ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પરની હાલની સ્થિતી શું છે તે વાંચો

આંક અને અનુભવદિલીપ પટેલવિશ્લેષણ

ગુજરાતમાં લોકસભાની બેઠક પર કોંગ્રેસ અને ભાજપ સરખી બેઠકો મેળવે તેવો માહોલ

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપને મળેલા મતોની ગણતરી અને હાલની સ્થિતી પ્રમાણે 26 બેઠકોનું મૂલ્યાંકન કરવામાં આવે તો તેમાં કઈ બેઠક પર કોણ જીતી શકે તેમ છે, તે એકદમ સ્પષ્ટ થઈ જાય તેમ છે. લોકસભા વિસ્તારમાં જે તે પક્ષની લોકપ્રિયતા કેટલી છે તે લોકોના મુડ અને પાછલા પરિણામથી ખબર પડી જાય છે. તમામ 26 બેઠક પર ભાજપના લોકસભાના સભ્ય ચૂંટાયેલા છે. ભાજપે કાશ્મીરમાં 40 અર્ધ લશ્કરી દળના જવાના મોતનો રાજકીય ફાયદો લેવાનું અને ધાર્મિક ઉશ્કેરણી સમગ્ર રાજ્યમાં સોશિયલ મિડિયા અને નાના બનાવો દ્વારા લેવાનું શરૂ કર્યું છે. લોકો આ બધી બાબતો સમજી ગયા છે.

હાલ કોંગેસને 11 બેઠક મળી શકે તેવો માહોલ છે. ભાજપ ફરીથી 11 બેઠકો જીતે તેમ છે. જ્યારે 4 બેઠક આવી છે કે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતદારો ઝોલા ખાઈ રહ્યાં છે. તે કોને મળી શકે તે નક્કી કરી શકાય તેમ છે. પ્રવીણ તોગડીયા, શંકરસિંહ-NCP કે બીજા એક પણ પક્ષને કોઈ બેઠક મળે એવું પ્રજા માનસ ગુજરાતમાં ક્યાંય દેખાતું નથી. ભાજપ અને કોંગ્રેસ સિવાયના ત્રીજા કોઈ પણ પક્ષના ઉમેદવારો ઊભા રહેશે તો તે ભાજપને મદદરૂપ થશે. કોંગ્રેસના મત તોડશે. એવું મોટાભાગના લોકો અવલોકન કરી રહ્યાં છે. આ સ્થિતી 4 બાબતો પર નક્કી કરાઈ છે. હવે પછી, રાજકીય સ્થિતીમાં ગમે તે ફેરફાર થઈ શકે છે. આ સ્થિતી 23 ફેબ્રુઆરી 2019ની છે, હવે સ્થિતી બદલાઈ પણ શકે છે.

1 કચ્છ – કોંગ્રેસ

કચ્છ લોકસભા બેઠકમાં 6 વિધાનસભા બેઠકમાંથી 3 બેઠક કોંગ્રેસે જીતી છે, અબડાસા, રાપર અને મોરબી બેઠક. જ્યારે ભાજપે 3 બેઠક માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામ જીતી છે. કચ્છ અને મોરબીના લોકો હવે ભાજપ પ્રત્યે પ્રેમ ઓછો કરી રહ્યાં છે. ભાજપના સેક્સ કાંડથી આ બેઠક પર ગંભીર અસર થઈ શકે છે. જ્યારે મોરબીમાં કોંગ્રેસના ધારાસભ્યએ સ્થિતી સુધારી છે.

2 બનાસકાંઠા – કોંગ્રેસ

બનાસકાંઠા લોકસભા આમતો કોંગ્રેસનો ગઢ રહ્યો છે. બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં 7 વિધાનસભા વિસ્તાર આવે છે. જેમાં 5 ધારાસભા બેઠક વાવ, દાંતા, ધાનેરા પાલનપુર અને દિયોદર કોંગ્રેસની પાસે છે. જ્યારે ભાજપ પાસે થરાદ અને ડીસા બેઠક છે. અહીં કોંગ્રેસ આગળ છે. અહીં શંકર ચૌધરીના દૂધની ડેરીના અને મેડિકલ કોલેજ-હોસ્પિટલના કૌભાંડથી લોકો નારાજ છે. કુદરતી આફતમાં સરકારી રાહત અને નર્મદા નહેર તુટવાના કૌભાંડથી ભાજપથી નારાજ છે. અહીં કોંગ્રેસ માટે સારું વાતાવરણ જોવા મળે છે.

