ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ

ગાંધીનગર,તા:૨૬

5 હજારની વસતીના ગામો વધ્યા

2001માં ભાજપ સત્તા પર આવ્યો ત્યારે 2થી 5 હજારની વસતી ધરાવતાં ગામો 4 હજાર હતા જે 2021માં ગણતરી થશે ત્યારે 5 હજાર થઈ જશે. 5 હજારથી વધું વસતી હોય એવા 1 હજાર ગામ હતા તે 20 વર્ષમાં વધીને 1500 નવી વસતી ગણતરીમાં થઈ જશે. લોકો રોજગારી, સલામતી અને સુવિધા મેળવવા માટે નજીકના મોટા ગામ કે શહેર તરફ દોટ મૂકી રહ્યાં છે.

1થી 5000ની વસતી ધરાવતાં કૂલ ગામનું ચિત્ર

200થી ઓછા અને 5,000 સુધીની વસતી ધરાવતાં ગામો 1991માં 18,028 હતા. 2001માં 28 ગામ વધીને 18,056 થઈ ગયા હતા. 2011માં ઘટીને 17,844 થઈ ગયા હતા. 2021માં વસતી ગણતરી પૂરી થશે ત્યાં સુધીમાં 17,500 ગામો થઈ જશે. ભાજપ સરકાર પહેલાં ગામડાની સંખ્યા વધતી હતી. જે હિસાબે 2021માં 20 હજાર ગામો હોવા જોઈતા હતા. કેટલાંક નવા ગામો ઉમેરાયા છે. જેમાં ખાલી ગામોનો પણ સમાવેશ થાય છે.

ભાજપ સરકાર આવી ત્યાં સુધી લોકો ખેતી કરવા માટે તૈયાર હતા. આ વિગતો એવું સ્પષ્ટ કહે છે કે, ગ્રામ્ય વિસ્તાર અને ખેડૂતોનો વિકાસ થયો છે એવો દાવો ખોટો ઠરે છે. જો વિકાસ થયો હોત અને સુવિધા, રોજગારી અને સલામતી વધી હોત તો ગામડાઓ મોટા થયા હોત અને સંખ્યા વધી હોત.

સંસ્કૃતિ ધરમૂળથી બદલાઈ જવાની ભીતિ

કચ્છાં ગામડાઓ મૃતપાય થવાની સાથે સંસ્કૃતિ લુપ્ત થઈ જવાની પણ ભીતિ છે. કચ્છની ભાષા અને હસ્તકલા પણ હેરિટેજ સમાન છે, પરંતુ વર્તમાન પેઢી કચ્છની શુદ્ધ બોલીથી વિપરીત થઈ રહી હોવાના અહેવાલો છે. સમાજશાસ્ત્રીઓ અને જાણકારોને ડર છે કે જો સમયસર પલાયન અટકાશે નહીં તો આ સંસ્કૃતિ નાશ પામશે.

80 કુટુંબનું વાવડી ગામ ખાલી

વાવડી ગામમાં વીજળી, પાણી, શાળા અને હોસ્પિટલના અભાવે તથા જીવન જરૂરી પશુપાલન અને ખેતપેદાશનો ધંધો ઠંડો પડતાં 10 વર્ષ પહેલાં તમામ ગ્રામજનો અહીંથી હજિરત કરી ગયા અને ગામ ખાલી થઇ ગયું છે. અહીં ખેતી અને પશુપાલન પર નભતા 70-80 પરિવાર વસતા હતા. ગામ કોમી એકતાનું ઉદાહરણ ગણાતું હતું.  ગામના પાદરમાં જ મિસ્જદ અને મંદિર સામ-સામે આવેલાં છે. જ્યાં હવે નમાજ પઢાતી નથી કે આરતી થતી નથી.

