ગિફ્ટ સિટીમાં બેન્ક ઓફ અમેરિકનો પ્રવેશ, નવેમ્બરમાં ઓફિસ શરૂ કરશે

ગાંધીનગર,તા:૨૮  અમેરિકાની બીજા નંબરની બેન્ક એવી બેન્ક ઓફ અમેરિકાનો પ્રવેશ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં થઇ રહ્યો છે. આ બેન્ક તેનું સંચાલન નવેમ્બરમાં શરૂ કરે તેવી સંભાવના છે. આ બેન્કે ગિફ્ટ સિટીમાં છ માળની જગ્યાનું બુકિંગ કર્યું છે. બેન્ક ઓફ અમેરિકાએ ગિફ્ટ સિટીના સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (એસઇઝેડ)માં જગ્યા લીધી છે.

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી એ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો પ્રોજેક્ટ છે. તેઓ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે ગિફ્ટ સિટીને તેમણે વિશેષ સ્માર્ટ સિટીનો દરજ્જો આપ્યો છે.આ સિટીમાં લંડન અને સિંગાપુરની નાણાકીય સંસ્થા ઓએ તો તેમનું સંચાલન શરૂ કરી દીધું છે. બીએસસીની બ્રાંચ ઓફિસ પણ ગિફ્ટ સિટીમાં લાવવામાં આવી છે.

સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના વિકાસ કમિશનર અમિયા ચંદ્રાએ કહ્યું હતું કે અમે સાત દિવસના રેકોર્ડબ્રેક સમયમાં બેન્ક ઓફ અમેરિકાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે, જો કે ગિફ્ટ સિટીમાં બેન્ક ઓફ અમેરિકા ક્યા પ્રકારનું સંચાલન કરશે તે વિગતો આપવાનો તેમણે ઇન્કાર કર્યો હતો પરંતુ ઉદ્યોગ વિભાગના સૂત્રો કહે છે કે બેન્ક ઓફ અમેરિકા તેની સંચાલન સેવાઓ માટે 1500ની બેઠકની આઇટી-આઇટીઇએસ યોજના સ્થાપિત કરશે.

ઉદ્યોગ વિભાગના અધિકારીએ કહ્યું કે બેન્ક ઓફ અમેરિકાએ ગિફ્ટ સિટીમાં એસઇઝેડના હિસ્સામાં એક મલ્ટીસ્ટોરિયેડ બિલ્ડીંગમાં છ માળની ઓફિસો બુક કરી લીધી છે. જો કે બેન્ક ઓફ અમેરિકાએ તેની સ્વતંત્ર બિલ્ડીંગની માગણી કરી હતી જેને ગ્રાહ્ય રાખવામાં આવી છે. બેન્કની અલગ ઇમારત માટે તેને પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું છે અને જમીન ની ફાળવણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પોતાનું બિલ્ડીંગ બને તે પહેલાં નવેમ્બરમાં બેન્ક ઓફ અમેરિકા તેનું સંચાલન છ માળની જગ્યામાં શરૂ કરશે.

તેમણે કહ્યું કે બેન્ક ઓફ અમેરિકા ગિફ્ટ સિટીમાં નવેમ્બરમાં તેના 100 કર્મચારીઓની મદદથી સંચાલન શરૂ કરશે અને નજીકના સમયમાં તે 1500ના સ્ટાફ સાથે ગાંધીનગરના ગિફ્ટ સિટીથી સંચાલન કરશે. ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સિટી ના પ્રોજેક્ટને ગ્લોબલ ફાયનાન્સિયલ સેન્ટર ઇન્ડેક્ષ્ટમાં ત્રીજા નંબરનું સ્થાન મળ્યું છે. આ ઇન્ડેક્ષ્ટનો રિપોર્ટ લંડન સ્થિત જેડિયન ઇન્સ્ટીટ્યુટ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.