3 પાટણ – કોંગ્રેસ

પાટણ લોકસભા બેઠકમાં 7 વિધારાસભ્યો માંથી 4 બેઠક વડગામ(અપક્ષ), રાધનપુર, પાટણ અને સિદ્ધપુર બેઠક પર કોંગ્રેસ-કોંગ્રેસ સમર્થિત ધારાસભ્ય છે. ભાજપ 3 વિધાનસભા બેઠક પર સરસાઈ ધરાવે છે, જેમાં કાંકરેજ, ચાણસ્મા અને ખેરાલુનો સમાવેશ થાય છે. અહીં વિધાનસભાની જીતની સરસાઈ તથા પાટણમાં ઊભી થયેલી રાજકીય સ્થિતી પ્રમાણે ભાજપ માટે આ બેઠક જીતવી મુશ્કેલ છે. પાટણમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ભાજપને હંફાવી રહ્યાં છે. અહીં ભાજપની વિરૃદ્ધમાં અનેક મુદ્દા તેઓ તથા આમ આદમી પક્ષ દ્વારા ઊભા કરી શકાયા છે. ભાજપના મહામંત્રી કે. સી. પટેલ સામે જમીન કૌભાંડના આરોપો અને ચોરાયેલી કાર ભાજપના અનેક નેતાઓ વાપરી રહ્યાં હોવાથી અહીં ભાજપની છબી ધુંધળી બની છે.

4 મહેસાણા – કોંગ્રેસ

લોકસભા બેઠક પરથી અહીં ભાજપ જીતી શકે તેમ ન હોવાથી કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલ અને કોંગ્રેસના નેતાઓને ભાજપમાં પક્ષાંતરથી લેવામાં આવ્યા છે. જો ભાજપ લોકસભામાં જીતે તેમ જ હોત તો આ પક્ષાંતર થયું ન હોત. 7 ધારાસભ્યોમાંથી કોંગ્રેસના 4 ચૂંટાયા હતા. જેમાં ઊંઝા, બેચરાજી અને માણસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો કબજો રહ્યો હતો. 3 બેઠક વિસનગર, કડી, મહેસાણા અને વિજાપુર બેઠક પર ભાજપના ધારાસભ્યો છે. મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલ સામે અને નિતીન પટેલ સામે ભારે વિરોધ છે. અહીં ભાજપ માંડ જીત્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની મોટાભાગની સંસ્થાઓ કોંગ્રેસ પાસે છે. અહીં ભાજપ માટે સારું વાતાવરણ નથી.

5 સાબરકાંઠા – કોંગ્રેસ

સાબરકાંઠા લોકસભાની બેઠકમાં 7 વિધાનસભા બેઠક માંથી કોંગ્રેસી 4 બેઠક ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા અને બાયડ પર લોકોએ ધારાસભ્ય આપ્યા છે. ભાજપ પાસે હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ વિધાનસભા વિસ્તારો છે. આમ અહીં ધારાસભ્યોની દ્રશ્ટીએ કોંગ્રેસ આગળ છે. અહીં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર મોટાભાગે કોંગ્રેસનો કબજો છે. હિંમતનગરમાં કોંગ્રેસમાં આંતરિક ડખા વધું છે. તો તે કોંગ્રેસ ઉકેલે તો તેમને માટે જીતની શક્યતા છે.

