ગાંધીનગર,તા.02
ગુજરાતમાં મહિલાઓની વસતી 45 ટકા કરતાં વધુ છે ત્યારે રાજ્યની ઔદ્યોગિક સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના દંભી હોદ્દેદારોએ ચેમ્બરમાંથી મહિલાઓનું પ્રતિનિધિત્વ જ કાઢી નાખ્યું છે. પુરૂષ અને મહિલામાં કોઇ ભેદ નથી તેવું કહેવામાં આવે છે, રાજ્ય સરકાર પણ વિવિધ સંસ્થાઓમાં 35 ટકા થી 50 ટકા મહિલા અનામતની વાતો કરે છે પરંતુ હકીકતમાં તેવું થતું નથી.
રાજ્યના ઉદ્યોગોમાં મહિલાઓનું મોટું પ્રતિનિધિત્વ છે ત્યારે ગુજરાતની ભાજપની સરકારની ભાટાઇ કરતી ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન હોદ્દેદારોએ મહિલાઓની હોદ્દેદારી ખતમ કરવાનો નિર્ણય લીધો છે. ચેમ્બર ઓફ કોમર્સે તેની મહિલા વિંગને બંધ કરી દેવાનું નક્કી કર્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ એવો તર્ક આપ્યો છે કે મહિલા વિંગના વિવાદ અટકાવવા માટે કમિટી બનાવવાનો માર્ગ જરૂરી છે અને મહિલાઓ માટે માત્ર મહિલા વિંગ જ નહીં, પરંતુ મુખ્ય ચેમ્બરમાં પણ હોદ્દેદાર બનવાની તક ઊભી થશે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારોની પહેલાંથી જ એવી માનસિકતા રહી છે કે પોતાના કહ્યામાં રહે તેવા મહિલા સભ્યોને જ બિઝનેસ વુમન વિંગનાં ચેરપરસન બનાવવામાં આવે અને એથી જ મહિલા વિંગનાં ચેરપરસન માટે ઇલેક્શનને બદલે સિલેકશન કરવામાં આવતું હતું.
જોકે ગયા વર્ષે હોદ્દેદારોની આવી માનસિકતા સામે મહિલાઓએ માથું ઊંચકતાં સિલેક્શન રદ કર્યું હતું. જેવી મહિલાઓ માથું ઊંચકતી થઈ તેવા જ ચેમ્બર ઓફ કોમર્સના તમામ પૂર્વ હોદ્દેદારો કે જેઓ એકબીજાને કાપતા ફરતા હોય છે તે તમામ મહિલા વિંગના વિસર્જનના મુદ્દે એક થઈ ગયા હતા.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ છેલ્લા ઘણાં દિવસોની કવાયત બાદ ખાસ બેઠક બોલાવી હતી જેના એજન્ડામાં મહિલાઓ હતી. જોકે સભા શરૂ થાય તે પહેલાં જ ચેમ્બરના સભ્ય રુઝાન ખંભાતાએ વુમન વિંગના વિસર્જનનો વિરોધ કર્યો હતો. ભારે જહેમત બાદ રુઝાનને પણ ચેમ્બરના હોદ્દેદારોએ બોલવાની તક આપી હતી.
મહિલા વિંગનું નામ કાઢી નાખવા માટે મળેલી બેઠકમાં અન્ય મહિલાઓએ પણ પોતાની વાત મૂકવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ પુરુષ પ્રધાન ચેમ્બર ઓફ કોમર્સમાં તેમને બોલવાની તક મળી ન હતી. ડરી ગયેલા પૂર્વ અને ચાલુ હોદ્દેદારોએ તરત જ મહિલા વુમન વિંગના વિસર્જન માટે સભ્યોના મત માગ્યા હતા અને સર્વાનુમતે મહિલા વિંગનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું. હવે ચેમ્બરમાં બિઝનેસ વુમન કમિટી બનાવાશે જેના ચેરપર્સન પણ પ્રમુખ જ નક્કી કરશે.