરજી કોંગ્રેસના કોર્પોરેટર અને મેયર માટેના ઉમેદવાર હતા એવા શૈલેન્દ્ર બિહોલાએ કરી હતી. મેયરની નિયુક્તિ ગેરબંધારણીય અને પક્ષાંતર કાયદા વિરૂદ્ધ હોવાથી તેમનું સભ્ય પદ રદ કરાવાની રજૂઆત કરી હતી. સરકારના અધિકારનો નિર્ણય રદ કરીને મેયરની ચૂંટણીને રદ કરીને નવેસરથી ચૂંટણી કરવી જોઈએ એવું પણ અરજીમાં કહ્યું હતું. જેમાનું કંઈ થયું નથી.

ફરી ચૂંટણી આવતાં ખેલ શરુ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની અઢી વર્ષની મુદત પૂરી થતાં ફરી મેયરની ચૂંટણી થવાની હતી ત્યારે 4 નવેમ્બર 2018માં ગુજરાત સરકારે રવિવારની રજા હોવા છતાં મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી નાંખી હતી. ગાંધીનગરમાં કોંગ્રેસના 15 કોર્પોરેટરો અને ભાજપના 17 કોર્પોરેટરો હતા. નવા મેયરની ચૂંટણી પહેલા ભાજપ તેના સભ્યોને બળજબરીથી ઉઠાવી જઈને સૌરાષ્ટ્રના પ્રવાસે લઈ ગયો હતો. કોંગ્રેસે પણ પોતાના સભ્યોનો કેમ્પ કર્યો હતો. પ્રવીણ પટેલ કોંગ્રેસના ઉમેદવારને મત આપે તો ગાંધીનગરમાં ફરીથી કોંગ્રેસનું શાસન આવી શકે તેમ હતું. મતદાન થયા બાદ વડી અદાલતના આદેશને કારણે મેયર પટેલનો મત સીલ કવરમાં રાખવામાં આવ્યો હતો.

ભાજપે અપહરણ કરી સામેથી ખંડણી આપવા તૈયાર

ગાંધીનગર મહાનગર પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું ભાજપના નેતાએ 5 નવેમ્બર 2018મા અપહરણ થયું હતું. તેને લાંબો સમય થયો હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓને શોધી કઢાયા નથી. ભાજપ દ્વારા અંકિત બારોટને ડેપ્યુટી મેયર અથવા ખડી સમિતિના અધ્યક્ષ પદની ઓફર કરવા માટે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. કોંગ્રેસે અપહરણ માટે ભાજપ પર સીધો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે મેયરની ચૂંટણી રદ કરવાની માગણી કરી હતી. ભાજપે અપહરણ કરીને તેને રૂ. 15થી 20 લાખ અને ખડી સમિતિના અધ્યક્ષ બનાવવાની લાલચ આપી હતી. ભાજપના પૂર્વ MLA અશોક પટેલના ભત્રીજા કેતન પટેલે અપહરણ કર્યાનું જાહેર કર્યું હતું. કેતન પટેલના પત્ની ભાજપમાંથી ગાંધીનગરના કોર્પોરેટર છે. ભાજપના લોકો ડરાવી-ધમકારીને રિવોલ્વર દેખાડીને તેનો ફોન લઈ લીધો હતો. 18 કલાક બાદ ગાંધીનગરના ચિલોડા પાસેથી મળી આવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના ભત્રીજા કેતન પટેલે પોતાની પત્નીને મેયર બનાવવા માટે અપહરણ કરવામાં આવ્યું હતું, તેમ અંકિતે જણાવ્યું હતું.

