- કાયમી કર્મચારીઓથી ચાલતી યુનિવર્સિટીમાં હવે કર્મચારીઓ કરતાં જોબ ટ્રેઇની વધી ગયા
- ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓના સગાં-સંબધીઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવવાનું કૌભાંડ
- યુનિવર્સિટીમા હાલ કાયમી કર્મચારીઓની સંખ્યા અંદાજે 320ની સામે જોબ ટ્રેઇનીની સંખ્યા 370 જેટલી થઇ ગઇ
- ભાજપ-કોંગ્રેસના નેતાઓ, સિન્ડીકેટ-સેનેટ સભ્યો, વિદ્યાર્થીનેતાઓ અને યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધિકારીઓના સગાં-સંબંધીઓને પણ જોબ ટ્રેઇની તરીકે ગોઠવી દેવાયા
- યુનિવર્સિટીનુ કદ ઘટે તેમ કર્મચારીઓની સંખ્યા ઘટવાના બદલે કદ ઘટયુ તેમ કર્મચારીઓની સંખ્યા ત્રણ ગણી કરી દેવામાં આવી
- કુલપતિ પોતાની સામે વિરોધ ન થાય તે માટે ભાજપ-કોંગ્રેસના સિન્ડીકેટ-સેનેટ સભ્યો કહે તેને જુદા જુદા ડીપાર્ટમેન્ટમાં ગોઠવી દેવાનુ શરૂ કરતાં જોબ ટ્રેઇની સંખ્યા ત્રણ ગણી થઇ
- પૂર્વ કુલપતિના સમયે 100ની અંદર જોબ ટ્રેઇની હતા તે હવે વધીને 370 સુધી પહોંચી ગયા હજુપણ દિવસે દિવસે જોબ ટ્રેઇનીની નિમણૂક ચાલુ છે
- કામ ન હોવાછતાં લાગતાં-વળગતાંઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવી દેવાતાં યુનિવર્સિટીને મહિને અંદાજે 50 લાખનો ચુનો લાગી રહ્યો છે
ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી જોબ ટ્રેઇનીની નિયુક્તિ માટેનું મોટુ કૌભાંડ ચાલી રહ્યુ છે. ત્રણ વર્ષ પહેલા જોબ ટ્રેઇની નિયુક્ત કરવાની શરૂઆત કરી હતી. પહેલા વર્ષે 30થી 40 જગ્યાઓ પર નિમણૂંક કરવામાં આવી હતી. હાલમાં આ સંખ્યા વધીને 370 થઈ ગઈ છે. તેની પાછળ રૂ.50 લાખનો પગાર વર્ષે ચૂકવાય છે. ભાજપના નેતાઓ પોતાના સગાઓને નોકરીએ રાખવા માટે જોબ ટ્રેનું કૌભાંડ આચરી રહ્યાં છે. ભાજપના માનીતા વિવાદાસ્પદ કુલપતિ હિમાંશુ પંડયાની જાણમાં 200 જેટલા જોબ ટ્રેઇનીની નિયુક્તિ કરી દેવામાં આવી છે. હવે પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે મુખ્ય એટલે કે કાયમી કર્મચારીઓ કરતાં જોબ ટ્રેઇનીની સંખ્યા વધી ગઇ છે. આમ ભાજપના નેતાઓ સાથે મળીને પાછલા બારણે ભરતીનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ભરતી કરે છે, છતાં કોઈને હાંકી કઢાયા નથી કેટલાંક તો 7 વર્ષથી નોકરી કરી રહ્યાં છે. કુલપતિ હિમાંશુ પંડ્યાને તેમના બનેવી અને ભાજપના નેતા ભરત પંડ્યાનું રાજકીય પીઠબળ હોવાથી તેમની સામે કોઈ પગલાં લઈ શકતું નથી. હિમાંશુ પંડ્યા રોજ નવી ભરતી કરી રહ્યા છે. ભરતી કૌભાંડની ફરિયાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ ભવન સુધી ફરિયાદો થઈ હોવા છતાં મુખ્ય પ્રધાન કે રાજ્યપાલ કંઈ કરી શકતા નથી.
સગાવહાલાને નોકરી
જોબ ટ્રેઇનીને કામ કરવા માટે નહીં, લાગતાં-વળગતાંઓને નોકરીએ લગાવવા માટે ભરતી કરવામાં આવી રહી છે. કર્મચારીઓએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ કરી પણ તેઓએ બધું ઢાંકી દીધું છે. સરકારનું અનુદાન આવી કૌભાંડી ભરતી માટે વેડફી નાંખવામાં આવી રહ્યું છે. તેમ યુનિવર્સિટીના સંનિષ્ઠ કર્મચારીઓ કહે છે.
જોબ ટ્રેની શું છે
પુરતા કર્મચારીઓ ન હોય અને કામકાજ અટકી પડતું હોય ત્યારે વિભાગીય વડા કાયમી કર્મચારીઓની નિયુક્તિ માટે માંગણી કરતાં હોય છે. મંજૂરી ન મળે ત્યારે સત્તાધીશો દ્વારા હંગામી ધોરણે કર્મચારીની નિયુક્તિ કરવાની મંજુરી આપવામાં આવે છે, જેને જોબ ટ્રેઇની કહેવામાં આવે છે. પૂર્વ કૂલપતિ પરિમલ ત્રિવેદી દ્વારા બે હંગામી કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી.