6 ગાંધીનગર – ભાજપ

અમદાવાદની આ લોકસભા બેઠક પર 7 ધારાસભ્યોમાંથી 5 ધારાસભ્યો સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી ભાજપના છે. જ્યારે કોંગ્રેસના માત્ર 2 ગાંધીનગર ઉત્તર અને કલોલના ધારાસભ્યો કોંગ્રેસના છે. ગાંધીનગર શહેરમાં કોંગ્રેસ માટે સારૂં છે. અમદાવાદ શહેરમાં ભાજપની સ્થિતી મજબૂત છે. અહીં ફરી એક વખત ભાજપ જીતશે. અમદાવાદ શહેરમાં ભાજપની પક્કડ છે. કોંગ્રેસના નેતાઓ જૂથવાદ કરતાં હોવાથી અને પ્રજાની વચ્ચે જોઈએ એવા જતાં નથી. તેઓ પ્રજાનો અવાજ બનવામાં સદંતર નિષ્ફળ રહ્યાં છે. તેથી કપીલ શર્માને અહીં કોંગ્રેસ ટિકિટ આપે તો પણ આ બેઠક કોંગ્રેસ ગુમાવશે.

7 અમદાવાદ પૂર્વ – ભાજપ

અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તારમાં 7 ધારાસભ્યોમાંથી 6 ધારાસભ્યો ભાજપના છે જેમાં દહેગામ, ગાંધીનગર દક્ષિણ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર વિધાનસભાનો સમાવેશ થાય છે. એક માત્ર  બાપુનગર વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય છે. આમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું રાજ છે. અમદાવાદની પ્રજા માનસ પર ભાજપ છવાયેલો છે. કોંગ્રેસ હવે ગુંડા અને મુસલમાનોનો પક્ષ હોવાની છાપ તો સુધારી છે. પણ સલામતી આપી શકે એવી કોઈ ખાતરી પ્રજાને થતી નથી. તેથી હિન્દુવાદી માનસિકતા ધરાવતાં અમદાવાદ શહેરમાં કોંગ્રેસ પ્રવેશી શકી નથી. કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે પુરતી વ્યવસ્થા કરી શકી નથી. અહીં ભાજપની જીત નક્કી છે. ભલે સાંસદ પરેશ રાવલને ભાજપ બદલે અને સામાન્ય કાર્યકરને ટિકિટ આપે તો પણ તે જીતે તેમ છે.

  1. અમદાવાદ પશ્ચિમ – ભાજપ – કોંગ્રેસ

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 7 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો ભાજપના છે. જેમાં એલિસબ્રીજ, અમરાઈવાડી, મણીનગર અને અસારવા બેઠક ભાજપ પાસે છે. 3 ધારાસભ્યો દરિયાપુર, જમાલપુર – ખાડિયા અને દાણીલીમડા બેઠક પર કોંગ્રેસના છે. દેશનું શાસન સંભાળવામાં અને લોકોને સુખ ચેન આપવામાં સદંતર નિષ્ફળ રહેલા નરેન્દ્ર મોદી સામે લોકોનો અહીં ભારે રોષ એટલા માટે છે કે અહીં ઉદ્યોગ પતિઓ, મજૂરો અને મુસ્લિમ મતદારો નારાજ છે. આ વિસ્તારમાં વેપારી વર્ગ અને મજૂર વર્ગ મોટા પ્રમાણમાં છે. જો કોંગ્રેસ સારા ઉમેદવાર મૂકે તો મણીનગર અને એલિસબ્રિજને બાદ કરતાં બીજા ધારાસભા વિસ્તારમાં સારો દેખાવ કરી શકે તેમ છે. 2014ની લોકસભા કરતાં અહીં આ વખતે મતદારોનો મૂડ જૂદો છે. તેથી ભાજપ કાં કોંગ્રેસ જીતી શકે તેમ છે.

