ગાંધીનગર, તા.૧૭
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના સચિવ રૂપવંતસિંહે જણાવ્યું છે કે, વીજ નિયમન ક્ષેત્રે પારદર્શિતા અને સ્વતંત્રતા જળવાઇ રહે તે હેતુથી રાજ્યમાં કાર્યરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ ૩૦ દિવસમાં કરાશે, જે સમય મર્યાદા અગાઉ ૪૫ દિવસની હતી. એ જ રીતે વિદ્યુત લોકપાલ ગ્રાહકની ફરિયાદનું નિવારણ ૪૫ દિવસમાં લાવશે જે સમય મર્યાદા અગાઉ ૬૦ દિવસની હતી.
ગ્રાહકો, તકરાર નિવારણ કેન્દ્રનો વધુ સહેલાઇથી સંપર્ક કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર હસ્તકની તમામ વીજ વિતરણ કંપનીઓ અને ટોરન્ટ પાવર(અમદાવાદ) હેઠળ ગ્રાહક તકરાર નિવારણ ફોરમની સંખ્યા વધારવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં હાલ ૮ તકરાર નિવારણ કેન્દ્રો કાર્યરત છે અને આગામી સમયમાં નવા પાંચ કેન્દ્રો કાર્યરત કરાશે.
ગ્રાહકો, વિદ્યુત લોકપાલનો વધુ સહેલાઇથી સંપર્ક કરી શકે તે હેતુથી વિદ્યુત લોકપાલની સીટીંગ બેન્ચ અમદાવાદથી બહાર રાજકોટ શહેરમાં દર અઠવાડિયાના એક દિવસ માટે શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આ સીટીંગ બેન્ચ તા.૦૧/૦૧/૨૦૨૦થી કાર્યાનવીંત થશે.
આ ઉપરાંત ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને વિનિયમો ગ્રાહકલક્ષી બની શકે તે મુજબની અન્ય જોગવાઇઓ કરવામાં આવી છે. આ વિનિયમોની અને સૂચનાઓની નકલ આયોગની વેબ સાઇટ www.gercin.org પર ફ્રી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે, વિનિયમોની ગેઝેટેડ નકલ આયોગની ઓફિસમાંથી મેળવી શકાશે.