મોરબીના એ ગામની કથા

ઘણા લોકો જમીન જાગીર વેચી નજીકના શહેરમાં રહેવા ચાલી ગયા છે. એમની દેખાદેખીમાં ગામ ખાલી થઈ ગયું હતું. મોરબીના માળિયાનું વર્ષામેડી ગામ જ્યાં રોજગારી, શિક્ષણ કે બીજી કોઈ સુવિધા ન હોવાથી ગામ ખાલી થઇ રહ્યું છે. એક સમયે સારી એવી વસ્તી ધરાવતું આ ગામ આજે ખાલી થવા આવ્યું છે. સુકી ખેતી છે. સિંચાઈ નથી.

નવી પેઢી ગામ છોડી રહી છે. ગ્રામજનો પોતાનું વતન છોડવા મજબુર બન્યા છે. ગામમાં વરસાદ ન થતા ખેતી પણ પડી ભાંગી છે. એસટી બસ નથી આવતી કે અન્ય વાહનોની સુવિધા નથી.

ઉત્તરાખંડ જેવું ગુજરાત

ઉત્તરાખંડના ઉંચા પર્વતો પર આવેલા ગામોના લોકો સ્થળાંતર કરી જાય છે. 10 વર્ષમાં 1000 ગામો ખાલી થઈ ગયા છે. ઉત્તરાખંડના 16,500 ગામ હતા. પોડી જિલ્લાના 298 ગામોમાંથી 200 ગામો ખાલી થઈ ભૂતિયા બની ગયા છે. આવી જ હાલત ગુજરાતના કચ્છની છે.

ત્રણ હજાર ગામોમાં ગૌચર ખતમ

3 હજાર ગામોમાં ગૌચર નથી. રાજ્યના 3 હજાર ગામોમાં જો ગૌચર હોત તો પશુપાલકો તેના પર લગભગ 10 હજાર પશુ ચરાવીને રોજનું એક લાખ લીટર દૂધ મેળવતા હોત અને તેમાંથી ખેતી માટેનું કિંમતી ખાતર મેળવતા હોત.

ગૌચર પર માફિયાઓનો કબજો ગામ ખાલી થવાનું મહત્વનું કારણ છે. ગૌચર પર પશુઓ સાથે દેખાવો થયા છે. વર્ષે 50 ગામના ગૌચર સરકાર ખાઈ જાય છે. રાજકીય માફિયાઓ જમીન ચરી ગયા છે. ત્રણ જ વર્ષમાં 129 ગામનું ગૌચર સરકારે કંપનીઓને વેચી માર્યું હતું. દર વર્ષે 50 ગામનું ગૌચર સરકાર કંપીનઓને આપી રહી છે.

ચરખા ગામની 46 હજાર ચોરસ મીટર ગૌચરની જમીન જેટકો કંપનીને વીજ મથક બનાવવા માટે આપી હતી. ગુજરાતમાં 5 કરોડ ચોરસ મીટર ગૌચર પગ માફિયાઓએ દબાણ કરી દીધા હતા. હવે સરકાર અને કંપનીઓ માફિયા બનીને પંચાયત કાયદાનો ભંગ કરીને દબાણ કરી રહ્યા છે.

ગૌચરની જમીન સરકાર લઈ શકે નહીં. જો તે લેવી હોય તો ગામ લોકો અને ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડે છે. ગાયો માટે રાખેલી જમીનો ગુજરાતભરમાં છીનવીને ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે. તેથી 3 હજાર ગામમાં ગૌચર ગુમ થઈ ગયા છે. ભાજપ સરકાર આવી તે પહેલા 700 ગામડાઓમાં ગૌચર ન હતા, 2015મા રાજ્યના 2625 ગામોમાં ગૌચરની જમીન ન હતી. 2017મા તે વધીને 2754 ગામોનું ગૌચર ન હતી. 2019માં 3 હજારથી વધું ગામોમાં પશુઓ માટે જમીન રહી નથી. તેથી ગામ લોકોની રોજગારી છીનવાય છે અને ગામના લોકો શહેર તરફ રોજગારી માટે ભટકે છે. કાંતો ગરીબીનો સામનો કરવો પડે છે.