9 સુરેન્દ્રનગર – કોંગ્રેસ

અમદાવાદ જિલ્લાથી લઈને રાજકોટ જિલ્લા સુધી વિસ્તરેલો સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર 2014 કરતાં ઘણો નબળો છે. અહીં 7 ધારાસભ્યોમાંથી 6 ધારાસભ્યો વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, ચોટીલા અને ધ્રાંગધ્રા બેઠક પરના કોંગ્રેસના છે. જ્યારે ભાજપના 1 ધારાસભ્ય વઢવાણમાં છે. લોકસભાની આ બેઠક કબજે કરવા માટે ભાજપે કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરોને ભાજપમાં પક્ષાંતર કરાવીને ભરતી કરવી પડી છે. સ્થાનિક સ્વરાજ્યની ઘણી સંસ્થાઓ પરથી ભાજપે કાબુ ગુમાવી દીધો છે. કોંગ્રેસના ધારાસભ્ય સામે કેસ કરીને પરેશાન કરવા અને તેને રીજીનામું આપવાની ફરજ પાડવામાં આવી રહી હોવાની ફરિયાદ છે. અહીં પ્રજા માનસ પરથી ભાજપની ઈમેજ ધોવાઈ છે. અહીં ખાણ માફિયાઓ અને જમીન કૌભાંડો ભાજપની રૂપાણી સરકારમાં ફુલ્યા છે. કોલસાની ખાણોના કૌભાંડો 10 વર્ષથી ચાલી રહ્યાં છે. અહીં રાજકીય કાવાદાવા ભાજપ તથા સરકાર દ્વારા મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા છે. તેથી 1 માત્ર ધારાસભ્ય અહીં ભાજપના છે. લોક પ્રવાહ સત્તા સામે છે. પ્રજા વડાપ્રધાનથી નારાજ છે.

10 રાજકોટ – ભાજપ

રાજકોટ લોકસભા બેઠક પર 7 બેઠકમાંથી 4 બેઠક પર 2017માં રાજકોટ પશ્ચિમ, રાજકોટ પૂર્વ, રાજકોટ દક્ષિણ અને રાજકોટ ભાજપના ધારાસભ્યો ચૂંટાયા હતા. જ્યારે 3 બેઠક ટંકારા, વાંકાનેર અને જસદણ પર કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા હતા. હવે જસદણ બેઠક પર પક્ષાંતર કરાવીને કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં લાવવામાં આવ્યા છે. રાજકોટ બેઠક આ વખતે ભાજપ જીતે તેમ ન હોવાથી વ્યાપક રીતે કોંગ્રેસમાંથી પક્ષાંતર કરાવીને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉછીના લેવા પડ્યા છે. જો રાજકોટ લોકસભા વિસ્તારમાં ભાજપ જીતે તેમ હોય તો આ રીતે પક્ષાંતર કરવાની જરૂર પડી ન હોત. રાજકોટ જિલ્લો કોંગ્રેસ પાસે છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપ પાસે છે. અહીં કોંગ્રેસ સારા ઉમેદવાર રાખે તો ભાજપને હંફાવી શકે તેમ છે. ભાજપે પક્ષાંતર કરીને પોતાની બેઠક સલામત કરી છે. અહીં ભાજપ જીતશે.

11 પોરબંદર – ભાજપ – કોંગ્રેસ

પોરબંદર લોકસભા બેઠકએ રાજકોટનો જ એક ભાગ છે. અહીં 7 ધારાસભ્યોમાંથી 4 બેઠક પર ગોંડલ, જેતપુર, પોરબંદર અને કેશોદ ભાજપના ધારાસભ્યો છે. 3 બેઠક પર કોંગ્રેસ અને તેના સમર્થન વાળી કુતિયાળા, ધોરાજી અને માણાવદર વિધાનસભા કોંગ્રેસ પાસે છે. પોરબંદર જિલ્લાની કોંગ્રેસ ખતમ થઈ ચૂકી છે. અહીં સંગઠન રહ્યું નથી. ભાજપના અહીં અનેક કૌભાંડ થયા છે. બાબુ બોખીયારાના અનેક કૌભાંડો અને ખાણ કબજે કરીને કરોડોના કૌભાંડો જાહેર થયા હોવા છતાં કોંગ્રેસ તેનો કોઈ ફાયદો ઉઠાવી શક્તિ નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કોંગ્રેસ ગુમાવી ચૂકી છે. કુતિયાણા અને બીજી વિધાનસભા પર કોંગ્રેસ પકડ ગુમાવી દીધી છે. હવે અહીં વિઠ્ઠલ રાદડીયા અહીંથી ચૂંટણી લડવાના નથી. તેથી અહીં કોંગ્રેસ માટે ફરી એક વખત તક ઊભી થઈ શકે તેમ છે. કોંગ્રેસની જીતની આશા ધરાવતી અને ભાજપ માટે હારની શક્યતા ધરાવતી આ બેઠક છે. લોકો ભાજપના રાજથી અહીં ખુશ નથી.

