ગીરમાં એક મત માટે હવે મતદાન કેન્દ્ર નહીં રહે, મહંતનું અવસાન

ગાંધીનગર,તા:01 ગુજરાતમાં એક મત માટે આખું મતદાન કેન્દ્ર શરૂ કરાયું હતું, જેના માટે ચૂંટણીપંચ દ્વારા રૂ.10 હજારનો ખર્ચ કરવામાં આવતો હતો. જો કે હવે ચૂંટણીપંચને આ ખર્ચ કરવો નહીં પડે, કારણ કે એક જ એવા મતદાર મહંતનું અવસાન થતાં આ મતદાન કેન્દ્ર બંધ કરવું પડશે.

ગુજરાતમાં કોઈપણ ચૂંટણી આવે ત્યારે ગીરમાં બાણેજ ગામના એક મતદારના મત પાછળ ચૂંટણીપંચનો સ્ટાફ ખડેપગે ઊભો રહેતો હતો. આખા ભારતમાં આ એક એવું મતદાન કેન્દ્ર હતું કે જ્યાં ગણતરીની મિનિટોમાં 100 ટકા મતદાન થઈ જતું હતું, કેમ કે આ મતદાન કેન્દ્ર માત્ર એક વ્યક્તિ માટે જ બનાવવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ગીર અભયારણ્યના સિંહ જેમ પ્રખ્યાત છે, તેમ આ વિસ્તારમાં મધ્ય ગીર જંગલમાં રહેતા મહંત વિશ્વભરમાં પ્રખ્યાત બન્યા છે. પ્રત્યેક ચૂંટણી સમયે આ મહંતનું મતદાન અવશ્ય હોય છે. બાણેજ ગામમાં જૂનાગઢ લોકસભા બેઠકનું ઊના વિધાનસભા મતક્ષેત્ર લાગુ પડે છે. ઘનઘોર જંગલ અને રાની પશુઓથી ઘેરાયેલું આ ગામ માનવવસતીથી ૨૦ કિલોમીટર દૂર આવેલું છે.

બાણેજ પહોંચવા માટે પાકી સડક કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ ઉપલબ્ધ નથી, કેમ કે આ આખા જંગલમાં એકમાત્ર 61 વર્ષીય બાબા ભરતદાસ ગોસ્વામી રહેતા હતા. આ અલગારી બાબા જંગલમાં આવેલા વર્ષોજૂના શિવજી મંદિરમાં પૂજારી તરીકે 37 વર્ષથી સેવા કરતા હતા પણ હવે તેઓ રહ્યા નથી.

વર્ષ 2007થી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણીપંચ બાણેજમાં વનવિભાગની નાનકડી કચેરી ખાતે મહંતબાબાના એકમાત્ર મત માટે એક પ્રિસાઈડિંગ ઓફિસર, બે પોલિંગ ઓફિસર્સ, એક પટાવાળા સહિત પોલીસ જવાનો લાવી મતદાન વ્યવસ્થા ગોઠવે છે. બાબા એમને અનુકૂળ સમયે બપોર સુધીમાં મતદાન કરી દેતા હતા, પરંતુ નિયમ પ્રમાણે ચૂંટણીપંચના કર્મચારીઓ મતદાન માટે સાંજ સુધી રોકાયેલા હોય છે.

લોકશાહી દેશમાં એક મતદાર માટે આખું મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે. સરકારના અધિકારીઓએ પહેલા એવું કહ્યું હતું કે મહંતને મતદાન કરવા માટે નજીકના મતદાન મથકે જવા માટે વાહનની વ્યવસ્થા કરી આપવામાં આવે તો મતદાન દિવસના 10 હજાર રૂપિયા બચાવી શકાય, પરંતુ ચૂંટણીપંચે ઈનકાર કર્યો હતો અને મતદાન કેન્દ્ર ઊભું કર્યું હતું, પરંતુ હવે આ કેન્દ્ર બંધ કરવામાં આવે તેવા અણસાર ચૂંટણીપંચે આપ્યા છે.

આ વિસ્તારના મહંત ભરતદાસબાપુનું આજે અવસાન થયું હોવાથી ચૂંટણીપંચને તેમના અવસાનની જાણ કરવાની રહેશે. ચૂંટણીપંચ ખાતરી કરીને આ મતદાન કેન્દ્ર કાયમ માટે બંધ કરી દેશે. આ વિસ્તારના મતદાન કેન્દ્રમાં વર્ષોથી માત્ર એક જ મત પડે છે, પરંતુ હવે આ એક મત રહ્યો નથી.