4 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને

2012 સુધીમાં ભાજપે 4.10 લાખ ચોરસ મીટર ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપી દીધી હતી. 2017 સુધીમાં ગૌચરની 1.92 લાખ હેક્ટર જમીન વેંચીમારી હોવાનાં આરોપો છે. પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે અદાણી કંપનીને કરોડો રૂપિયાની 5.5 કરોડ ચો.મી. જમીન આપી તેમાં ગૌચર પણ હતું. આસપાસના ગામો ખતમ થઈ રહ્યાં છે.

15 ટકા ગામમાં ગાયોને ઘાસ ચરવા માટે જગ્યા નથી

1980 – 81મા 8.50 લાખ હેક્ટર ગૌચર હતા. 1990 – 91માં 8.45 હેક્ટર થઈ ગયા, 2012મા 2.50 કરોડ પશુધનની સામે 8.50 લાખ હેક્ટર જમીન હતી. 2014મા 7.65 લાખ હેક્ટર ગૌચર જમીન રહી હતી. 2014મા 9.33 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન પર  દબાણો હતા. હાલ 2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો રહ્યા નથી.

ગૌચર પર દબાણ

6 વર્ષમાં 470 ટકા દબાણો વધ્યા છે. 2012માં 1 કરોડ ચોરસ મીટર ગૌચર પર દબાણ હતું. 15 માર્ચ 2016મા 3.70 કરોડ ચોરસમીટર જમીન પર દબાણો હતા. ભાજપની સરકારમાં ગૌચરની જમીન પર દબાણો અગાઉ ક્યારેય ન થયા હોય એટલા બે વર્ષમાં થઈ ગયા છે.  એક હજાર હેક્ટરની બજાર કિંમત એક હેક્ટરે રૂ. 30 લાખ ઓછામાં ઓછા ગણવામાં આવે તો એક જ વર્ષમાં રૂ.300થી 600 કરોડનું ગૌચર જમીન કૌભાંડ થયું છે. 2019માં 4.90 કરોડ ચોરસ મીટર ગૌચર પર દબાણ થઈ ગયા છે. આમ રૂપાણીની સરકારમાં 1 કરોડ મીટર ગૌચર પર દબાણ વધીને 5 કરોડ થયું છે. જેમાં રૂપાણીના જિલ્લા રાજકોટમાં 2 કરોડ ચોરસ મીટર દબાણો થઈ ગયા છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો પાસે આ જમીન જતી રહી છે. તેની સીધી અસર ગામની વસતી પર પડે છે. ગામની વસતી ઓછી થાય છે. જેમાં કેટલાંક ગામો ખાલી થઈ જાય છે.

ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્ન બતાવાય છે. પણ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની 13 વર્ષની સરકારમાં અને વિજય રૂપાણીની સરકાર મળીને 18 વર્ષમાં 3 હજાર ગામોનું પતન થયું છે. 2 હજાર ગામો ખાલી થઈ ગયા છે. આમાં મોદીનો વિકાસ તો ક્યાંય દેખાતો નથી. રૂપાણીનું રૂપાળુ રાજ રાંક બની ગયું છે.

ખેતી ભાંગી રહી છે

ગુજરાત 1.20 કરોડ જમીનના ટૂકડા છે. 56 લાખ ખેડૂત કુટુંબો છે. 15 વર્ષમાં 17 લાખ ખેત મજૂરો વધી ગયા છે. 2001 પછી 5 લાખ ખેડૂતો ઘટી ગયા છે. જમીન વેચીને તેઓ મજૂરી કામ માટે જોતરાય છે. ગુજરાતમાં 2005-06માં 46.61 લાખ ખેડૂતો હતા તે 2010-11માં વધીને 48.85 લાખ થયા હતા. 2018માં વધીને 50 લાખ ને 2019માં 56 લાખ થયા હતાં. 2021માં 60 લાખ ખેડૂતો હશે. ભાઈ ભાગ કે કુટુંબ વિભાજનના કારણે જમીન નાની થઈ છે. જમીન નાના ટુકડામાં ફેરવાઈ રહી છે. તેથી ગરીબી વધી છે. વસતી પ્રમાણે વધારામાં ઘટાડો થતાં 4 લાખ ખેડૂતો ઘટી ગયા છે.