મેયરની ચૂંટણીમાં મારામારી, શરમ કરો

અંકિતનું અપહરણ ભાજપે કર્યું હોવાથી મેયરની ચૂંટણી મુલતવી રાખવાની માગણી કરવામાં આવી છતાં ભાજપે ધરાર ચૂંટણી કરાવી હતી. તેથી કોંગ્રેસના સભ્યોએ ખુરશીઓ ઉછાળી હતી. મારા મારી થઈ હતી. લોકશાહીના લીરેલીરા ઉડ્યા હતા. છૂટ્ટા હાથની મારામારીના વરવા દૃશ્યો સર્જાયા હતા. ભાજપના કોર્પોરેટરોએ કોંગ્રેસના કોર્પોરેટરોને માઇક સહિતની વસ્તુઓનો માર મારી લોહીલુહાણ કરી દેવાયા હતા. કોંગ્રેસની મહિલા કોર્પોરેટરોના ગળા દબાવી મારી નાખવાની કોશિશ કરી હતી. ભાજપના કોર્પોરેટરોએ કોંગ્રેસની મહિલા કોર્પોરેટરોની સાડીઓ ખેંચી હતી. આ સુધીના હીન અને અત્યંત ઘૃણાસ્પદ દૃશ્યો સર્જાયા હતા. ગુજરાતના રાજકારણમાં આ અત્યંત શરમજનક ઘટના હતી. ભાજપના કોર્પોરેટર જયદેવ પરમારની તબિયત લથડતા વ્હીલચેરમાં લાવવામાં આવ્યા હતા. પૂર્વ મેયર ભાજપના પ્રવિણ પટેલ દ્વારા કોંગ્રેસના કોર્પોરેટર જીતુ રાયકાને પગમાં માઇક માર્યું હતું. તેથી તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. કોર્પોરેટરોએ ચિમકી ઉચ્ચારી હતી કે જો સભા મુલતવી નહીં રાખવામાં આવે તો પાલિકાના ચોથા માળેથી કૂદકો મારશે. ભાજપ દ્વારા લોકશાહીનું ચીરહરણ કરી લોકશાહીની હત્યા કરાઈ હોવાના આરોપો મૂકાયા હતા. પોલીસે ભાજપના ઇશારે કોંગ્રેસની મહિલા કોર્પોરેટર અને કોંગ્રેસના આગેવાનોને અત્યાચાર અને દમનનો ભોગ બનાવ્યા હોવાનો આરોપ મૂક્યો હતો.

મેયર પર ખૂની હુમલો

11 મે 2016માં ભાજપના મેયર સાથે ટપલી દાવ – સામાન્ય સભામાં મારામારી થઈ હતી. પ્રવીણ પટેલને ધક્કે ચઢાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના 32 લોકો સામે ગુનો નોંધાયો હતો. તેમાં કોંગ્રેસના ચાર નેતાઓની પણ ધરપકડ કરી હતી. સતત બીજી ટર્મમાં કોંગ્રેસના સભ્યો પક્ષાંતર કરતાં જ 9 મે 2016ના દિવસે કોંગ્રેસ દ્વારા મેયર સામે કાળા વાવટા બતાવીને એવું જાહેર કરાયું હતું કે, પ્રવીણ પટેલ જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રાખવામાં આવશે. તમામ જાહેર કાર્યક્રમોમાં કાળા વાવટા બતાવીને તમનો વિરોધ કરવાની વાત કોંગ્રેસે કરી હતી. પક્ષાંતરને રાજકીય મરણ જાહેર કરીને બેસણું પણ રાખવામાં આવ્યું હતું. સત્યાગ્રહ છાવણી પર આંદોલન શરૂ કરાયું હતું અને મહિલા કોંગ્રેસ દ્વારા થાળી વગાડી મેયરની ઊંઘ ઉડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બે અઠવાડિયામાં જ કોંગ્રેસ તે બધું ભૂલી ગઈ હતી. ગાંધીનગર શહેર કોંગ્રેસના પ્રમુખ કૌશિક શાહ કે જે અહેમદ પટેલ જૂથના માનવામાં આવે છે તેમણે જાહેરાત કરી પણ થોડા દિવસમાં જ મેયરનો વિરોધ બંધ કરી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસે કરેલા ટપલી દાવ અને હુમલાના વિરોધમાં ભાજપે પણ કોંગ્રેસ સામે ધરણા કર્યા હતા. ખુની પંજા વડે મેયર ઉપર કરાયો ખુની હુમલો, કોંગ્રેસ તેરી દાદાગીરી – તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી, સૂત્રો સાથેના પ્લે કાર્ડ દર્શાવવામાં આવ્યા હતા.

 

પાટનગરનું શરમજનક રાજકારણ

વિધાનસભામાં ભાજપ સત્તા પર હોય છે અને તેની સામે જ આવેલા ગાંધીનગર મહાનગર પાલિકા ભવનમાં કોંગ્રેસ સત્તા પર હોય છે. ગાંધીનગરમાં લોકશાહીની સાત રંગ જોવા મળી રહ્યાં છે. જ્યાં રોજ કંઈક નવું થાય છે અને ક્યારેક કલંકિત રાજકારણનો કાળો રંગ દેખાય છે. આ વખતે ભાજપની ભૂંગળા વગરની રાજકીય ભવાઈ શરૂ થઈ છે. કોંગ્રેસમાંથી આયાત કરેલાં ભાજપના મેયર સામે ભાજપમાં રીતસરનો બળવો થયો છે. આ બળવામાં મેયરનો ભોગ લેવાય એવું હાલ વાતાવરણ છે. જો કે, મેયર પોતે પણ રાજીનામું આપી દેવાની માનસિક તૈયારી કરીને બેઠા છે. ભાજપમાં જે કંઈ થઈ રહ્યું છે. તે ભાજપના રાજ્ય અને કેન્દ્રીય નેતાઓની જાણ બહાર તો નથી જ થઈ રહ્યું. ગાંધીનગર શહેર અને અમદાવાદ એ બે શહેર એવા છે કે જ્યાં જે કોઈ રાજકીય ઘટના બને છે તેની સીધી અસર ગુજરાતના પ્રત્યેક ખૂણે થાય છે. એક પક્ષમાંથી બીજા પક્ષમાં જતાં કાર્યકરોને તે પક્ષના કાર્યકરો ગદ્દાર ગણે છે.

