ગુજરાત યુનિવર્સિટીની લોલંલોલ: વિદ્યાર્થીઓની પરીક્ષા લીધા વગર જ પાસ

ઇકોનોમિક્સ વિષયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ શોધનિંબધ રજૂ ન કર્યા છતાં તમામને પાસ કરી દેવાયા

ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં કેવા પ્રકારની કામગીરી ચાલે છે તેના અનેક કિસ્સાઓ અવારનવાર બહાર આવતાં રહે છે. યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે લેવામાં આવેલી ઇકોનોમિક્સ વિષયની પરીક્ષામાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ નિયમ પ્રમાણે ડેઝર્ટેશન તૈયાર કરવાનુ હોય છે.આ ડેઝર્ટેશન એટલે કે શોધ નિબંધ યુનિવર્સિટીમાં જમા કરાવવો પડે છે. તમામ વિષયોમાં એક વિષયની પરીક્ષા માત્ર ડેઝર્ટેશન માટે જ લેવામાં આવે છે. ચાલુ વર્ષે લેવાયેલી ઇકોનોમિક્સની પરીક્ષાઓમાં એકપણ કોલેજના વિદ્યાર્થીએ ડેઝર્ટેશન જમા ન કરાવ્યા અને જે દિવસે આ વિષયની પરીક્ષા હતી ત્યારે રજા રાખી દીધી આમછતાં તમામ વિદ્યાર્થીઓને પાસ પણ જાહેર કરી દેવાયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

યુનિવર્સિટી શિક્ષણ આપવા માટે નહી માત્ર ડિગ્રી આપવા માટે ચાલતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જુદી જુદી કોલેજોમાં ઇકોનોમિક્સ વિષય સાથે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ છેલ્લા વર્ષમાં કુલ છ વિષયો પૈકી એક વિષયમાં  શોધ-સંશોધન નિંબધ તૈયાર કરવાનો હોય છે. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા નિંબધને જે દિવસે પરીક્ષા હોય તે દિવસે યુનિવર્સિટીમાં રજૂ કરવાનો હોય છે. ઇકોનોમિક્સ વિષયના પ્રોફેસરો કહે છે તાજેતરમાં લેવાયેલી ઇકોનોમિક્સ વિષયની પરીક્ષામાં એકપણ કોલેજના વિદ્યાર્થીઓએ ડેઝર્ટેશન એટલે કે શોધ-સંશોધન નિંબધ રજૂ કર્યો નહોતો. નિયમ પ્રમાણે આ વિષયમાં વિદ્યાર્થીઓ શોધ નિબંધ રજૂ ન કરે તો તેને માર્કસ જ આપવામાં આવતાં નથી. પણ યુનિવર્સિટીએ આ વિષયમાં એકપણ કોલેજના વિદ્યાર્થીઓએ શોધનિંબધ રજૂ કર્યો ન હોવાછતાં દરેક વિદ્યાર્થીઓને માર્કસ આપીને પાસ પણ જાહેર કરી દીધા હતા. પ્રોફેસરો કહે છે આ વિષયની સઘન તપાસ થાય તો વિદ્યાર્થીઓને બારોબાર પાસ કરી દેવાનું મોટ કૌભાંડ નીકળે તેમ છે.

યુનિવર્સિટી સત્તાધીશોએ પણ એકપણ વિદ્યાર્થી પાસે આ શોધ નિંબધની માંગણી પણ નકરી ઉલટાનુ જે દિવસે આ વિષયની પરીક્ષા હતી તે દિવસે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. એટલે કે પરીક્ષા લેવામા આવી નહી અને બારોબાર માર્કસ મુકી દેવામાં આવ્યા હતા. યુનિવર્સિટીની આ પ્રકારની કાર્યપધ્ધતિ સામે વિરોધ કરવા ઇચ્છતાં એક-બે પ્રોફેસરો છેલ્લા બે માસથી આ મુદ્દે રજૂઆતો કરતાં હોવાછતાં તેમનુ કશુ ઉપજતુ નથી. ઉલટાનુ સત્તાધીશો કહે છે જે વાત જતી રહી તેના મુદ્દે ફરિયાદ કરીને હવે કોઇ અર્થ નથી.