ખેડૂતો વધ્યા જમીન ઘટી

2001-02માં 1.06 કરોડ, 2005-06માં 1.02 કરોડ હેક્ટર, 2010-11માં 98.98 લાખ હેક્ટર, 2017-18માં 94 લાખ હેકટર અને 2025 સુધીમાં ઘટીને 86 લાખ હેકટર ખેતીની જમીન થવાની ધારણા છે. જમીન ઉદ્યોગ, બિનખેતી, નકામી બની છે અથવા પડતર બની છે. આમ 15 લાખ હેક્ટર ખેતીની જમીન ભાજપના લાંબા શાસનમાં ઘટી છે. ભાજપ સરકારે ખેતીની જમીન આંચકી લેવાનો કાયદો લાગુ પાડ્યો છે તેનાથી ખેતીની જમીન વધારે ઓછી થઈ રહી છે.

ઘટેલી જમીન પર જો કેળાની ખેતી કરવામાં આવી હોય તો માથા દીઠ ગુજરાતના તમામ લોકોને 3 કિલો કેળા રોજ આપી શકાયા હોત.

ખરાબ સ્થિતી

વિશ્વની 20 ટકા વસ્તી ધરાવતા ભારતમાં વિશ્વની કુલ ખેતીલાયક જમીનમાંથી ફક્ત 7 ટકા જમીન જ છે. દેશની સરખામણીએ ગુજરાતમાં 5 ટકા છે. 1970થી શહેરીકરણને પગલે દેશમાં ખેતીલાયક જમીન સતત ઘટી રહી છે. પરિવારદીઠ સરેરાશ જમીનની માલિકી 2015-16માં 1.1 હેક્ટર હતી. ત્રણ વર્ષ અગાઉ 1.6 હેક્ટર હતી. ભારતમાં ત્રીજા ભાગના ખેડૂતો પાસે એક હેક્ટર કરતાં પણ નાનાં ખેતર છે. 60 ટકા ખેડૂતો અડધો હેક્ટર કરતાં પણ નાનાં ખેતર ધરાવે છે. ફક્ત 13 ટકા પરિવારો પાસે બે હેક્ટર કરતાં વધુ જમીન છે.

સરકારને 10 હજાર કરોડની કમાણી

2010માં કચ્છની ખેતીની જમીન 8.02 લાખ હેક્ટર હતી, 2015-16માં ઘટીને 7.53 લાખ હેક્ટર સાથે  પાંચેક વર્ષમાં 50 હજાર હેક્ટર જેટલી ખેતીની જમીન ઘટી છે. પાછલા 5 વર્ષમાં રાજ્ય સરકારે ખેતીની જમીનને એનએ કરવા માટે લેવાતી ફી દ્વારા રુ.4,014 કરોડ જેટલું ભંડોળ એકઠું કર્યું હતું. 2001થી 2019 સુધી અને નવી વસતી ગણતરી 2021 સુધીમાં રૂ.10 હજાર કરોડની આવક સરકારને બીન ખેતીના પ્રિમિયમથી થઈ જશે.

રાજ્યમાં કેટલી ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે અને ખેતીવાડીની જમીન ઘટી રહી છે. ખેતીની જમીન બિનખેતી કરીને જમીન ગુમવનારા ખેડૂતોમાં પાંચ વર્ષમાં 44 હજાર અરજીઓ ખેતીની જમીનને બીન ખેતી કરવા અને 16,062 અરજીઓ નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા માટે અરજી કરવામાં આવી હતી. કચ્છ અને સુરત આસપાસ ઝડપથી જમીન ઘટી રહી છે. બીજા નંબર પર વડોદરા, આણંદ, અમદાવાદ, પાંચમાં નંબર પર ગાંધીનગર છે. દર વર્ષે 10 હજાર ખેડૂતોની જમીન બીન ખેતીમાં ફેરવાઈ રહી છે.