ગુજરાતમાં વિન્ડ પાવરમાં મુશ્કેલી, મોટી કંપની આઇનોક્સ તાળા મારી દેશે

ગુજરાતમાં ભાજપની સરકારે વિન્ડ પાવર પોલિસી બનાવી હોવા છતાં વિન્ડ ઉર્જાનું ઉત્પાદન કરતી કંપનીઓની મુશ્કેલી વધી છે. દેશની સૌથી મોટી વિન્ડ ટર્બાઇન ઉત્પાદક કંપની આઇનોક્સે ગુજરાતના રોહિકાના પ્લાન્ટમાંથી ખસી જવાનું નક્કી કર્યું છે. આ કંપની 22મી ઓક્ટબરથી બંધ કરી દેવામાં આવશે.

કંપનીએ લોક-આઉટ માટે વિન્ડ ઉદ્યોગમાં પ્રવર્તમાન સ્થિતિ અને કામદારો બંનેને જવાબદાર ગણાવ્યા છે. આ કંપની બે મેગાવોટના મશીન્સનું ઉત્પાદન કરે છે અને તેના અમદાવાદ, ઇન્દોર અને હિમાચલપ્રદેશના પ્લાન્ટ પૂર્ણ કક્ષાએ કામ કરી રહ્યા છે. રોહિન્કા પ્લાન્ટ પ્રતિ વર્ષ 900 રોટર બ્લેડ અને 1,500 સ્ટીલ ટાવરનું ઉત્પાદન કરે છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 1,200 કર્મચારીઓને રોજગારી આપે છે.

ગુજરાતના લેબર કમિશનરને લખેલા પત્રમાં આઇનોક્સે જણાવ્યું હતું કે કામદારોએ ખોટી રીતે હડતાળનો આશરો લીધો છે અને કામ અટકાવી દીધું છે. મેનેજમેન્ટ પર દબાણ લાવવા ફેક્ટરીમાં તેઓ ધીમી ગતિએ કામ કરે છે. આ નરમાઈના લીધે તેની ઉત્પાદકતા પર અસર પડવા ઉપરાંત તેના ઉત્પાદન એકમના ટકી રહેવાની ક્ષમતા અંગે પણ ભય ઊભો થયો છે.

કંપનીમાં કામદારોએ ત્યારથી ‘ગો સ્લો’ની વ્યૂહરચના અપનાવી છે. આ વ્યૂહરચનાના કારણે કંપનીને નાણાકીય ખોટ જઈ રહી છે. રોહિકાના યુનિટ હેડે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, અમે તેઓને કામગીરી ન અટકાવવા અને કામ ધીમું ન કરવા સતત સલાહ આપી છે, પરંતુ તેઓ કંપનીની વર્તમાન સ્થિતિ સમજતા નથી અને જાણી જોઈને ધીમી ગતિએ કામ કરે છે.

વિન્ડ ઉદ્યોગ વિવિધ પરિબળોના લીધે જે વિપરીત સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તેનું આઇનોક્સ વિન્ડ ઉદાહરણ છે. તેમાં આક્રમક દર, દર વધે તો વિતરણ કંપનીઓ દ્વારા તેની મરજીથી રદ કરાતી હરાજીઓ, કેટલીક રાજ્ય સરકારો દ્વારા વિન્ડ પ્રોજેક્ટ પૂરો કરવા માટે જમીન પૂરી પાડવામાં ખચકાટ અને ટ્રાન્સમિશનના મુદ્દા જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. ઉદ્યોગના નિરીક્ષકોએ જણાવ્યું હતું કે વિન્ડ ટર્બાઇન ઉત્પાદકો 2017થી સંઘર્ષ કરી રહ્યા છે.