ગુજરાત યુનિવર્સીટીના ખાસ પદવીદાનમાં કુલ 8553 વિધાર્થીઓને ડિગ્રી એનાયત

ગુજરાત યુનિવર્સિટીમાં આજે સ્પેશ્યલ કોન્વોકેશનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તમામ ફેકલ્ટીના મળીને કુલ ૮૫૫૩ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ કોમર્સ એટલે કે વાણિજય વિદ્યાશાખાના ૩૭૧૩ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામા આવી હતી. આજે સ્પેશ્યલ પદવીદાન હોવાના કારણે માત્ર ગણતરીના વિદ્યાર્થીઓએ જ ઉપસ્થિત રહીને ડિગ્રી મેળવી હતી. જયારે બાકી રહેલા વિદ્યાર્થીઓને પોસ્ટ દ્વારા ડિગ્રી પહોંચતી કરવામાં આવશે.

યુનિવર્સિટીમાં દરવર્ષે રેગ્યુલર પદવીદાન સમારંભ સિવાય એક વધારાનો પદવીદાન સમારંભ પણ યોજવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ રેગ્યુલર પદવીદાનમાં ભાગ ન લઇ શકયા હોય અથ‌વા તો ત્યારબાદ ડિગ્રી મેળવવાને લાયક બન્યા હોય તેમના માટે આ પદવીદાન યોજવામાં આવે છે. યુનિવર્સિટીના સેનેટ હોલમાં યોજવામાં આવેલા પદવીદાન સમારંભમાં ગણતરીના વિદ્યાર્થીઓ રૂબરૂમાં ઉપસ્થિત રહ્યા હોવાથી કુલપતિના હસ્તે આ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. કઇ વિદ્યાશાખામાં કેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી તે જોઇએ તો વિનિયન વિદ્યાશાખામાં ૧૮૩૭, વિજ્ઞાન વિદ્યાશારામાં ૮૬૧, ઇજનેરીમાં ૭, કાયદા વિદ્યાશાખામાં ૨૪૭, તબીબી વિદ્યાશાખામાં ૧૩૭૪, વાણિજયામાં ૩૭૧૩, ડેન્ટલમાં ૧૨૬, ફાર્મસીમાં એક અને એજ્યુકેશનમાં ૩૮૭ વિદ્યાર્થીઓ મળીને કુલ ૮૫૫૩ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.