ગુજરાતનું મૂળ નામ – આનર્ત, પર નાગ જાતિનું આક્રમ થયું હતું

શર્યાતિના પુત્ર આનર્તના નામ પરથી આ પ્રદેશ ‘આનર્ત’ દેશ તરીકે ઓળખાયો. એનો પુત્ર કે પૌત્ર એ રૈવત. ગુજરાતમાં શાર્યાત. આનર્ત અને રૈવત જેવાં કુલનામો પરથી આનર્ત દેશમાં ત્રણ જુદા જુદા વંશ અથવા એક લાંબા વંશના ત્રણ મોટા ફિરકા પણ સૂચિત થાય છે. રૈવત બ્રહ્મલોક ગયો ત્યારે પુણ્યજન રાક્ષસોએ કુશસ્થલીનો નાશ કર્યો, મથુરાના યાદવોએ પુણ્યજન રાક્ષસોને મારીને ત્યાં પોતાની સત્તા સ્થાપી ને રૈવત કકુદ્મીએ પોતાની પુત્રી શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામને પરણાવી. આમ મથુરાના યાદવો અહીં આવીને વસ્યા. યાદવો પ્રાચીન કાલના છે ને વેદકાલથી એમના ઉલ્લેખ મળે છે. એમણે આર્યસંસ્કૃતિને દક્ષિણના વિભાગમાં વિકસાવી. યાદવો સ્થાનિક પ્રજામાં વિપુલ માત્રામાં ભળ્યા ને તેથી એઓમાં આર્યેતર તત્ત્વ ઘણું ઉમેરાયું. યાદવ અગ્રણીઓમાં શ્રીકૃષ્ણના જીવનકાલના અંતભાગમાં જ યાદવસત્તા અહીં સમૂળી લુપ્ત થઇ. આમ યાદવો સૌરાષ્ટ્રના ઇતિહાસમમાં નામશેષ બન્યા, પણ યાદવો દ્વારા આવેલાં જાતિતત્ત્વ અને સંસ્કૃતિ અહીંની વસ્તીમાં ભળીને કાયમી બન્યાં. 

યાદવો સાથે આભીરો પણ મથુરાથી આવ્યા. ‘સુ’ અને ‘રઠ્ઠ’ જાતિઓ તો યાદવો અને આભીરો પૂર્વે આવેલી લાગે છે, તેેવી જ રીતે કૌલ પ્રજા જેમનો માર્કંડેય પુરાણમાં ઉલ્લેખ મળે છે એ, પણ યાદવો પહેલાંની જણાય છે.

પુરાણોમાં કેટલીક આર્યેતર જાતિઓના ઉલ્લેખ મળે છે એઓમાં નાગ જાતિ સૌથી જૂની માલૂમ પડે છે. નાગ જાતિ નર્મદાના પ્રદેશમાં ને એક સમયે ભારતના વધુ વ્યાપક વિસ્તારમાં પ્રસરેલી હતી. (વિષ્ણુપુરાણમાં ઉલ્લેખેલી) પ્રાગ્જ્યોતિષ જાતિના લોકોને નાગનો જ એક ફિરકો માનવામાં આવે છે. હૈહયોને નાગજાતિના લોકોને આક્રમણ કરીને હાંકી કાઢ્યા જણાય છે.