અમદાવાદ,તા.19
પખવાડીક રોજગાર ભરતી મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવી, રૂ. ૧૯૬ કરોડની ર૬ આઇ.ટી.આઇ.ના લોકાર્પણ તેમજ નવનિયુકત આચાર્યોને શુભેચ્છા પત્ર અને મેઘાવી છાત્રોના સન્માન, શ્રેષ્ઠ તાલીમદાતા ઊદ્યોગગૃહોના સન્માન વગેરે બહુવિધ વિકાસ અવસરના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આવનારા સમયમાં ‘સ્કિલ ઇન્ડીયા’ વિકાસનો આધાર બનશે. યુવાશકિતના કૌશલ્યવર્ધનથી સાકાર કરવા પ્રતિબદ્ધ છે. ત્યારે બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બનેલા ગુજરાતમાં ર૦રર સુધીમાં પ૭ લાખ સ્કીલ્ડ યુવા માનવબળની જરૂરિયાત ઊભી થશે. ૧૭ લાખ યુવાનોને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ દ્વારા અત્યાર સુધીમાં તાલીમબદ્ધ પણ કર્યા છે.
નવા રોજગારના સર્જનમાં ગુજરાત નંબર વન
યુવાધનને રોજગાર પુરો પાડવાના એક ઉદેશ્ય સાથે ૨૮૭ સરકારી ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો અને કૌશલ્યવર્ધન કેન્દ્રો શરૂ કર્યા છે. ૬પ ટકાથી વધુ યુવાશકિત ધરાવતો ભારત દેશ વિશ્વગુરૂ – જગતજનની બને તે માટે ગુજરાત લીડ લેવા સજ્જ બન્યું છે તેની ભૂમિકા તેમણે આપી હતી. રૂપાણીએ ગરીબી, બેકારી, ભ્રષ્ટાચારથી બહાર નીકળવાનો માર્ગ રોજગાર સર્જન છે તેવો મત વ્યકત કરતાં કહ્યું કે, નવા રોજગારનું સર્જન કરવામાં છેલ્લા એક દાયકાથી ગુજરાત નંબર વન છે.
એપ્રેન્ટિસ યોજના હેઠળ 77000 યુવાનોને તાલીમ
સમગ્ર દેશમાં રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર છે. તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલ ચંદીગઢ લેબર બ્યુરોના અહેવાલ મુજબ સમગ્ર દેશમાં ૧૦૦૦ યુવાનો એ ૫૦ યુવાનો બેરોજગાર છે, જ્યારે ગુજરાતમાં આ સંખ્યા માત્ર નવ છે એટલે કે ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી નીચો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં યુવાનોને તાલીમ આપીને રોજગારી આપવા મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં ૭૭ હજાર યુવાનોને તાલીમ અપાઇ છે. જ્યારે વધુ ૬૬ હજાર યુવાનોને હાલ તાલીમ અપાઇ રહી છે.
શ્રમિકો માટે SACHET અને SIMPLE એપ્સનું લોન્ચ કરાઈ
કારખાનામાં કામ કરતા શ્રમયોગીના સ્વાસ્થ્યની સંભાળ માટે SACHET એપ લોન્ચીંગ કરવામાં આવી છે. જેમાં રાજ્યભરમાં ૨૭ મોબાઇલ વાન દ્વારા વિવિધ શહેરોમાં કારખાનામાં કામ કરતા શ્રમિકોના રોગો ઉગતા જ ડામવાનું ભગીરથ કાર્ય કરવામાં આવશે. જે માટે રૂ. ૧૫ કરોડની જોગવાઇ કરાઇ છે. આ ઉપરાંત ઓછા સ્ટાફ દ્વારા કારખાનાઓનું વધુ પારદર્શીતાથી નિરીક્ષણ કાર્ય થઇ શકે તે હેતુથી SIMPLE એપ લોન્ચ કરવામાં આવી છે. સેફ્ટી એન્ડ કોમ્પ્રીહેન્સીવ હેલ્થ એન્વાયર્મેન્ટ ટેસ્ટ વડે ઔદ્યોગિક એકમોમાં કામ કરવાની સ્થિતિ અંગેનું મોનિટરીંગ થઈ શકશે.
