ગુજરાતની બેન્કોમાં નાના દરની નવી ચલણી નોટોના ધૂમ કાળાબજાર થયા

ગાંધીનગર, તા. 26

ગુજરાતની બેન્કોમાં નવી ચલણી નોટોના ઘૂમ કાળાબજાર થયાં છે. બેન્ક કર્મચારીઓ તેમના ગ્રાહકોને સાઇડ પર રાખીને ઉદ્યોગજૂથો અને વ્યાપારી પ્રતિનિધિઓના ઘરમાં જઇને નવી નોટો આપી આવ્યા છે. રાજ્યની ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કોએ તો વિચિત્ર ફતવો કર્યો હતો અને કહ્યું હતું કે તમારૂં આ બેન્કમાં ખાતું હોય તો રૂપિયા ઉપાડવાનો ચેક રજૂ કરો પછી તમને માત્ર 100 અને 200ની નવી નોટોના બંડલ આપવામાં આવશે.

આ વખતે પહેલીવાર એવું થયું છે કે બેન્કના વર્ષો જૂના ગ્રાહકોને બેન્ક કર્મચારીઓએ નવી નોટો આપી નથી. બઘી નોટો વ્યાપારીઓ પાસે જતી રહી છે. ભારતીય રીઝર્વ બેન્કમાં પણ લાંબી લાઇન પછી નોટો આપવામાં આવી છે. જો કે આ બેન્કે વિવિધ બેન્કોના ગ્રાહકોને નવી નોટો આપી છે.

અમદાવાદ અને ગાંધીનગરની બેન્કોમાં કોઇ ગ્રાહક નવી નોટોનું બંડલ લેવા જાય ત્યારે તેને જવાબ આપવામાં આવતો હતો કે 500ની નોટનું બંડલ છે. નાની નોટો નથી. ગ્રાહકની વિનંતીઓ જોવા મળી હતી કે અમને 10, 20 કે 50 રૂપિયાની નોટોનું બંડલ જોઇએ છે ત્યારે બેન્ક કર્મચારીઓ 100, 200 અને 500ના દરની નોટોના બંડલ પકડાવી દેતાં હતા. બેન્ક કર્મચારીઓએ તેમના સગાસ્નેહી અને મિત્રો માટે પણ નવી નોટોના બંડલ કાઢીને સોદા કર્યા છે.

મધ્યમવર્ગનો બેન્ક ગ્રાહક તેના સ્નેહીજનોને 10, 20 કે 50 રૂપિયા આપવા માગતો હોય તો તેને 100 રૂપિયાનું બંડલ પકડાવી દેવાનો કોઇ અર્થ નથી. આ બન્ને શહેરોની બેન્કોના કર્મચારીઓએ નાની નવી ચલણી નોટોનો ધંધો કર્યો છે. 10 રૂપિયાની નોટનું બંડલ જોઇએ તો તેમાં 1000 રૂપિયા થાય પરંતુ બેન્ક કર્મચારીઓએ વ્યાપારીઓ તેમજ કાળાબજારીયાઓને આ બંડલ 1250માં પધરાવી દીધાં છે. એવી જ રીતે રીઝર્વ બેન્કે 20 રૂપિયાની દરની નોટો બહાર પાડી છે પરંતુ તે ભાગ્યેજ કોઇ ગ્રાહકના હાથમાં ગઇ છે.

નોટનો દર             બ્લેકમાં વેચાણ

10                      1200

20                     2300

50                     5250

ગુજરાતની બેન્કોએ નવી નોટના એક બંડલમાં એવરેજ 250 રૂપિયા વધારે પડાવી લીધા છે. બેન્કના મુખ્યગેટ પરથી બેન્કના ગ્રાહકોને 100 અને 200ના દરની નોટો આપવામાં આવતી હતી જ્યારે પાછળના દરવાજેથી 10, 20 અને 50ની નવી નોટોના કાળાબજાર શરૂ કર્યા હતા. ધનતેરસના દિવસે તો બેન્કે તેના કોઇપણ ગ્રાહકને નવી નોટો આપી નથી. કોઇપણ બેન્કમાં નવી નોટોનું બંડલ લેવા જઇએ તો કેશિયર કહેતા હતા કે નવી નોટો ખલાસ છે. અમારી પાસે 100, 200 અને 500ના દરની નોટોનું બંડલ પડ્યું છે. બેન્કોએ પાછલા બારણે વહીવટ કરી લીધો છે.