ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન હાલમાં પૂરજોશમાં સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. ત્યારે આજે ગુજરાત ભાજપમાં વધુ નામી કલાકારો જોડાયા છે. જે કલાકારો જોડાયા છે તેમાં હેમંત ચૌહાણ, સંગીતકાર પંકજ ભટ્ટ, ગાયિકા સંગીતા લાબડિયા, સ્વ. હેમુભાઈ ગઢવીના પુત્ર બિહારી ગઢવી, સૌમિલબાઈ, પ્રભુભાઈ ઠાકોર, જિતેન્દ્રભાઈ ઠક્કર વગેરેનો સમાવેશ થાય છે. અગાઉ ગાયિકા કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર અને અરવિંદ વેગડા સહિતનાં કલાકારો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આમ ભાજપનાં સંગઠન પર્વમાં 50 લાખ નવા સભ્યો જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 35 લાખ લોકો પક્ષમાં જોડાઈ ચૂક્યા છે.
કમલમ્ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ તમામ કલાકારોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો તેમ જ કલાકારોને પક્ષમાં આવકાર્યા હતા.
કાશમીરની આઝાદીનો હરખ- હેમંત ચૌહાણ
આ પ્રસંગે ગાયક કલાકાર હેમંત ચૌહાણે કહ્યું કે, ભારતને આઝાદ થતાં નહોતું જોયું, પણ કાશ્મીર આઝાદ થયું તેનો હરખ છે. આ સાથે જ તેમણે પોતાનું ખૂબ જ લોકપ્રિય ભજન “સીતારામ તણા સત સંગમાં, રાધે શ્યામના રે રંગમાં, તું રંગાઈ જાને રંગમાં” પણ ગાયું હતું.
હું પહેલેથી જ ભાજપ સાથે- હેમુ ગઢવી
સ્વ. હેમુ ગઢવીનાં પુત્ર બિહારી હેમુ ગઢવીએ કહ્યું કે, હું પહેલેથી જ દિલથી ભાજપ સાથે હતો. હેમુ ગઢવીનું નામ આપ જાણતા જ હશો. તેમના અવસાન પછી ભાજપ સરકારે તેમની કલાની કદર કરી હતી અને રાજકોટમાં તેમનાં નામ પર હેમુ ગઢવી ઓડિટોરિયમ બન્યું છે.
સુરીલા પક્ષમાં જોડાવાનો આનંદ-સંગીતા લાબડીયા
ગાયિકા સંગીતા લાબડિયાએ કહ્યું કે, અમે કલાકારો ભાજપનાં તારમાં બંધાયા છીએ અને ભાજપનાં દરેક મોટા પદાધિકારીઓ સાચા અર્થમાં કલાકાર પ્રેમી હવાથી અમે ભાજપમાં જોડાયા છીએ. સૂરીલા પક્ષમાં જોડાવાનો અનેરો આનંદ છે.