ગુજરાત યુનિ.ની ઘોર ઉદાસીનતના પ્રતાપે કોમ્પ્યુટર વેન કેમ્પસમાં ધૂળ ખાય છે

અમદાવાદ,તા.08
ગુજરાત યુનિવર્સિટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ અને લોકોને કોમ્પ્યુટરનુ બેઝીક જ્ઞાન મળી રહે તે માટે કોમ્પ્યુટર ઓન વ્હીલ વેન તૈયાર કરવામાં આવી હતી. જે તે સમયે સત્તાધીશો દ્વારા વેનના મારફતે કેવા કેવા કામો થશે તેની જાહેરાતો પણ કરવામાં આવી હતી.જે તે સમયે ઇલેક્શનના બહાને આ વાનને પડી રહેવા દેવામાં આવી હતી. ઇલેક્શન પુર્ણ થયાના છ માસથી યુનિવર્સિટીના પ્રેસ કેમ્પસમાં આ વેન ધૂળ ખાઇ રહી છે.

યુનિવર્સિટીમાં વર્ષો પહેલા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ અને રહીશોને કોમ્પ્યુટરની બેઝીક જાણકારી આપવા માટે કોમ્પ્યુટર ઓન વ્હીલ એક વેન તૈયાર કરવામાં આવી હતી. પૂર્વ કુલપતિના કાર્યકાળમાં વેન તૈયાર થયા બાદ થોડા સમય બહાર મોકલવામાં આવી હતી. પરંતુ છેલ્લા ચાર વર્ષથી આ વેન કુલપતિના બંગલામાં ધૂળ ખાતી હતી. એક વર્ષ પહેલા તા.૨૭મી સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ કલેકટરે યુનિવર્સિટીને એક પત્ર લખીને આ કોમ્પ્યુટર ઓન વ્હીલ (કાઉ)ને પબ્લીક અવરનેશ, હેલ્થ, એજ્યુકેશન જેવા જુદા જુદા વિષયો પર સમજણ આપવા માટે ઉપયોગમાં લેવા ભલામણ કરી હતી. ઉન્નત ભારત અભિયાન અંતર્ગત ઓગણજ, લપકામણ, ખોરજ, લીલાપુર અને જાસપુર જેવા ગામોમાં આ કાઉને લઇ જવા માટે મંજુરી પણ કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. આશ્ચર્યની વાત એછે કે, આ તમામ પ્રક્રિયા થયા બાદ હાલ પણ આ વેન કાઉ યુનિવર્સિટીના પ્રેસ કેમ્પસમાં ધૂળ ખાઇ રહી છે. આ અંગે સત્તાધીશોને પુછતાં તેઓ કહે છે એક કે બે વખત કેમ્પસમાં ટ્રાયલ માટે કાઢવામાં આવી હતી. એટલે કે કોમ્પ્યુટર-ટેબલ સહિતની સુવિદ્યાઓ ધરાવતી આ કોમ્પ્યુટર ઓન વ્હીલ (કાઉ) છેલ્લા છ માસથી ધૂળ ખાઇ રહી છે. એકબાજુ સત્તાધીશો નેશનલ રેકીંગમાં પ્રથમ સ્થાને આવવાની ડંફાશો માટે છે ત્યારે બીજીબાજુ સામાન્ય કોમ્પ્યુટર વેનને પણ એક વર્ષ પછી પણ રસ્તા પર દોડાવી શકતાં નથી આ વાસ્તવિક્તા છે.