12 જામનગર – ભાજપ – કોંગ્રેસ

જામનગર લોકસભા બેઠક પરના 7 ધારાસભ્યોમાંથી 4 બેઠક કાલાવાડ, જામનગર ગ્રામ્ય, જામજોધપુર, જામ ખંભાળિયામાં કોંગ્રેસના ધારાસભ્યો 2017માં ચૂંટાયા હતા. જ્યારે ભાજપના 3 જામનગર ઉત્તર, જામનગર  દક્ષિણ અને દ્વારકા બેઠક ભાજપ પાસે છે. અહીં ભાજપ નબળું પડી રહ્યું છે. જામનગર શહેરમાં કોંગ્રેસ સારો દેખાવ કરી રહ્યો છે.

13 જુનાગઢ – કોંગ્રેસ

જુનાગઢ લોકસભા બેઠકના તમામ 7 ધારાસભ્યો કોંગ્રેસના ચૂંટાયા છે. અહીં કોંગ્રેસ સારો દેખાવ કરી રહી છે. અહીંના નેતાઓ આક્રમક છે. ભાજપને પડકારતાં અનેક આંદોલનો અહીંના નેતાઓએ કર્યા છે. પ્રજાની સાથે અહીંની કોંગ્રેસ છે. ગુજરાતનો એક માત્ર આ એવો વિસ્તાર છે કે જ્યાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો ચૂંટાયા છે. તમામ પરિબળો કોંગ્રેસની તરફેણમાં છે. કોંગ્રેસ જીતે તેવી શક્યતા અહીં છે.

14 અમરેલી – કોંગ્રેસ

અમરેલી લોકસભા વિસ્તારમાં 7 ધારાસભ્યોમાંથી 5 ધારાસભ્યો અમરેલી, સાવરકુંડલા, ધારી, લાઠી અને રાજુલાના છે. મહુવા અને ગારીયાધાર એમ 2 ધારાસભ્યો ભાજપના છે. અહીંનો પ્રજા મત કોંગ્રેસ તરફી અને ભાજપ વિરોધી જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતો ભાજપથી નારાજ છે તેમાં અહીં સૌથી વધું નારાજ છે. અહીં કોંગ્રેસ સારો દેખાવ કરે છે. કોંગ્રેસ માટે જીતની આ બેઠક છે.

15 ભાવનગર – ભાજપ

ભાવનગર લોકસભા બેઠકની 7 વિધાનસભા બેઠક માંથી 5 બેઠક પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, બોટાદ પર ભાજપના ધારાસભ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ અહીં મજબૂત છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની અહીં કોઈ શક્તિ કામ કરતી નથી. કોંગ્રેસની હાર નક્કી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિફ્ળતાં છતાં અહીંના મતદારો કોંગ્રેસની સ્થાનિક ગુંડાગીરી સામે ભાજપને ફરી એક વખત જીતાડશે. હાલનો માહોલ ભાજપ તરફેણમાં છે. કાલે ગમે તે થઈ શકે છે.

16 આણંદ – કોંગ્રેસ

આણંદ લોકસભા બેઠક પરની 7 વિધાનસભામાંથી 5 વિધાનસભામાં બોરસદ, આંકલાવ, આણંદ, પેટલાદ અને સોજીત્રા કોંગ્રેસ જીતી છે. જ્યારે ભાજપ ખંભાત અને ઉમરેઠ વિધાનસભા બેઠક માંડ માંડ જીતેલો છે. અહીં પ્રજા માનસ ભાજપ સામે જોવા મળે છે. 2014 જેવી સ્થિતી હાલ જોવા મળતી નથી. અહીં કોંગ્રેસની જીત થઈ શકે તેવો હાલ માહોલ છે.

