ગાંધીનગર,તા.23 ગુજરાત સરકારના જીએસટી વિભાગ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને રાજ્યના વેપારીઓને સમન્સ મોકલવામાં આવી રહ્યાં છે ત્યારે વેપારીઓની નારાજગી વધી રહી છે. સ્ટેટ જીએસટી વિભાગે રજીસ્ટર્ડ કરદાતાઓને કાયદાનું પાલન થતું નહીં હોવાથી સમન્સ મોકલ્યા છે જ્યારે વેપારીઓ એવું કહે છે કે તેમને કાયદાથી ઉપરવટ જઇને સમન્સ મોલવામાં આવ્યા છે.
ગુજરાતમાં અનેક કરદાતાની ઈનપુટ ટેક્સ ક્રેડિટ પણ કોઈ કારણ વગર બ્લોક કરી દેવામાં આવી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જીએસટી કાયદા મુજબ કરદાતા પાસેથી માહિતી મેળવવાની હોય અને તેઓ યોગ્ય પ્રતિસાદ ના આપે ત્યારે જ સમન્સ મોકલવામાં આવે છે પરંતુ હાલમાં એસજીએસટી દ્વારા કોઈ ગંભીર કારણ વગર સમન્સ આપવામાં આવે છે.
આ ઉપરાંત કોઈ ચોક્કસ માહિતીનો પણ ઉલ્લેખ કરવામાં આવતો નથી. કરદાતા સહયોગ ના આપતા હોય કે પછી રિટર્ન ફાઇલિંગમાં અનિયમિત હોય અને સમન્સ મળે તો અલગ વાત છે પરંતુ હાલમાં ડિપાર્ટમેન્ટ કોઈ મોટા કારણ વગર જ સમન્સ આપે છે. જીએસટી કાયદામાં સમન્સ માટેની જે માર્ગદર્શિકા છે તેનો અમલ કરવામાં આવતો નથી.
વિભાગે પહેલાં નોટિસ મોકલવાની હોય છે અને કરદાતા તેનો પ્રત્યુત્તર ના આપે તો જ સમન્સની કાર્યવાહી કરવી જોઈએ પરંતુ કોઈ ગંભીર કારણ વગર સમન્સ મળવાથી કરદાતાઓને ટેન્શનનો સામનો કરવો પડે છે. અગાઉ છ મહિના સુધી રિટર્ન ફાઇલ નહીં કરનારા વેપારીઓને સમન્સ મોકલવામાં આવતા હતા પરંતુ હવે ત્રણ મહિના સુધી રિટર્ન ફાઇલ નહીં કરનારા વેપારીઓને પણ સમન્સ મળી રહ્યા છે.
વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે અમે અનેક વેપારીઓને સમન્સ મોકલ્યા છે અને હાલમાં પણ એ પ્રક્રિયા ચાલી રહી છે. જોકે,નિર્દોષ વેપારીઓને સમન્સ મોકલીને પરેશાન કરવામાં આવતા નથી. કાયદાનું પાલન નહીં કરનારા વેપારીઓને જ સમન્સ મોકલવામાં આવ્યા છે અને તેની સત્તા વિભાગ ધરાવે છે.
વિભાગ દ્વારા અનેક વેપારીઓની ઈનપુટ ટેક્સ ક્રેડિટ પણ બ્લોક કરી દેવાની ઘટનાઓ બની રહી છે. કરવેરા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે,ક્રેડિટ બ્લોક કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી પરંતુ તેમ છતાં અનેક કરદાતાની ક્રેડિટ બ્લોક કરી દેવામાં આવી છે. કરદાતાની ક્રેડિટ બ્લોક થવાથી તેમના પર ટેક્સ જવાબદારી પૂરી કરવામાં દબાણ વધે છે અને જો ડેડલાઇન સુધીમાં ટેક્સ ના ભરાય તો વ્યાજની જવાબદારી આવે છે.