ગેંગસ્ટાર રવિ પૂજારીનો કબજો લેવા ગુજરાત પોલીસે સેનેગલ સરકારને પત્ર લખ્યો

અમદાવાદ,તા.24

ગુજરાતનાં રાજકારણીઓ અને બિલ્ડરોને ધમકી આપનાર અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને હવે ગુજરાતમાં લાવવા રાજ્ય સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે. ગુજરાતમાં રાજકીય પક્ષના નેતાઓ અને બિલ્ડરો સહિત 20 વ્યક્તિઓને ખંડણી માટે ધમકીભર્યા ફોન કરનાર અને આફ્રિકાની જેલમાં બંધ અંડરવર્લ્ડ ડૉન રવિ પૂજારીનો કબજો મેળવવા માટે ગુજરાત પોલીસે આફ્રિકાના સેનેગલ સરકાર સાથે પત્ર વ્યવહાર શરૂ કર્યો છે. આ પત્ર વ્યવહારના કારણે હવે ટૂંક સમયમાં તેને પ્રત્યાર્પણ મારફત અમદાવાદ લાવવામાં આવશે.

ખંડણી માટે ધમકી

અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીએ વિદેશથી ફોન કરીને ગુજરાતના ઉદ્યોગપતિ, ધારાસભ્યો સહિત 20 વ્યક્તિઓ પાસે કરોડો રૂપિયાની ખંડણી માંગી હતી. જેમાં ખાસ કરીને કોંગ્રેસનાં ધારાસભ્ય અમિત ચાવડા અને પુંજા વંશ, અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય જીતુ પટેલ અને વિમલ શાહ, અમિત ચૌધરી સહિત ગુજરાતના 20 જેટલા અગ્રણીઓને ધમકી આપી હતી. જેમાં અમદાવાદના જ 12 વ્યક્તિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમૂલ ડેરીના એમડીને પણ ફોન કરીને કરોડો રૂપિયાની ખંડણી માટે ધમકી આપવામાં આવી હતી. જેને લઇને ગુજરાતમાં રાજકારણીઓ સહિતના અગ્રણીઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ હતી.

ભારતમાં 60થી વધુ કેસમાં વોન્ટેડ

અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીની પશ્ચિમ આફ્રિકાથી ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા 15 વર્ષથી ફરાર અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને બેંગ્લોર પોલીસે પશ્ચિમ આફ્રિકાથી ઝડપી પાડ્યો હતો. રવિ પૂજારી પર ગુજરાતના પણ કેટલાંય ઉદ્યોગપતિઓ પાસે ખંડણી માગી હોવાનો આરોપ છે. રવિ પૂજારી ભારતમાં 60થી વધુ કેસમાં વોન્ટેડ છે. સેનેગલ પોલીસની મદદથી રવિ પૂજારીને ગત તા. 22 જાન્યુઆરીએ ઝડપી પાડવામાં આવ્યો હતો. વર્ષોથી પોલીસને થાપ આપીને નાસતા ફરતો રવિ પૂજારી પશ્ચિમ આફ્રિકામાં રેસ્ટોરન્ટ ચલાવતો હતો, જે અંગે ગુજરાત પોલીસની બાતમી આધારે ગત ફેબ્રુઆરી માસમાં આફ્રિકાના સેનેગલના ડકારમાંથી તેને ઝડપી લઈને સ્થાનિક જેલના હવાલે કર્યો હતો. રવિ પૂજારી પાસેથી એન્થોની ફર્નાન્ડીઝ નામનો શ્રીલંકન પાસપોર્ટ મળી આવ્યો હતો.

પ્રત્યાપર્ણથી અમદાવાદ લાવી શકાય છે

અત્રે ઉલ્લેખનીય છે કે, નડિયાદના એક કેસમાં ખેડા અને આણંદના રાજકારણીઓને  રવિ પૂજારીએ ફોન કરીને આ કેસમાં માથું નહીં મારવા અંગેની ધમકીઓ આપી હતી.પૂજારીનો કબજો મેળવવા માટે ગુજરાત પોલીસ દ્વારા સેનેગલ સરકાર સાથે પત્ર વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ પ્રક્રિયાને લઇને ટૂંક સમયમાં જ રવિ પૂજારીને અમદાવાદ લાવી શકે છે આને તેની સામે નોંધાયેલા તમામ ગુનાઓની તપાસ કરવામાં આવશે.