ગાંધીનગર- ગુજરાતમાં 313 મંજૂર જગ્યાઓ સામે 65 જેટલા આઇએએસ અધિકારીઓની ઘટ છે ત્યારે કેન્દ્ર સરકારે ડેપ્યુટેશન પર રાજ્યના 21 અધિકારીઓને બોલાવી લીધા છે અને હવે વધુ બે ઓફિસરો ડેપ્યુટેશન પર ગયા છે તેથી ડેપ્યુટેશનો આંકડો 23 થયો છે. ગુજરાતમાંથી ગયેલા ઓફિસરોમાં મોટાભાગના મોદી સરકારમાં ફરજ બજાવી રહ્યાં છે.
ગુજરાતના મુખ્યમંત્રી પદ ઉપર નરેન્દ્ર મોદી સૌથી વધુ 13 વર્ષ સાથે રહ્યાં પછી તેમના સબંધ બ્યુરોક્રેસી સાથે મજબૂત થયા હતા જેનો ફાયદો તેમને વડાપ્રધાન બન્યા પછી થઇ રહ્યો છે. ગુજરાતના બે ઓફિસરો અજય ભાદુ અને ટી નટરાજન ડેપ્યુટેશન પર ગયા છે અને બીજા ચાર ઓફિસરો લાઇનમાં છે જેમાં જીઆઇડીસીના એમડી ડી થારાનો પણ સમાવેશ થાય છે.
મોદી-2માં પણ હવે ગુજરાતના સિનિયર ઓફિસરો દિલ્હી જઇ રહ્યાં છે. રાજ્યમાં મહત્વના વિભાગો ખાલી પડ્યા છે અને તેમાં એક ઓફિસરને બેવડા ચાર્જ આપી દેવામાં આવ્યા છે, કારણ કે સરકાર પાસે વધારાના આઇએએસ ઓફિસરો નથી. ડેપ્યુટેશન પર ગયેલા ઓફિસરો ત્રણ વર્ષના પિરીયડ પછી જ ગુજરાત પાછા આવી શકે છે, જો કે તેઓ પાછા આવે તે પહેલાં વય નિવૃત્ત પણ થઇ શકે છે. અનિલ મુકીમ અને મહાપાત્ર એવા બે ઓફિસરો છે કે જેઓ ડેપ્યુટેશન પર દિલ્હી ગયા છે અને આ બન્ને ઓફિસરો ચીફ સેક્રેટરીના દાવેદાર છે પરંતુ તેમનો ટેન્યોર દિલ્હીમાં જ પૂરો થવાનો છે.