રાષ્ટ્રીય અને પ્રદેશ કોંગ્રેસમાં યોગ્ય નેતૃત્વનો અભાવ, આંતરિક જૂથબંધી કોંગ્રેસ વિરોધી તત્વોને મજબૂત કરી રહી છે
ગુજરાત કોંગ્રેસની નેતાગીરી તમામ સ્તરે નિષ્ફળ નીવડી હોવાનું રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ નિવેદન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીમાં ભારે હડકંપ મચી ગયો છે. તેમણે આ નિવેદન ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પોતાના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ આપવા તેમનાં સમર્થકો આવ્યા તે સમયે કર્યું હતું.
માધવસિંહ સોલંકીનાં આ પ્રકારનાં નિવેદનથી પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી ચોંકી ઉઠી છે. અને પૂર્વ મુખ્યમંત્રીનાં આ નિવેદન મામલે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે કોઈ પ્રત્યાઘાત આપ્યો નહોતો. ટૂંકમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું કોંગ્રેસની નેતાગીરી અંગેના નિવેદનથી એક વાત સ્પષ્ટ થાય છે કે હાલમાં પ્રદેશ કોંગ્રેસ તેમ જ રાષ્ટ્રીય કોંગ્રેસમાં જે રીતે નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે તે બાબતે આગામી દિવસોમાં જો વિચારણા નહિ કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કોંગ્રેસમુક્ત ભારતનાં સપનાને સાકાર થતું નહિ રોકી શકાય.
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ગુજરાત કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસનાં નબળા નેતૃત્વ અંગે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, ગુજરાત કોંગ્રેસની નેતાગીરી તમામ રીતે નિષ્ફળ નીવડી છે અને આ નેતાગીરીમાં ફેરફાર કરવો જોઈએ, પરિવર્તન કરવું જોઈએ એવું ભારપૂર્વક જણાવ્યું હતું. જો પ્રદેશ નેતાગીરીમાં ફેરફાર કરવામાં આવશે તો જ કોંગ્રેસ ગુજરાતમાં ફરી સત્તા પર આવી શકશે. પરંતુ એ ત્યારે જ શક્ય બને કે જ્યારે કોંગ્રેસમાં જે આંતરિક જૂથબંધી ચાલી રહી છે તે પહેલાં તો દૂર થવી જોઈએ જેથી કોંગ્રેસનાં તમામ કાર્યકરોમાં નવો સંચાર થઈ શકશે.
રાષ્ટ્રીય કોંગ્રેસ વિશે તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં રાહુલ ગાંધી સિવાય મજબૂત ચહેરો હોવો જોઈએ. રાહુલ ગાંધીમાં નેતૃત્વનાં ગુણ છે પરંતુ તેમને સફળતા નથી મળતી તેની પાછળ જે પ્રકારે ગુજરાત કોંગ્રેસમાં જૂથબંધી છે તેમ રાષ્ટ્રીય સ્તરે પણ જૂથબંધી છે. જ્યાં સુધી આ જૂથબંધી દૂર કરવામાં રાષ્ટ્રીય કોંગ્રેસની નેતાગીરીને સફળતા નહિ મળે ત્યાં સુધી કોંગ્રેસ ભાજપ જેવા પક્ષોનો મજબૂતાઈથી સામનો નહિ કરી શકે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, મુખ્ય નેતા તો મજબૂત હોવો જ જોઈએ. તેનું ચલણ આખા રાજના નેતાગીરી પર પડે છે. રાહુલ ગાંધી સિવાય કોણ મજબૂત નેતા હોઈ શકે તે વિશે તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં ઘણા યુવા નેતાઓ છે જે કોંગ્રેસને વધુ મજબૂત કરી શકે એમ છે. આ અંગે તમામ લોકોનો અભિપ્રાય હોવો જરૂરી છે. અને આ અભિપ્રાયો ઉપર ચોક્કસ ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. જો ગંભીરતાપૂર્વક વિચાર કરીએ તો જે નેતા માટેના અભિપ્રાય હોય તેનાં વિશે પણ વિચારણા કરવી જોઈએ.
પ્રિયંકા ગાંધી વાડ્રા વિશે પૂછતાં તેમણે કહ્યું કે, પ્રિયંકા ગાંધી વાડ્રામાં મજબૂત નેતા બનવાનાં તમામ ગુણો છે. તેઓ પણ કોંગ્રેસનું નેતૃત્વ ચોક્કસપણે સફળતાપૂર્વક કરી શકે છે. તેઓ તેમનાં દાદી સ્વ. ઈન્દિરા ગાંધી જેવી છબી ધરાવતા હોવાનાં કારણે અને તેમનો વ્યવહાર લોકોને વધુ સારી રીતે સમજાવવાનો તેમ જ તેમનાં અનુભવ હાલમાં જ પૂરી થયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન જોવા મળ્યા છે અને તેમને લોકોનો સારો રિસ્પોન્સ પણ મળ્યો છે. ત્યારે આ બાબતે પણ કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીએ વિચારણા ચોક્કસ કરવી જોઈએ.
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ અગાઉનાં કોંગ્રેસનાં વહિવટ અને નેતાગીરીની વાતને યાદ કરતાં કહ્યું કે, તે સમયે સમગ્ર દેશમાં નેતાગીરી અને વહિવટીતંત્રમાં તમામ લોકો સાથે સંબંધો સારા હતા. જેથી કામ કરવામાં સરળતા રહેતી હતી. ઈન્દિરા ગાંધી સામે યોગ્ય રજૂઆત કરતા તો ઉકેલ મળતો જ હતો. અને તેથી જ કોંગ્રેસની ઘણી સારી યોજનાઓનો અમલ એ સમયમાં થયો હતો. પરંતુ આજના સમયમાં આવી નેતાગીરી કોંગ્રેસમાં જોવા મળી નથી રહી. તેનું કારણે પૂછતાં તેમણે સ્પષ્ટ કહ્યુ કે, હાલની નેતાગીરી પોતાની અને પોતાનાં ટેકેદારોનો જ વિચાર કરીને ચાલે છે. જે કોઈપણ રાજકીય પક્ષ માટે હાનિકારક હોય છે અને તેનું પરિણામ 2014ની લોકસભા ચૂંટણીથી જોવા મળી રહ્યું છે.