ગાંધીનગર, તા. 07
ગુજરાતની હોટલો અને રેસ્ટોરન્ટમાં લોકો જોઈ શકે તે રીતે જમવાનું ભોજન બનાવવું પડશે. રાજ્યના ફૂડ કમિશનરે આદેશ જાહેર કરીને તેનું પાલન કરવા તમામ હોટલો અને રેસ્ટોરન્ટને લેખિતમાં આદેશ કર્યો છે.
આ સાથે કમિશનરે એવું પણ જણાવ્યું છે કે હોટલોમાં જે જગ્યાએ ગ્રાહકોને પરમિશન નહિ હોવાના જે બોર્ડ લગાવ્યા છે તે દૂર કરવાના રહેશે. કોઇપણ ગ્રાહક રસોઇઘરમાં જઇને મુલાકાત લઈ શકશે. એટલે કે નો એડમિશન વિધાઉટ પરમિશનના જે પાટિયાં છે તે ઉતારી લેવામાં આવશે.
રાજ્યમાં કેટલાક ઠેકાણે હોટલોમાં પીરસવામાં આવેલા ભોજનમાં જીવડાં કે વંદા નીકળતા હોવાથી આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સના કમિશનર સી. કે. કોશિયાએ કરેલા આદેશમાં જણાવ્યું છે કે હોટલોમાં ચેકિંગ કરીને ગ્રાહકોને હોટલના કિચનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે તેવા બોર્ડ ઉતારી લેવામાં આવશે.
કોશિયાએ તેમના આદેશમાં વધુ જણાવ્યું છે કે હોટલ અને રેસ્ટોરન્ટમાં જ્યાં કિચન આવેલું હોય ત્યાં પારદર્શક કાચ રાખી ગ્રાહકો જોઇ શકે તેવી રીતે રસોઈ બનાવવી પડશે. હોટલ કે રેસ્ટોરન્ટ સંચાલક કોઇ ગ્રાહકને રસોડામાં પ્રવેશતા અટકાવી શકશે નહીં. આદેશના ઉલ્લંઘન બદલ હોટલ કે રેસ્ટોરન્ટના સંચાલકો સામે કડક પગલાં લેવામાં આવશે.
શહેરની 5400 હોટલો-રેસ્ટોરન્ટના રસોડાં ગ્રાહકો માટે ખુલ્લા થશે
શહેરના સાત ઝોનમાં આવેલી પાંચ હજાર જેટલી મધ્યમ અને નાની એવી હોટલો અને રેસ્ટોરન્ટો તેમજ થ્રી-સ્ટારથી લઈને ફાઈવ સ્ટાર કક્ષાની એવી ૪૦૦ જેટલી હોટલો મળી કુલ ૫૪૦૦ જેટલી હોટલો અને રેસ્ટોરન્ટના રસોડા ગ્રાહકો જોઈ શકે એ પ્રમાણે ખુલ્લા કરવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી પરિપત્ર કરાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, શહેર કુલ મળીને ૪૭૭ ચોરસ કિલોમીટર વિસ્તારમાં વસેલું શહેર છે. શહેરના સાત ઝોનમાં અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)ના ચોપડે નોંધાયેલી નાની અને મધ્યમ કક્ષાની એવી કુલ પાંચ હજાર જેટલી હોટલો, રેસ્ટોરન્ટો ધમધમી રહી છે. ઉપરાંત થ્રી-સ્ટારથી લઈને ફાઈવ સ્ટાર(તાજ ઉમેદ, મેરીયેટ, હયાત) જેવી ૪૦૦ હોટલો ધમધમી રહી છે.
અમદાવાદમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાંથી છેલ્લા ઘણા સમયથી વંદા કે અન્ય જીવજંતુઓ નીકળવાના પણ બનાવો બન્યા હતા. આ પરિસ્થિતિને લઈ હોટલો અને રેસ્ટોરન્ટમાં જતા ગ્રાહકોમાં પોતે જે ચીજ લઈ રહ્યા છે એ કેટલી હદે ચોખ્ખી હશે અને એમાં શું હશે વગેરે જેવા અનેક સવાલો ઊભા થયા છે. આ તરફ ૬ નવેમ્બરે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફટી એકટ-૨૦૦૬ની જોગવાઈ અને નિયમો હેઠળ એક ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે.
અધિકારી શું કહે છે?
સરકારના આ પરિપત્ર મામલે અમપાના ફુડ અધિકારી રાકેશ ગામીતનો સંપર્ક કરાતા તેમણે કહ્યું, શહેરમાં ધાબા પ્રકારથી લઈને નાની અને મધ્યમ કક્ષાની એવી પાંચ હજાર જેટલી હોટલો આવેલી છે. થ્રી-સ્ટારથી લઈને ફાઈવ સ્ટાર કક્ષાની ૪૦૦ હોટલો આવેલી છે. આ તમામ ૫૪૦૦ હોટલોમાં આ પરિપત્રનો અમલ કરાવવાની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરાશે. જો તેઓ સ્વૈચ્છિક પાલન નહિ કરે તો નિયમો મુજબ તેમની સામે દંડનીય કાર્યવાહી પણ કરાશે.
ઓનેસ્ટ, દાસ ખમણ અને પિત્ઝા હટમાંથી વંદા મળ્યા હતા
શહેરમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાંથી વંદા સહિતની જીવાતો નીકળવાનો સિલસિલો છેલ્લા ઘણાં સમયથી ચાલ્યો આવ્યો છે. જેમાં ઓનેસ્ટ ભાજીપાંઉ, દાસ ખમણ અને પિત્ઝા હટ જેવી હોટલોનો પણ સમાવેશ થાય છે.
૧. અમપાના મેડીકલ ઓફીસર ભાવિન સોલંકીએ બોલાવેલી અધિકારીઓની મિટીંગમાં દાસ ખમણમાંથી ખમણ મંગાવવામાં આવ્યા હતા. ખુદ અધિકારીઓને પીરસવામાં આવેલી ડીશમાંથી વંદા મળતા દાસ ખમણ, દાણાપીઠના યુનિટને સીલ કરી પેસ્ટ કંટ્રોલ કરાવવા ઉપરાંત વીસ હજાર રૂપિયાની પેનલ્ટી કરાઈ હતી.
૨. મણિનગર રામબાગ વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ ભાજીપાંઉ રેસ્ટોરન્ટમાંથી ભાજીપાંઉમાંથી વંદો નીકળતા રૂપિયા ૪૦ હજારની પેનલ્ટી કરાઈ હતી.
૩. પિત્ઝા હટમાંથી લેવામાં આવેલા પિત્ઝામાંથી જીવાત નીકળી હોવાની ગ્રાહકની ફરીયાદ અને વીડિયો વાયરલ થયા બાદ એના યુનિટને સીલ કરી રૂપિયા ૪૦ હજારની પેનલ્ટી કરાઈ હતી.
૪. દરિયાપુરની એક ઘંટીના ફરાળી લોટમાંથી વંદાઓની વચ્ચે લોટ દળાતો જાઈ ચોંકેલા અધિકારીઓએ છ મહિના સુધી આખી ફ્લોર ફેક્ટરી બંધ કરી દેવાની ફરજ પડી હતી.