વારંવાર સત્તા પલટો

ગુજરાતનું રાજકીય શહેર ગાંધીનગર રાજકારણની ખટપટ અને ખરાબીથી બદનામ થઈ રહ્યું છે. અહીં કયા પ્રકારની હલકી રાજનીતિ કરવામાં આવી રહી છે તે જાણવું જરૂરી છે. પ્રજા કોઈકને મત આપે છે અને કોઈક સત્તા ભોગવી રહ્યાં છે. અહીં લોકશાહીનું ચીરહરણ છેલ્લાં 17 વર્ષથી થઈ રહ્યું છે. મતદાર કોંગ્રેસને મત આપે છે અને કોંગ્રેસ ભાજપના હાથે વેચાઈ જાય છે અને ભાજપ સત્તા ભોગવી રહ્યું છે. બે મેયરને ખરીદી લેવાયા, જિલ્લા પંચાયત ઊથલાવી નંખાઈ, ગાંધીનગર તાલુકા પંચાયતને હાઈજેક કરી લેવામાં આવી હતી. ગુજરાતના રાજકીય પાટનગરમાં જ્યાં આવા અનીતિનું રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે. પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાઈને ગયા પછી કેવા કાળા કરતૂત કરી રહ્યાં છે તે ગાંધીનગર જિલ્લા અને શહેરમાં જોઈ શકાય છે. સમગ્ર ગુજરાતનો રાજકીય ચહેરો ગાંધીનગર બની ગયું છે. અહીં કાવાદાવા અને પ્રપંચો રચાય છે. એકને ઊંચકે છે અને બીજાને ખતમ કરે એવી રાજનીતિ અહીં છે. અહીં પૈસા અને પાવરનો ખેલ ખેલાય રહ્યો છે. આ વધું પ્રજા જોઈ રહી છે. અંદરની વાતો લોકોને રાજકારણથી નફરત કરતાં કરે દે એવી છે.

મામલો કેમ ઊભો થયો

મેયર પ્રવીણ પટેલની વિરૂદ્ધમાં ભાજપના સભ્યોએ ગાંધીનગર મહાનગર પાલિકા (ગામપા)ની બેઠકનો બહિષ્કાર કર્યો હતો. ભાજપના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપી હોવાના આક્ષેપ સાથે ભાજપના સભ્યોએ સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો હતો. પ્રવીણ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને ભાજપ તેમને નૈતિક રીતે ખરીદી લાવીને મેયર પદે બેસાડી દીધા હતા ત્યારથી ભાજપમાં તેમની સામે વિરોધ છે. ભાજપના કેટલાંક સભ્યઓએ બહિષ્કાર કરતી વખતે એવું પણ કહ્યું કે મેયર કોંગ્રેસના છે, તેમને પાછા કોંગ્રેસમાં જવું હોય તો જતા રહે.

તો મેયર રાજીનામું આપી શકે

ખડી સમિતિના અધ્યક્ષની તરફેણમાં અને મેયરના વિરોધમાં ભાજપમાં ઊભા થઈ રહેલા જુવાળ ભાજપને ભરખી શકે છે. કોઈ શહેરના મેયર સામે થઈ રહેલી આવી હરકત અપમાનજનક હોય છે. તેવું જ થયું છે. ભાજપના સભ્યોએ તેમની સામે જે રાજકીય ત્રાગું કર્યું હતું તેનાથી પ્રવીણ પટેલે મન બનાવી લીધું છે કે તે રાજીનામું આપી દે. તેમણે તેમની નજીકના મિત્રોને પણ કહી દીધું હતું કે, જો પક્ષ કહેશે તો હમણાં જ મેયર પદેથી રાજીનામું આપી દેવા તૈયાર છું. એવી જાહેરાત તેમણે કરી હતી. જે આજે સાચી પડી છે. કારણ કે તેમની પાસેથી વારંવાર સોગંદનામા લખાવવામાં આવી રહ્યાં હતા.