17 ખેડા – ભાજપ

ખેડા લોકસભા બેઠકમાં 7 ધારાસભામાંથી 5 બેઠક દસક્રોઈ, ધોળકા, માતર, નડીયાદ, મહેમદાબાદ પર ભાજપ છે. જ્યારે  બેઠક 2 બેઠક મહુધા, કપડવંજ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. અહીં કોંગ્રેસ દ્વારા વ્યાપક પક્ષાંતર કરાવેલું છે. ભાજપના લડાયક નેતા બિમલ શાહને કોંગ્રેસમાં લેવામાં આવ્યા છે. પણ કોંગ્રેસ તરફી અહીં કોઈ માહોલ નથી. પ્રજા પીડાઈ રહી છે. પણ તેમની સામે ભાજપ સિવાય કોઈ વિકલ્પ હાલ દેખાતો નથી. સ્થાનિક સ્વરાજ્યની મોટાભાગની સંસ્થાઓ પર ભાજપની પકડ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગણાતાં આ વિસ્તારમાં કોંગ્રેસ નબળી પડી ગઈ છે.

18 પંચમહાલ – ભાજપ

પંચમહાલ લોકસભા વિસ્તારમાં 7 ધારાસભ્યોમાંથી 3 ઠાસરા, બાલાસિનોર, મોરવા હડફ પર કોંગ્રેસના ધારાસભ્યો છે. લુણાવાડામાં અપક્ષ ધારાસભ્ય છે. જ્યારે ભાજપના 3 ગોધરા, શહેરા અને કાલોલ બેઠક પર ધારાસભ્યો ચૂંટાયા છે. અહીં પ્રજામાં ભાજપ સરકાર સામે આજે વ્યાપક રોષ છે. બેરોજગારીની સીધી અસર અહીં ખેત મજૂરોમાં જોવા મળે છે. ભાજપ માટે નારાજગી હોવા છતાં અહીં ભાજપની જીતની તક ઉજળી છે. ભાજપમાં મોટા પ્રમાણમાં અહીં આંતરિક વિખવાદો હોવા છતાં ભાજપ માટે મશલ્સ પાવર અહીં જીતતો આવે છે.

19 દાહોદ – ભાજપ – કોંગ્રેસ

દાહોદ લોકસભામાં 7 ધારાસભ્યોમાંથી 4 સંતરામપુર, ફતેપુરા, લીમખેડા અને દેવગઢ બારિયા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે. ઝાલોદ, દાહોદ અને ગરબાડા એમ 3 વિધાનસભ્યો કોંગ્રેસના છે. ભાજપ 2014માં તો જીતી ગયો હતો. આ વખતે તેમને મુશ્કેલી પડે તેમ છે. અહીં ભાજપમાં આંતરિક ડખા મોટા પ્રમાણમાં છે. મોદીના રાજમા આદિવાસી મતદારો ખૂશ નથી. રૂપાણી પણ અહીં ખાસ કઈ સારો દેખાવ કરે આવા કામ કરી શક્યા નથી.

20 વડોદરા – ભાજપ

વડોદરા લોકસભા વિસ્તારમાં 7 ધારાસભામાંથી તમામ સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય છે. ગઈ ચૂંટણી નરેન્દ્ર મોદી અહીંથી લડ્યા હતા. તેમણે રાજીનામું આપ્યું હતું. પણ વડોદરા શહેર અને બીજા વિસ્તારો ભાજપ સાથે છે. અહીં કોંગ્રેસના નેતાઓ સારો દેખાવ કરી રહ્યાં છે. પણ જીત તો ભાજપની થાય એવા સંજોગો છે. અહીં મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્તાઓ પર ભાજપની પકડ છે.

