રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની એક તરફ દેશમાં ઉજવણી થઈ રહી હતી તો બીજી તરફ વડોદરાના મકરપુરા જી.આઈ.ડી.સી નજીકના માણેજા ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓને લઈ સ્થાનિકોએ વિરોધ નોંધાવી ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી દેશી દારૂના અડ્ડા બંધ કરવાની માગણી કરી હતી.
મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, તો મકરપુરા જી.આઈ.ડી.સી પાસે આવેલ માણેજા ખાતે ખુલ્લેઆમ 30 થી 35 જેટલા દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે અને મકરપુરા પોલીસને વારંવાર રજુઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા ગાંધીજયતીની સંધ્યાએ માણેજા ગામના રહીશો એકત્ર થઈ જાહેર માર્ગ પર ખુલ્લેઆમ દેશી દારૂની પોટલિઓ વહેંચી વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયથી માણેજામાં દેશી દારૂનું વેચાણ ખૂલ્લેઆમ થાય છે, જો તેઓ પોલીસની રહેમ નજર અને તેઓને ચૂકવવામાં આવતા હપ્તાથી દારૂનું વેચાણ કરી શકતા હોય તો અમે ખુલ્લે આમ કેમ વેચાણ ન કરી શકીએ તેમ જણાવી સ્થાનિકોએ પોલીસની કામગીરી પર આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતા. અને દેશી દારૂ બંધ કરોના સૂત્રોચ્ચાંર કરી દારૂની પોટલીઓ રોડ પર ફેંકી વિરોધ નોંધાવ્યો હતો.
એટલુંજ નહીં સ્થાનિકો દ્વારા દેશી દારૂના વેચવાનાં કાર્યક્રમમાં નાના બાળકો પણ જોડાયા હતા અને માણેજામાં દેશી દારૂના અડ્ડા બંધ કરવાની માંગ કરી હતી. માણેજા ગામમાં રહેતી 10 વર્ષની શ્રેયાએ કહ્યું હતું કે જો કોઈ દારૂનું વ્યસન કરનાર દારૂ પી ને ઘરે આવે છે તો ઘરના સભ્યો સાથે અપશબ્દો બોલી માર મારવામાં આવે છે. જેથી જો આ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા બંધ થાય તો દારૂના રવાડે ચઢેલા માણેજા વિસ્તારનું યુવાધન અને તેઓના પરિવાર પરિવારજનો ને બચાવી શકાય.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વડોદરા માણેજા ગામમાં ચાલતા દેશી દારૂને લઈ અગાઉ પણ ગ્રામજનો દ્વારા રેલી કાઢી દેશી દારૂના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી હતી અને જે તે સમયે દારૂના વ્યસનના કારણે મોતને ભેટનારાઓની સંખ્યા પણ ગામમાં વધારે છે તેવું જણાવામાં આવ્યું હતું અને તેવા ઘરોના લોકોએ પણ મીડિયા સમક્ષ આપવીતી જણાવી હતી. પરંતુ ત્યારબાદ રાત ગઈ બાત ગઈની જેમ વાત ભુલાઈ ગઈ હતી.