ભાજપ અગ્નિકુંડ જેવો બન્યો

વિવાદનું મૂળ તો ખડી સમિતિના અધ્યક્ષ મનુ પટેલની કામગીરી રહી છે. મેયર સામે જે બળવો થયો તે પહેલાં મનુ પટેલની કચેરીમાં પ્લાન કરાયો હતો, તેમણે સામાન્ય સભા જ રદ કરવા કહ્યું હતું. પણ તેમ ન થતાં સામાન્ય સભામાં જ ખેલ પાડી દેવામાં આવ્યો હતો. થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા. તેમના ઉપર પક્ષમાંથી સૂચના આવી અને તમામ સભ્યો સભાસ્થળ છોડી ગયા હતા. મેયર પ્રવીણ પટેલને બોર્ડમાં એકલા પાડી દેવાયા હતા. વિરોધ પક્ષ લોકોના પ્રશ્ને સભા ત્યાગ કરતો હોય છે પણ અહીં તો સત્તાધારી પક્ષ પોતે સભાત્યાગ કર્યો હતો. ભાજપમાં જે કંઈ થઈ રહ્યું છે. તે રાક્ષસોના નાશ માટેનો હવનનો અગ્નિકુંડ હોય એમ પક્ષના કાર્યકરો જોઈ રહ્યાં છે. ગાંધીનગરમાં આવું પહેલી વખત રાજકારણ રમવામાં આવી રહ્યું નથી, અગાઉ પણ આવી ઘણી ઘટનાઓ બની છે.

2011મા ન મળ્યું તે 2016મા મેળવ્યું

રાજકીય નેતાઓને સત્તા ભોગવવા અને મેળવવાની કોઈ મર્યાદા હોતી નથી. આવું જ પ્રવીણ પટેલના કિસ્સામાં થયું હતું. 2011મા કોંગ્રેસને બહુમતી મળી ત્યારે તેમણે મેયર બનાવવા માટે દાવો રજૂ કર્યો હતો. કોંગ્રેસે તેમને મેયર તો ન બનાવ્યા પણ ખડી સમિતિના અધ્યક્ષ જેવું મહત્વનું પદ આપ્યું હતું. પણ તે મેયર બનવા માંગતા હતા. 2016મા પણ આવું જ થયું હતું. કોંગ્રેસ પ્રવીણ પટેલને મેયર બનાવવા તૈયાર ન હતી. તેથી તેમણે રાજકીય ગંદી ચાલ ચાલીને કોંગ્રેસના પક્ષાપક્ષી ભરેલા ભરત સોલંકીના કાવાદાવાને પડકાર આપતાં હોય તેમ ભાજપમાં પક્ષાંતર કરવા તેઓ તૈયાર થઈ ગયા હતા. તુરંત મેયર બની ગયા હતા.

2 કરોડમાં વેચાઈ ગયાનો આક્ષેપ

કોંગ્રેસના કોર્પોરેટર પ્રવીણ પટેલે અચાનક પક્ષપલટો કરીને ભાજપમાં કૂદકો મારતા કોંગ્રેસમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો. કેટલાક લોકોએ તો એવા આક્ષેપ પણ કર્યા કે તેમણે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે. બે કરોડમાં પોતે વેચાઈ ગયા છે.

પ્રવીણ પટેલનું મૂળ ગોત્ર ભાજપનું

પ્રવીણ પટેલ મૂળ ભાજપમાં હતા. ગાંમપાની ટિકિટ ન આપતાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે આપેલી ટિકિટ ઉપર જીત મેળવીને ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર પણ બની ગયા. ગુજરાત યુનિવર્સિટીમાંથી બી. કોમ. થયેલા પ્રવીણ પટેલ સામે ભૂતકાળમાં IPCની કલમ 427, 436, 435, 143, 147, 149 અને કલમ 135 મુજબના કુલ ચાર કેસ નોંધાયા હતા. પ્રવીણ પટેલ સામે નોંધાયેલા કેસ એડિશનલ સેશન્સ જજ ફાસ્ટ ટ્રેક કોર્ટે દોષમુક્ત જાહેર કરાયા હતા. તેઓ અંબાપુર, રતનપુર, રાયસણ અને કોબામાં કરોડોની જમીન ધરાવે છે. પ્રવીણ પટેલ ગાંધીનગર સેકટર 22મા એક કરોડ એંસી લાખની કિંમતનું મકાન અને તેમના પત્નીના નામે સવા કરોડની કિંમતના બંગલા ઉપરાંત રાયસણમાં પણ રૂપિયા 60 લાખની કિંમતનું ઘર ધરાવે છે.

