ગુજરાતમાં સરકારી આરોગ્ય સેવામાં ડોક્ટરની તંગીના કારણે ગ્રામ્ય આરોગ્ય પર વિપરિત અસર થઇ છે, પરિણામે ગરીબ પરિવારોને સારવાર મળી શકતી નથી. સરકારની કમનસીબી છે કે ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે ડોક્ટરો તૈયાર થતા નથી તેથી આરોગ્ય સારવાર કેન્દ્રોમાં ડોક્ટરોની તંગી વર્તાઇ રહી છે. સરકારના જ રિપોર્ટ પ્રમાણે ડોક્ટરની સંખ્યાના મુદ્દે ગુજરાતનો નંબર સાતમો આવે છે.
ગુજરાતમાં રાજ્ય મેડીકલ કાઉન્સિલના આંકડા પ્રમાણે રજીસ્ટર્ડ થયેલા ડોક્ટરોની સંખ્યા 66944 છે, જે દેશના કુલ ડોક્ટરોની સરખામણીએ માત્ર 5.77 ટકા છે. ગુજરાતમાં હાલમાં જરૂરિયાત પ્રમાણે 1000ની વસતીએ એક ડોક્ટર હોવો જોઇએ પરંતુ તે પ્રમાણ જળવાયું નથી. મોટાભાગના ડોક્ટરો શહેરોમાં સેવા આપે છે તેથી ગ્રામીણ ગુજરાતમાં ડોક્ટરોની ભયાનક તંગી હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને સારવાર માટે ફરજીયાત શહેરોમાં આવવું પડે છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ડોક્ટરો ઉપરાંત અન્ય મેડીકલ સ્ટાફની પણ મોટી અછત છે. રાજ્યના આરોગ્ય કેન્દ્રોમાં 2287 જેટલી નર્સની જગ્યા ખાલી છે. 1398 પુરૂષ હેલ્થવર્કર અને 623 સહાયક મહિલા હેલ્થ વર્કરની જગ્યા ખાલી પડી છે. મહત્વની સુપર સ્પેશ્યાલિસ્ટ નિષ્ણાંતોની સેવાઓ માટે 1452 પૈકી 1059 સ્પેશ્યાલિસ્ટની જગ્યા ખાલી છે.