ગુજરાત યુનિ.માં ઉત્તરવહી ચકાસણીમાં ગેરરીતિ કરનારા પ્રોફેસરને બ્લેકલીસ્ટ કર્યા પણ સરકારને ભલામણ ન કરી!!

અમદાવાદ, તા.૦૬
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી ગુજરાત કોલેજના પ્રોફેસર આર.કે. શાહએ આચરેલી ગેરરીતિઓની તપાસ માટે રચાયેલી કમિટીએ આપેલા અહેવાલના આધારે તમામ ગેરરીતિઓ પુરવાર થતાં તેમને પરીક્ષાની કામગીરીમાંથી કાયમી ધોરણે બાકાત રાખવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત ભવિષ્યમાં નાણાંકીય કામકાજ હોય તેવી કોઇ જવાબદારી આ પ્રોફેસરને યુનિવર્સિટીએ ન સોંપવી અને સરકારે પણ ન સોંપવી તેવી ભલામણ કરવાનુ નક્કી કરાયુ છે. આજ પ્રોફેસર હાલમાં કેસીજીમાં ઓએસડી તરીકે ફરજ બજાવે છે. નાણાંકીય ગેરરીતિઓ સાબિત થયા પછી પણ હજુસુધી તેમને દૂર કરવાની કોઇ કામગીરી કરવામાં આવી નથી. સરકારના જ કેટલાક અધિકારીઓ આ પ્રોફેસરને બચાવવા મેદાને પડયા હોવાની વિગતો પણ બહાર આવી રહી છે. યુનિવર્સિટીમાં મળેલી સિન્ડીકેટની બેઠકમાં એવુ નક્કી કરાયુ હતુ કે, સરકારને ભલામણ કરીને આ પ્રોફેસરને કેજીસીમાંથી દૂર કરવાની પણ રજૂઆત કરાશે. આઘાતજનક બાબત એ કે હજુસુધી યુનિવર્સિટીએ આ પ્રકારની કોઇ દરખાસ્ત જ સરકારમાં કરી ન હોવાની વિગતો બહાર આવી છે.

ગુજરાત કોલેજના પ્રોફેસરે પોતાની પુત્રી કે પ્રોફેસર જ નથી તેમના નામે ઉત્તરવહીઓ લઇને ચકાસી નાંખી હતી. આ ઉપરાંત પોતાની સ્ટુડન્ટ કે જે એક સમયે વિઝિટીંગ લેક્ચરર તરીકે ફરજ બજાવતાં હતા તેમના નામે પણ ઉત્તરવહીઓ લઇને તપાસીને તેના બીલો મુકી દીધા હતા. આ ગેરરીતિ બાદ પોતે બાકી રહેલી ૨૦૦ ઉત્તરવહી ચકાસી હોવા છતાં ૨ હજાર ઉત્તરવહીનુ બીલ લઇ લીધુ હતુ. પોતાના પુત્રીના નામે જે ઉત્તરવહી ચકાસી તેનો ચેક પોતાના નામે ટ્રાન્સફર કરાવવાની પ્રક્રિયામાં સમગ્ર કૌભાંડ પકડાયુ હતુ. યુનિવર્સિટીએ તપાસ માટે ચાર સભ્યોની કમિટીની રચના કરી હતી. આ કમિટીએ જે અહેવાલ આપ્યો તે સિન્ડીકેટમાં રજૂ કરાયો હતો. સામાન્ય રીતે આ પ્રકારના કૌભાંડમાં સંડોવાયેલા પ્રોફેસરોને સરકાર તાકીદે હાંકી કાઢતી હોય છે. આ કિસ્સામાં આ પ્રોફેસરને સરકારે સોંપેલી નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (કેસીજી)ની મહત્વની જવાબદાર પાછી ખેંચવા માટે રજૂઆત કરાશે તેવુ નક્કી કર્યુ હતુ. હાલ પણ આ પ્રોફેસર કેસીજીમાં કાર્યરત છે. કેસીજીના સત્તાધીશો કહે છે હજુસુધી યુનિવર્સિટીએ સરકારને આ મુદ્દે કોઇ ભલામણ જ કરી નથી. સરકાર ભલામણ ન કરે ત્યાં સુધી સરકાર તેને કેસીજીમાંથી દૂર કરવાની કાર્યવાહી કરી શકે તેમ નથી. આ મુદ્દે હવે યુનિવર્સિટી પણ આ પ્રોફેસરને બચાવવા માટે કવાયત કરી રહી હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે.