ગુજરાતમાં સિંહોના મૃત્‍યુમાં વધારો

રાજ્‍યમાં સિંહની વસ્‍તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. તે અન્‍વયે રાજ્‍યમાં સિંહોની છેલ્લી વસ્‍તી ગણતરી મે-૨૦૧૫માં કરવામાં આવેલ, જેમાં ૧૦૯ સિંહ, ૨૦૧ સિંહણ, ૧૪૦ સિંહબાળ અને ૭૩ પાઠડા સહિત કુલ ૫૨૩ સિંહની વસ્‍તી હતી. તે પૈકી તા. ૧-૬-૨૦૧૭થી તા. ૩૧-૫-૨૦૧૯ સુધીમાં છેલ્લા બે વર્ષમાં અનુક્રમે ૫૨ સિંહ, ૭૪ સિંહણ, ૯૦ સિંહબાળ અને ૬ વ.ઓ. એમ કુલ ૨૨૨ સિંહોના મૃત્‍યુ થયા છે. આ મૃત્‍યુ પૈકી ૪૩ સિંહ, ૬૫ સિંહણ, ૮૫ સિંહબાળ અને ૬ પાઠડાના કુદરતી અને ૯ સિંહ, ૯ સિંહણ અને ૫ સિંહબાળના અકુદરતી મૃત્‍યુ નોંધાયા છે. રાજ્‍યમાં છેલ્લા બે વર્ષમાં ૪૦% સિંહોનું કુદરતી-અકુદરતી રીતે મૃત્‍યુ નોંધાયા છે તેવો ખુલાસો આજે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્‍યશ્રી શૈલેષ પરમારના તારાંકિત પ્રશ્નના જવાબમાં થયો હતો.

શ્રી શૈલેષ પરમારે જણાવ્‍યું હતું કે, સિંહ એ ગુજરાતની ઓળખ છે. સમગ્ર ભારત દેશ અને એશિયા ખંડમાં સિંહ ફક્‍ત ગુજરાત રાજ્‍યમાં જ છે ત્‍યારે ગુજરાતની શાન સમા સિંહોની સુરક્ષાની જવાબદારી રાજ્‍ય સરકારની છે. છેલ્લી વસ્‍તી ગણતરી મુજબ રાજ્‍યમાં સિંહોની કુલ ૫૨૩ની સંખ્‍યા સામે ૨૨૨ સિંહોના મૃત્‍યુ નોંધાયા છે, જે રાજ્‍ય સરકારની સિંહોના સંરક્ષણ અંગે નિષ્‍ફળતા છતી કરે છે. સિંહદર્શન માટે દેશ-વિદેશથી આવતા ટુરીસ્‍ટો માટે ગેરકાયદેસર ‘લાયન શો' યોજીને સિંહોની પજવણી કરવામાં આવે છે. રાત્રિના સમયે સિંહો પાછળ ગાડી દોડાવીને, સિંહોને કુકડા-બકરા બતાવીને વગેરે રીતે સિંહોની પજવણી થાય છે, જેના અનેક વીડીયો સોશ્‍યલ મીડીયામાં વાયરલ પણ થયેલા છે.

શ્રી પરમારે જણાવ્‍યું હતું કે, આજે સિંહ પોતાના કુદરતી નિવાસસ્‍થાન એવા ગીર જંગલમાંથી બહાર આવી છેક દરિયાકાંઠા તથા તેની આજુબાજુના ગામોમાં આવી ગયા છે. જો સિંહ કુદરતી નિવાસસ્‍થાન છોડી માનવવસ્‍તીના સંપર્કમાં આવશે તો તેમનામાં વાયરસ ફેલાવાનો પણ ભય રહેલો છે. અગાઉ સિંહોમાં વાયરસ ન ફેલાય તે માટે જંગલમાં રહેતા માલધારીઓને ઢોરઢાંખર સહિત વિસ્‍થાપિત કરી અન્‍ય જગ્‍યાએ વસાવવામાં આવ્‍યા હતા. હવે જ્‍યારે સિંહ પોતાનું કુદરતી નિવાસસ્‍થાન જંગલને છોડી માનવવસ્‍તી તરફ આવી રહ્‌યા છે ત્‍યારે સિંહોમાં પુનઃ વાયરસ ન ફેલાય તે જોવાની જવાબદારી સરકારની છે. તાજેતરમાં સિંહોના થયેલ મૃત્‍યુ પણ કંઈક આવી જ રીતે થયા છે, જેની પણ તપાસ કરવી અત્‍યંત જરૂરી છે.

રાજ્‍ય સરકારે ગેરકાયદેસર ‘લાયન શો' બંધ કરાવી, જવાબદારો સામે કડકમાં કડક પગલાં લઈ રાજ્‍યના ગૌરવ સમા સિંહોની પજવણી બંધ કરાવવી જોઈએ. સિંહો તેમના કુદરતી નિવાસસ્‍થાન એવા જંગલમાં જ રહે તે માટે અને સિંહોના સંરક્ષણ-સંવર્ધન માટે ચોક્કસ પગલાં લેવાની માંગણી શ્રી શૈલેષ પરમારે કરી હતી.