આયાતી મેયર સામે ભાજપના કાર્યકરો નારાજ

ગઈ ટર્મમાં મહેન્દ્રસિંહ રાણા કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા અને પાછળથી તેઓ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા. પછીની ચૂંટણીમાં મહેન્દ્રસિંહ રાણાને ચૂંટણી લોકોએ હરાવ્યા હતા. જોકે આ ચૂંટણીમાં ભાજપની અંદર ભારે અસંતોષ અને વિરોધ જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકરો આ માટે ભાજપના તમામ ટોચના નેતાઓને જવાબદાર માને છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી અને બીજા ટોચના નેતાઓ આ માટે જવાબદાર હોવાનું ભાજપના કાર્યકરો ખાનગીમાં કહે છે. તેની સામે કોંગ્રેસના ભરત સોલંકી, અહેમદ પટેલ, સી જે ચાવડા, અમિત ચાવડા પણ એટલા જ જવાબદાર છે. બન્ને પક્ષના આ નેતાઓ ગુજરાતને ફરી એક વખત અંધકાર યુગમાં ધકેલી રહ્યાં છે.

2011મા પક્ષ પલટો થયો હતો

વર્ષ 2011મા અસ્તિત્વમાં આવેલી ગાંધીનગર મનપાનો દરજ્જો મળ્યા બાદ 2012મા પ્રથમ તે વખતે ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસનો વિજય થયો હતો. તે સમય કુલ 33 બેઠકોમાંથી ભાજપને 15 અને કોંગ્રેસને 18 બેઠકો મળી હતી. જોકે, થોડા પાછળથી કોંગ્રેસના મહેન્દ્રિંસહ રાણા સહિત ત્રણ સભ્યોએ પક્ષપલ્ટો કર્યો હતો. ભાજપે તે વખતે પણ પક્ષપલટો કરનાર મહેન્દ્રસિંહને મેયર બનાવ્યા હતા. થોડા મહિના માટે કોંગ્રેસનું શાસન રહ્યું હતું. ભાજપે તોડફોડ શરૂ કરીને પક્ષાંતર કરાવ્યું હતું. કોંગ્રેસના મેયર મહેન્દ્ર રાણા સહિત 3 સભ્યોએ પક્ષપલ્ટો કરી ભાજપમાં ગયા હતા. લોક ચૂકાદા વિરૃદ્ધ મહેન્દ્ર અને ભાજપે ગંદા રાકારણની શરૂઆત કરી હતી. પક્ષપલટો કરનાર મહેન્દ્રને ભાજપે મેયર બનાવ્યા હતા. 2012મા વિધાનસભાની ચૂંટણી આવતાં કોંગ્રેસમાં વિખવાદો થયું થયા હતા. કોંગ્રેસ દ્વારા કાલોલ બેઠક પર બલદેવ ઠાકોર, ગાંધીનગર સાઉથ બેઠક પર નરહરી અમીન અને ગાંધીનગર શહેરની બેઠક પરથી ઇન્દ્રવિજય ગોહિલને ઊભા રાખવાની રણનીતિ બનાવતા રાણાએ તેનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. ભાજપ રાજ્યના પાટનગરમાં કોંગ્રેસને મળેલી જીતને પચાવી શક્યું નહોતું અને વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં કોર્પોરેટરોને તોડીને ભાજપ સાથે ભેળવી સત્તા આંચકી લીધી હતી. કોંગ્રેસના મેન્ડેટે ચૂંટાયેલા મહેન્દ્ર રાણા, હંસાબેન મોદી અને સુભાષ પાંડવ કોંગ્રેસમાંથી પક્ષાંતર કરી ભાજપમાં જોડાયા હતા. મેયર મહેન્દ્ર રાણાની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ભાજપમાં આવેલા કોંગ્રેસના કોર્પોરેટર હિનાબેન મોદીને ભાજપે મેયર તરીકે બેસાડ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ દ્વારા ત્રણ બળવાખોર કોંગ્રેસના નેતાઓ મેયર હંસાબેન મોદી, પૂર્વ મેયર મહેન્દ્ર રાણા, પૂર્વ ડે.મેયર સુભાષ પાંડવને છ વર્ષ માટે પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. કોંગ્રેસે હાઈકોર્ટમાં ત્રણેય સભ્યો સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી કરવા કોર્ટમાં દાવાઓ કર્યા હતા પણ તેમાં સફળતા મળી ન હતી.

(દિલીપ પટેલ)