21 છોટા ઉદેપુર – કોંગ્રેસ

આ લોકસભા વિસ્તારમાં 7 બેઠક માંથી 4 છોટા ઉદેપુર, પાવી જેતપુર, પાદરા અને નાંદોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો છે. હાલોલ, સંખેડા અને ડભોઇ એમ 3 ધારાસભ્યો ભાજપના છે. અહીં આ વખતે ભાજપ કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. ભાજપથી નારાજ વર્ષ અહીં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી અહીંના લોકો બહુ ખુશ નથી.

22 ભરૂચ – ભાજપ

ભરૂચ લોકસભા વિસ્તારમાં 7 ધારાસભ્યોમાંથી 4 કરજણ, ડેડીયાપાડા, જંબુસર, ઝઘડિયા (બીટીપી) ધારાસભા પર કોંગ્રેસ અને તેના સમર્થિત ધારાસભ્યો છે. ભાજપના 3 ધારાસભ્યો ભરૂચ, વાગરા અને અંકલેશ્વર બેઠક પર છે. આ વિસ્તાર કોંગ્રેસના ખુટલ નેતા અહેમદ પટેલનો વિસ્તાર હોવા છતાં કોંગ્રેસ વર્ષોથી જીતતી નથી. ધારાસભ્યો ભલે કોંગ્રેસ સાથે વધું હોય પણ લોકસભાની ચૂંટણી વખતે અહીં ભાજપને મત આપે છે. અહીં કોમી વિખવાદ ઊભા કરવામાં ભાજપ કાયમ સફળ રહેતો આવ્યો છે. અહીં અહેમદ પટેલના ટેકેદારો દાદાગીરી અને લુખ્ખાગીરી કરતાં રહ્યાં હોવાથી ભાજપનું હિન્દુ કાર્ડ કાયમ ચાલતું આવ્યું છે. અહીં ભાજપના નેતાઓએ વ્યાપક જમીન અને જંગલ કૌભાંડો કર્યા છે. પ્રજા ભાજપથી નારાજ છે. પણ એક માત્ર અહેમદ પટેલના કારણે મતદાન ભાજપ તરફે થાય છે.

23 બારડોલી – ભાજપ

બારડોલી લોકસભા બેઠકમાં માંગરોળ, કામરેજ, બારડોલી અને મહુવા એમ 4 ધારાસભા વિસ્તારમાં ભાજપના ધારાસભ્યો છે. માંડવી, વ્યારા અને નિઝર એમ 3 ધારાસભ્યો કોંગ્રેસના છે. અહીં કોંગ્રેસની જીત થાય તેવું હાલ જોવા મળતું નથી.

24 સુરત – ભાજપ

સુરત લોકસભા મત ક્ષેત્રમાં 7 ધારાસભ્યોમાંથી તમામ ધારાસભ્યો ભાજપના છે. અહીં કોંગ્રેસના એક પણ ધારાસભ્ય ચૂંટાયા નથી. નરેન્દ્ર મોદીની પારાવાર નિષ્ફળતા અને સંસદ સભ્યની નિષ્ફળતાં છતાં અહીં ભાજપને જ મત મળશે.

25 નવસારી – ભાજપ

નવસારી લોકસભા વિસ્તારમાં 7 ધારાસભ્યોમાંથી લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી અને ગણદેવી બેઠક પર તમામ ધારાસભ્યો ભાજપના છે. અહીં ભાજપમાં વ્યાપક અસંતોષ છે. સાસંદથી

26 વલસાડ – કોંગ્રેસ

વલસાડ લોકસભા મતવિસ્તારમાં ધરમપુર, વલસાડ, પારડી અને ઉમરગામ ધારાસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે. 3 બેઠક ડાંગ, વાંસદા અને કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો છે. ભાજપના ધારાસભ્યો અહીં સારો દેખાવ કરી શક્યા નથી. પ્રજા મોદી રાજથી નારાજ છે. કોંગ્રેસની અહીં હમણાં જ મોટી સભા થઈ હતી. આ વખતે ભાજપને હાલના સંજોગોમાં અહીં મુશ્કેલી છે. કાલે ગમે થઈ શકે છે.

(દિલીપ પટેલ – અમદાવાદ)