ગામડાઓમાં 50 ટકા તબિબો નથી

ગાંધીનગર: સામૂહિક કેન્દ્રોમાં કુલ 2200 તબીબોની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ 2200 તબીબો પૈકીની 1042 જગ્યાઓ ખાલી પડી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તબીબોની 1867 જગ્યાઓને મંજૂર કરવામાં આવેલી છે. જો કે તે પૈકીની 646 જગ્યાઓ ખાલી પડી છે. રાજયના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 50 ટકા જેટલા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 35 ટકા કરતાં વધુ ડોક્ટર કે તબીબોની ઘટ હોવાનું સરકાર દ્વારા અપાયેલા જવાબમાં બહાર આવ્યું છે.

ગુજરાતની ભાજપ સરકાર રાજ્યને મેડિકલ હબ બનાવવા માટેની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. શહેરોમાં મસમોટી એઇમ્સ જેવી મોટી સરકારી તેમજ મલ્ટી સ્પેશ્યાલિટી ધરાવતી ખાનગી હોસ્પિટલો ખૂલી રહી છે. પરંતુ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અનુક્રમે 50 ટકા અને 35 ટકા તબીબોની જગ્યાઓ ખાલી પડી રહી છે.

રાજ્યના આદિવાસી અને પછાત એવા દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, બનાસકાંઠા, નવસારી, પંચમહાલ અને કચ્છ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રોની હાલત કફોડી છે. જેમાં દાહોદ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં મંજૂર કરાયેલ 155 જગ્યાઓમાંથી 115 જગ્યા ખાલી છે, આ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મંજૂર કરાયેલી 185 જગ્યાઓમાંથી 115 જગ્યા ખાલી પડી છે. જ્યારે છોટા ઉદેપુર જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં મંજૂર કરાયેલી 83 જગ્યાઓમાંથી 58 જગ્યાઓ ખાલી છે,જ્યારે જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મંજૂર કરાયેલ 85 જગ્યામાંથી 50 જગ્યા ખાલી છે.

પંચમહાલ જિલ્લામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં મંજૂર કરાયેલી 79 જગ્યામાંથી 48 જગ્યાઓ ખાલી છે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મંજૂર કરાયેલી 68માંથી 35 જગ્યા ખાલી છે. નવસારી જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે મંજૂર કરાયેલી 100 જગ્યામાંથી 48 જગ્યાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે મંજૂર કરાયેલી 71 જગ્યાઓમાંથી 13 જગ્યા ખાલી છે. બનાસકાંઠા જિલ્લામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે 149 જગ્યાઓમાંથી 72 જગ્યા ખાલી છે, તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે મંજૂર કરાયેલી 136 જગ્યામાંથી 60 જગ્યા ખાલી છે. જ્યારે કચ્છ જિલ્લામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો અંતે મંજૂર કરાયેલી 88 જગ્યામાંથી 64 જગ્યા ખાલી છે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અંતે માટે મંજૂર કરાયેલી 67 જગ્યામાંથી 37 જગ્યાઓ ખાલી પડી છે.