કામચોરી થતાં જોબ ટ્રેની
પૂર્વ કુલપતિ એમ.એન.પટેલના સમયમાં એકાએક નોકરીએ રાખવાનું પ્રમાણ વધી ગયું હતું. તેમના મતે કાયમી કર્મચારીઓ કામ કરે તો કોઇ વિભાગમાં જોબ ટ્રેઇનીની જરૂર ન પડે. આમછતાં કેટલાક વિભાગમાં નછૂટકે કેટલાક જોબ ટ્રેઇનીની નિયુક્તિ માટે મંજુરી આપવામાં આવી હતી.
કુલપતિ હિમાંશુ પંડયા પોતાની સામે વિરોધ ન થાય તેથી કર્મચારી, સિન્ડીકેટ-સેનેટ સભ્ય કે કોઇ ભાજપ, કોંગ્રેસના નેતા વિરોધ કરે તો તેમને કોઇપણ રીતે સાચવી લેવા તેના સગાવહાલાને નોકરી આપી દેવામાં આવી રહી છે.
રાજકીય નેતાઓને સાચવવા કૌભાંડ
પહેલા પોતાના વિરોધી નેતાને હિમાંશું પંડ્યા પોતે કે તેના એજન્ટ દ્વારા કોઇપણ કામ કરી આપવાની ઓફર કરી દેવામાંઆવે છે. કામ ન હોય તો વિરોધીના સગાં-સંબંધીને નોકરીએ રાખવા ઓફર કરાય છે. તેથી આવા લાગવગીયા નેતાઓના કારણે 360 જોબ ટ્રેઇનીઓને નોકરી આપી દેવામાં આવી છે. હાલમાં જે જોબ ટ્રેઇની છે તે પૈકી 90 ટકા કર્મચારીઓ ભાજપ-કોંગ્રેસના સિન્ડીકેટ સભ્યોના સગાં-સંબંધીઓ છે. જેમાંથી જરૂરયાતમંદ ઓછા અને સમય પસાર કરવા આવનારની સંખ્યા વધું છે.
કામમાં વિલંબ
જોબ ટ્રેઇનીથી કામ સમયસર થવાના બદલે ભારે વિલંબ થઇ રહ્યો છે. 90 ટકા જોબ ટ્રેઇની કામ કરતાં જ નથી. તેમને જે કામ આપેલું છે તેની લાયકાત તેઓ ધરાવતાં નથી. માત્ર તેમની લાયકાત લાગવગ છે. તેમની સામે ફરિયાદ થાય તો ભાજપ-કોગ્રેસના સિન્ડીકેટસભ્યનુ દબાણ આવી જાય છે. આમ યુનિવર્સિટીને મહિને 40થી 50 લાખનું નુકસાન થઈ રહ્યું છે.
કુટુંબને નોકરી
કુલપતિના પી.એ., પટ્ટાવાળા, સહિત અનેક કાયમી કર્મચારીઓએ પોતાની પત્ની, દિકરી-દિકરા ઉપરાંત સગાં-સંબંધીઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવવાનુ શરૂ કરી દીધુ છે. પોતાના સંબંધી કાયમી કર્મચારી હોવાથી તેઓ કયારે આવે છે અને કયારે જાય છે તે માટે કોઇ પુછતુ નથી. પોતાની અનુકુળતાં પ્રમાણે દિવસમાં બે કે ત્રણ કલાક આંટાફેરા અને સહી કરીને ઘરભેગા થઇ જાય છે. કુલપતિ ખુદ આ તમામ બાબત જાણતાં હોવાછતાં બીજી ટર્મ લેવાની લાલચમાં કશુ કરી શકતાં નથી.
કોઈ કામ કરતું નથી
યુનિવર્સિટીના કર્મચારીઓ કહે છે કે, 90 ટકા જોબ ટ્રેઇની કામ જ કરતાં નથી. સવારે 11 વાગે ઓફીસે આવી બપોરે 2 વાગે રીશેષ પડે ત્યારે ઘરે જતાં રહે છે. બપોર પછી 4-30 કલાકે પરત આવે અને સાંજે 5-30 કલાકે ઘરભેગા થઇ જાય છે. પરીક્ષા વિભાગમા કામ કરતાં જોબ ટ્રેઇની કયારેય પોતાના ટેબલ પર જ જોવા મળતા નથી.
યુનિવર્સિટી નાની થઈ કર્મચારીઓ વધી ગયા
એક સમયે ગુજરાત યુનિવર્સિટીનું કદ કચ્છથી પંચમહાલ સુધી હતું. હવે કદ નાનું થઈ ગયું. યુનિવર્સિટીનુ કદ અમદાવાદ-ગાંધીનગર પુરતુ સિમિત થઇ ગયુ છે તેના કાર્યક્ષેત્રમાં બીજી 12 યુનિવર્સિટીઓ થઈ ગઈ છે. છતાં પહેલાં કરતાં ત્રણ ગણા કર્મચારીઓ વધી ગયા છે.
નિવૃત્ત થયેલાને ફરી નોકરી
અંદાજે 35થી વધારે નિવૃત્ત કર્મચારી-અધિકારીઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવી દેવામાં આવ્યા છે.
રાજ્યપાલ તપાસ કરે
કર્મચારીઓ કહે છે કે, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય જો તપાસ કરે તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયાની નોકરી જતી રહે તેમ છે. હિમાંશુ પંડયા દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. રાજભવનના અધિકારીઓ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે તેમના સ્ટાફ દ્વારા દેવવ્રત આચાર્યને કોઈને કોઈએ આ બાબતે ધ્યાન દોર્યું નથી. સરકારના રૂ.50 લાખ બચાવવા માટે નાણાં વિભાગે પણ કોઈ વાંઘો ઉઠાવ્યો નથી. એવું માનવામાં આવે છે કે, આ ભરતીમાં આરએસએસના કેટલાંક નેતાઓ પણ સંડોવાયેલા છે.