ગુજરાત ઉપરાંત દેશના સાત રાજ્યોમાં ગાય આધારિત પ્રવાસન ઉદ્યોગ વિકસાવવા વલ્લભ કથિરીયાને જવાબદારી

ભારત સરકાર હવે દેશમાં પ્રવાસન ઉદ્યોગને વધારવા માટે નવી તકો શોધી રહી છે. હવે સરકારે ગાય આધારિત પ્રવાસન તરફ નજર દોડાવી છે. સરકારે બનાવેલા રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા એક એવો રૂટ તૈયાર કરવામાં આવી રહ્યો છે કે જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાં વિદેશી પ્રવાસીઓ કાઉ ટુરિઝમ જોવા આવી શકે.

ભારતમાં અલગ અલગ પ્રકારની ગાયો જોવા મળે છે. આ રૂટમાં હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર કર્ણાટક, કેરળ અને ગોવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ ગાયોની અલગ અલગ જાતિ છે જે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વહેંચાયેલી છે. ગુજરાતમાં 800થી પણ વધારે ગૌશાળાઓ છે જેને પ્રવાસનના રૂટમાં સામેલ કરવામાં આવશે.

કામધેનું આયોગના ચેરમેન વલ્લભ કથિરીયાએ કહ્યું હતું કે આપણે વિવિધ સેક્ટરોને પ્રવાસનના નકશામાં જોઇએ છીએ પરંતુ હવે કાઉ પ્રવાસનમાં  પણ આવી રહ્યું છે. વિદેશના પ્રવાસીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે એક સંશોધનનો વિષય બની રહેશે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગૌશાળાઓ મોજૂદ છે. એ ઉપરાંત એવા પશુપાલકો છે કે જેઓની મુખ્ય રોજીરોટી પશુપાલન છે. રાષ્ટ્રીય માર્ગમાં ગૌશાળાઓને પણ આવરી લેવામાં આવી છે.

ગુજરાતમાં એશિયાટીક લાયન એક સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે તેમ હવે રાજ્ય અને દેશ ગાય માટેનું આકર્ષણનું કેન્દ્ર બને તે હેતુથી કેન્દ્ર સરકાર કાઉ પ્રવાસન શરૂ કરવા જઇ રહ્યું છે. ગુજરાત અને બીજા રાજ્યોમાં ગાયોને પાળતી ગૌ શાળાઓ મોજૂદ છે ત્યારે આયોગને ગાય માટેનું પર્યટન  શરૂ કરવાનો વિચાર આવ્યો છે. વલ્લભ કથિરીયાએ કહ્યું હતું કે ગાયોના રક્ષણ માટેનું જ્ઞાન આપતું પર્યટન ગુજરાત સહિત આખો દેશ શરૂ કરવા જઇ રહ્યો છે.

ગાય એ માતા છે. ગાયની પ્રત્યેક ચીજ પછી તે દૂધ હોય કે, ગૌમૂત્ર અને છાણ- એના ઉપયોગ અને ફાયદા વિશે પ્રવાસીને સમજ આપવામાં આવશે. ગુજરાતની એવી કેટલીક ગૌશાળાઓનો પણ આયોગે સંપર્ક કર્યો છે. ગુજરાતની મુલાકાતે આવતા પ્રવાસીને આવી ગૌશાળાઓ બતાવવામાં આવશે.

ગુજરાતમાં ગો પ્રવાસનમાં બે દિવસના પ્રવાસ રાખવાનું વિચારવામાં આવ્યું છે. ગાયના દૂધ, ગૌમૂત્ર અને છાણમાંથી બનતી પ્રોડક્ટ્સ અને દવાઓની ટુરિસ્ટને સમજ આપવામાં આવશે. આ અભિગમ  પાછળ આર્થિક પાસુ પણ છે. આ પ્રવાસન થકી જે આવક થશે તે ગૌશાળા અને ગાયોના વિકાસ માટે વાપરવામાં આવશે.

કથિરીયાએ કહ્યું હતું કે પ્રવાસી માટે આખા ગુજરાતનો પ્રવાસ  કરવામાં આવશે. ગૌશાળા ઉપરાંત ગૌચર લેન્ડ કે જે આણંદ જિલ્લાના ધર્મજમાં આવેલી છે તેનો પણ ટુરિસ્ટ સરકીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની અમદાવાદ, રાજકોટ અને ભૂજની જેલમાં ગાય માટેના આશરા  બનાવવામાં આવ્યા છે તે પણ પ્રવાસીને બતાવવામાં આવશે. જે લોકોને ભારતના મુખ્ય રાજ્યોમાં ગૌ પ્રવાસન જોવું હોય તેમના માટે ખાસ પેકેજ ટૂરનું આયોજન કરવામાં આવશે.