392 ભરતી મેળાથી 63000 યુવાઓને રોજગારી
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, યુવાઓને એપ્રેન્ટીસશીપ પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. ૭૭ હજારથી વધુ યુવાઓને એપ્રેન્ટીસ તાલીમ આપવામાં આવી છે તે ઉપરાંત એક વર્ષમાં વિવિધ સ્થળોએ ૩૯૨ ભરતી મેળા કાર્યક્રમો યોજીને રાજ્યના ૬૩ હજાર યુવાઓને રોજગારી આપવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી દ્વારા પ્રશસ્તિપત્રો એનાયત
મુખ્યમંત્રીએ હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઈન્ડીયાને ૨૦ આઈ.ટી.આઈ.માં અદ્યતન લેબ બનાવવા બદલ ક્વેસ્ટ એલાયન્સને આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને એમ્પ્લોયેબીલીટી સ્કીલની તાલીમ આપવા બદલ તથા પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લી.ને કૌશલ્ય વધારવા માટે નૉલેજ પાર્ટનર તરીકે હાથ ધરેલા સુંદર પ્રયાસો બદલ પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યા.
મંદીતો માત્ર હવા છે એવું નિવેદન બેજવાબદાર છે, મંદી સર્વવ્યાપી છે
‘મંદી તો માત્ર હવા છે’ તેવા રાજ્યના મુખ્યપ્રધાનના બેજવાબદાર નિવેદન અંગે આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન જે તે જિલ્લા – શહેર કે ગામમાં જમીન ઉપર મુલાકાત લે તો આર્થિક મંદીનું સાચુ ચિત્ર જોવા મળી શકે તેમ છે.
પાંચ-દસ ઉદ્યોગપતિઓ સાથે રૂબરૂ મુલાકાત કે વાતચીત કરવાથી મંદી નથી તેવો અભિપ્રાય આપી શકાય. ગુજરાતમાં માથાદિઠ આવક ૨૩,૦૦૦ રૂપિયા છે અને દરેક ગુજરાતી ઉપર ૪૦,૦૦૦ ઉપરનુ દેવુ છે સમગ્ર દેશમાં ૪૫ વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારીનો દર એન.ડી.એ. સરકારમાં છે, જી.ડી.પી. ૫ ટકા સુધી નીચે ગયો છે અને વાસ્તવિક જી.ડી.પી. તેના કરતાં પણ નીચો છે.
ચાવડાએ જણાવ્યું કે દેશમાં ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, સાયકલ, બિસ્કીટ સહિતના અનેક ઉદ્યોગો આર્થિક મંદિમાં સપડાયા છે. દેશમાં નિકાસમાં ૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. શેરબજારમાં છેલ્લા દોઢ વર્ષમાં રોકાણકારોના ૨૦ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. એફ.ડી.આઈ.માં ઘટાડો થઈ રહ્યો છે. ઉંચા ટેક્ષના દરો છતાં સરકારની ટેક્ષની આવક મંદિના લીધે ઓછી થઈ છે. આર.બી.આઈ. ના ગવર્નર, નિષ્ણાંત અર્થશાસ્ત્રીઓ મંદી અને આર્થિક અરાજકતા અંગે સરકારનું ધ્યાન દોરી રહ્યાં છે તેમ છતાં સરકાર વાસ્તવિકતાથી દુર ભાગી રહી છે. ગુજરાતના ઓળખ સમા ડાઈઝ, સીરામીક, ઓઈલ એન્જીન, બ્રાસપાટ, પાવર લુમ્સ, ડાયનામીક કેમીકલ સહિતના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો મંદીના ખપરમાં સપડાયા છે. મોટા પાયે કામ કરતા કર્મચારીઓ ઉપર ગમે ત્યારે છટણીની તલવાર લટકી રહી છે. રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે. બચતમાં ઘટાડો થઈ રહ્યો છે. છતાં મુખ્યપ્રધાનશ્રી ‘મંદી તો માત્ર હવા છે’ તેવા બેજવાબદાર નિવેદન કરે તે કેટલે અંશે વ્યાજબી ?