ગાંધીનગર,તા:૨૭ ગુજરાતમાં આ વર્ષે સરપ્લસ વરસાદના કારણે ખરીફ વાવેતરમાં વિક્રમસર્જક વાવેતર થયું છે, પરંતુ સારા વાવેતરના પગલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવાની સંભાવના ઓછી છે. રાજ્યમાં આ વર્ષે ખરીફ સિઝનનું વાવેતર 85 લાખ હેક્ટર જમીનમાં થયું છે, જે આ મહિનાના અંત સુધીમાં 86 લાખ હેક્ટર વિસ્તારમાં થવાની શક્યતા છે.
રાજ્યના કૃષિવિભાગના અધિકારીએ કહ્યું હતું કે, વાવેતરની સ્થિતિને જોતાં આ વર્ષે પ્રમુખ વાવેતરમાં કપાસ અને મગફળીનું બમ્પર ઉત્પાદન થવાની આશા છે. રાજ્યમાં આ વર્ષે સરેરાશ 130 ટકા વરસાદ થયો છે, જે ગયા વર્ષના વરસાદ કરતાં 50 ટકા વધુ છે. રાજ્યનાં જળાશયોમાં પણ એક વર્ષ સુધી ચાલે તેટલું પાણી ભરાયું છે. રાજ્યનાં 100 જળાશયો તો પાણીથી છલોછલ થયાં છે.
રાજ્યમાં સરેરાશ વરસાદ 1029 મિલીમીટર થયો છે, જે 30 વર્ષના સરેરાશ 816 મિલીમીટરના આંકડાને વટાવી જાય છે. રાજ્યમાં 26.66 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે. 15.52 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર છે. ઘાસચારાનું વાવેતર 12.76 લાખ હેક્ટરમાં થયું છે. ધાન્ય પાકોનું વાવેતર 8.48 લાખ હેક્ટર અને શાકભાજીનું વાવેતર 2.27 લાખ હેક્ટરમાં થયું છે. માત્ર કઠોળનું વાવેતર છેલ્લાં ત્રણ વર્ષના સરેરાશ 5.79 લાખ હેક્ટરની સામે માત્ર 4.05 લાખ હેક્ટરમાં થયું છે. જેના માટે જૂન મહિનામાં મોડું શરૂ થયેલું ચોમાસું જવાબદાર છે.
કઠોળના ભાવમાં ગયા વર્ષે નકારાત્મક સ્થિતિ હોવાથી ગુજરાતમાં ખેડૂતોએ ઓછું વાવેતર કર્યું છે. કેસ્ટરનું વાવેતર આગલા વર્ષોની 5.64 લાખ હેક્ટરની તુલનાએ 7.02 લાખ હેક્ટરમાં થયું છે. રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુએ કહ્યું હતું કે, આ વર્ષે વરસાદની સિઝનથી ખેડૂતો ખુશ છે, પરંતુ પાછલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા પણ છે. આ વર્ષે કૃષિ ઉત્પાદનમાં ચિંતાજનક પરિસ્થિતિ નથી.
તેમણે કહ્યું કે, ભારે વરસાદના કારણે થોડો નકારાત્મક પ્રભાવ પડ્યો છે, પરંતુ સામાન્ય રીતે રાજ્યમાં સારા વરસાદથી ખરીફ વાવેતર 100 ટકાથી વધુ થયું છે. રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં અનિયમિત અને ઓછા વરસાદથી મુશ્કેલી ઊભી થઈ હતી અને વાવેતર ઓછું થતાં ઉત્પાદનને અસર થઈ હતી, પરિણામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા ન હતા.
ગુજરાતમાં વરસાદથી રાજ્યનાં નાના-મોટા ચેકડેમ અને જળાશયો ભરાઈ ગયા છે. 100 જેટલાં જળાશય 100 ટકા ભરાઈ ચૂક્યાં છે. આ વખતે ખરીફની સાથે સાથે રવી સિઝનમાં પણ પાણીની કોઈ મુશ્કેલી થાય તેમ નથી. એટલું જ નહીં ઉનાળામાં ખેડૂતોને સિંચાઈનું અને લોકોને પીવાનું પાણી આસાનીથી મળી રહેશે.
ગુજરાતમાં ખરીફ સિઝનમાં વાવણી
પાક ——— હેક્ટર ——— ટકા
કપાસ ——— 26,66,764 ——— 103.12
મગફળી ——— 15,52,184 ——— 98.86
જુવાર ——— 8,48,290 ——— 106.31
ઘાસચારો ——— 12,75,502 ——— 115.9
શાકભાજી ——— 2,27,827 ——— 99.44
કુલ ——— 85,87,826 ——— 101.31