ગુજરાતમાં મતદારો ઉદાસિન: ઇવીપીમાં માત્ર 59 લાખ મતદારોનું વેરીફિકેશન

ગાંધીનગર,તા.14

ભારતીય ચૂંટણી પંચના નવા મતદાતા વેરીફિકેશન કાર્યક્રમ (ઇવીપી)માં વેરીફિકેશન કરવાની માત્રા ગુજરાતમાં ખૂબ ઓછી હોવાથી કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતથી નારાજ છે. મહત્વની બાબત એવી છે કે અત્યાર સુધીમાં જે વેરીફિકેશન થયું છે તેમાં આદિવાસી વિસ્તાર અગ્રેસર છે, જ્યારે અમદાવાદ જેવા મોટા શહેર અને જિલ્લામાં ચૂંટણી પંચને નિરાશા પ્રાપ્ત થઇ છે.

ઈવીપીથી ખોટી વિગતો સુધારી શકાય

ઇવીપીનો મતલબ એવો છે કે તમારૂં મતદાર ઓળખકાર્ડ અને મતદાર યાદીમાં આપવામાં આવેલી વિગતો સાચી છે. જો ખોટી હોય તો ઓનલાઇન સુધારી શકાય છે. રાજ્યના તાપી અને ડાંગ જેવા આદિવાસી વિસ્તારમાં સૌથી વધુ મતદારોએ વેરીફિકેશન કર્યું છે.

સાડા ચાર કરોડ પૈકી માત્ર 59 લાખનું વેરિફિકેશન

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડો એસ મુરલી ક્રિશ્નાએ કહ્યું હતું કે મતદારો માટે ઇવીપી પર તેમના નામનું વેરીફિકેશન કરવાની છેલ્લી તારીખ 15મી ઓક્ટોબર છે તેમ છતાં અત્યાર સુધીમાં માત્ર 59 લાખ મતદારોએ વેરીફિકેશન કર્યું છે. રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ 4.51 કરોડ મતદારો છે. કુલ મતદારોના માત્ર 13 ટકા વેરીફિકેશન થયું છે.

વેરિફિકેશન માટે છ જેટલા પ્લેટફોર્મ

મતદાર વેરીફિકેશન માટે ચૂંટણી પંચે છ જેટલા મંચ આપ્યાં છે જ્યાં વિનામૂલ્યે વેરીફિકેશન થઇ શકે છે. મતદારો રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ અને મતદાતા હેલ્પલાઇન મોબાઇલ એપ્લિકેશન પર પણ વેરીફિકેશન કરી શકે છે. એ ઉપરાંત કોમન સર્વિસ સેન્ટર, સીએસસી, ઇગ્રામ,મતદાતા સુવિધા કેન્દ્ર, બીએલઓ ડોટ નેટ તેમજ વીએફસી સેન્ટર પર પણ કરી શકે છે.

ઈવીપીમાં આદિવાસી જીલ્લા કરતા અમદાવાદ પાછળ

કેન્દ્રીય ચૂંટણી પંચે સપ્ટેમ્બર 2019માં ઇવીપી લોન્ચ કર્યું છે. ગુજરાતમાં મતદારોની યાદીમાં વેરીફિકેશન કરવા માટેનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર જેવાં કે તાપીમાં 32 ટકા, ડાંગમાં 23 ટકા, બનાસકાંઠામાં 18 ટકા, છોટાઉદેપુરમાં 16.5 ટકા, મહિસાગરમાં 16.47 ટકા અને નર્મદામાં 15 ટકા મતદારોએ વેરીફિકેશન કર્યું છે. આદિવાસી વિસ્તારોની તુલનામાં ઇવીપીમાં સૌથી ઓછી ભાગીદારી અમદાવાદની છે જ્યાં 55 લાખ મતદારો પૈકી માત્ર 4.96 ટકા મતદારોએ વેરીફિકેશન કરાવ્યું છે. જ્યારે મહેસાણામાં 5.5 ટકા, જામનગરમાં 5.57 ટકા, જૂનાગઢમાં 5.96 ટકા, ખેડામાં 6.38 ટકા અને આણંદમાં 7.92 ટકા મતદારોએ વેરીફિકેશન કર્યું છે જે રાજ્યના 33 જિલ્લામાં સૌથી ઓછું છે.

ચૂંટણી કમિશ્નરની નારાજગી

ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રએ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં ઇવીપી કાર્યક્રમની સમીક્ષા કરી નારાજગી વ્યક્ત કરી છે. ગાંધીનગરમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ભાગ લેનારા અધિકારીઓની સંખ્યા શહેરી વિસ્તારમાંથી હતી. મુરલી કિશ્નાએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારમાં વેરીફિકેશન ફેયર પ્રાઇઝ શોપ્સ દ્વારા થાય છે તેથી મતદારોને બે રૂપિયા મળે છે. એવી જ રીતે ઇ-ગ્રામમાં પણ મતદારોને રૂપિયા મળે છે તેથી ગ્રામીણ વિસ્તારમાં વેરીફિકેશનનું પ્રમાણ વધારે છે.

ઓનલાઈન વેરિફિકેશન  ફ્રિ હોવા છતા શહેરીવર્ગ ઉદાસીન

મતદારો ઓનલાઇન વેરીફિકેશન કરે તો તેના માટે કોઇ ચાર્જ નથી તેમ છતાં શહેરી વિસ્તારના મતદારો ઉદાસિન છે. મતદારો તેમના મોબાઇલ ફોન મારફતે પણ વેરીફિકેશન આસાનીથી કરી શકે છે. જો મતદારો જાતે કરી શકતા નથી તો તેઓ વીએફસીમાં જઇ શકે છે. અથવા તો સીએસસી અથવા ઇગ્રામ જેવા અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે.