ગેહલોતે દારૂબંધીના નામે ગુજરાત સરકારને તમાચો મારતાં, બુટલેગરો ઉપર દરોડાનું ડિંડક

અમદાવાદ, તા.11

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં દારુબંધી હોવા છતાંય,રાજસ્થાન કરતા પણ વધારે દારુ પીવામાં આવતો હોવાનું નિવેદન કરતા ભાજપ સરકારમાં મુખ્યમંત્રીથી માંડીને ધારાસભ્યો રોષે ભરાયા છે અને અશોક ગેહલોતે સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે તેમ કહીને હવે રાજકારણ શરુ કર્યું છે. એ વાત સાચી કે અશોક ગેહલોતે ગુજરાતીઓ પર આરોપ મુક્યો અને રુપાણી સરકાર પર પ્રહાર કર્યો. પણ અશોક ગેહલોત સાવ ખોટા પણ નથી તે કડવી હકીકત સ્વીકારવી પડે. કારણ કે એ કડવુ સત્ય છે કે ગુજરાતમાં પ્રતિવર્ષ કરોડો રુપિયાનો દારુનો જથ્થો ઝડપાય છે અને છેલ્લાં બે વર્ષમા 245 કરોડનો દારુ ઝડપાયો છે ત્યારે ઝડપાય છે તેના કરતા ચાર ગણો જથ્થો બુટલેગરો દ્વારા વેચાણ કરવામાં આવે છે.

અમદાવાદની વાત કરીએ તો છારાનગર કુબેરનગર દેશી અને ઇગ્લીશ દારુના વેચાણના સૌથી વધારે અડ્ડા ચલાવતા વિસ્તારમાં આવે છે અને હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં સ્ટાફને છાશવારે દરોડા પાડે છે અને દેશી દારુ બનાવવાનો વોશ કે ભઠ્ઠી ઝડપી એકાદ- બે બુટલેગર મહિલાની ધરપકડ કરીને દાવો કરે છે હવે છારાનગરમાં દારુના ધંધા પર પોલીસની ઘોંસ વધતા અડ્ડા બંધ થયા છે. પણ હકીકત એ છે કે અત્યારે પણ છારાનગરમાં દેશી દારુ કરતા ઇગ્લીશ દારુનું વેચાણ થાય છે અને બુટલેગરો ડબલ રુપિયા લઇને દારુની બોટલોનું વેચાણ કરે છે. છારાનગરમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે હવે પોલીસની ઘોંસ વધવાની સાથે સ્થાનિક પોલીસના હપ્તા પણ વધી ગયા છે. પહેલા બે મેગા દરોડામાં પોલીસે મોટા પ્રમાણમાં ઇગ્લીશ દારુ પણ જપ્ત કર્યો હતો પણ બાદમા જેટલા દરોડા પડ્યા તેમા માત્ર દેશી દારુ બનાવવા માટેનો વોશ જ ઝડપાય છે.  કારણ કે હવે બુટલેગરોએ દારુનો જથ્થો અન્ય સ્થળે રાખવાનો શરુ કર્યો છે. આ માટે પણ પોલીસની મદદ મળી રહી છે. જેમાં હવે નિયમિત હપ્તા લેતા સ્થાનિક પોલીસના સ્ટાફથી માંડીને આઇપીએસના સ્ક્વોડના વહીવટદારોએ દરોડાને લીધે રોકડી બંધ થતા બુટલેગરોને છુટ આપી છે કે હવે દારુનો જથ્થો અન્ય સ્થળે ગોઠવો અને ગ્રાહકોને અહીયા લેવા આવવાના બદલે તેમને ડીલેવરી આપો. જેથી આ વિસ્તારમાં એવું લાગે કે હવે દારુના દૂષણને ડામવામાં પોલીસ સફળ રહી છે.

છારાનગરમાં છેલ્લાં 20 વર્ષથી દેશી અને ઇગ્લીશ દારુના વેપાર સાથે સંકળાયેલા એક બુટલેગરે કહ્યુ કે વર્ષો પહેલા સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ જ દારુનો ધંધો થતો હતો. જેમાં રાજસ્થાનથી જ્યારે દારુ લાવવામાં આવે ત્યારે પોલીસ જ એસ્કોર્ટ કરવામાં મદદ કરતી હતી . તેના બદલામાં નિયમિત રીતે હપ્તા પણ ચુકવતા હતા. હવે દારુબંધીના કાયદાને કારણે જુના સ્ટાફની બદલી થઇ ગઇ છે અને નવો સ્ટાફ આવ્યો છે જો કે હાલ પણ જુના સ્ટાફે નવા પોલીસ સ્ટાફને સાથે રાખીને રોકડી બંધ નથી કરી. હાલ ડીસીપી તરીકે નીરજ બડગુર્જર આવ્યા છે જેમની છાપ કડક ઓફીસર તરીકેની છે જેથી ઘણે અંશે હવે ધંધા પર અસર પડી છે. જેથી હવે થોડી મોડ્સ ઓપરેન્ડી બદલીને ગ્રાહકોને સાચવવાનું શરુ કર્યું છે જેમાં તેમને હવે છારાનગર સુધી નથી બોલાવતા પણ આસપાસના વિસ્તારમાં સાત થી આઠ જગ્યાએ થોડો થોડો દારુનો માલ રાખીને ત્યાંથી જ ડીલેવરી આપી દઇએ છીએ. તેની સામે બોટલ દીઠ હવે 400થી 700 વધારે લઇએ છીએ. કારણ કે આ વિસ્તારમાં પણ પોલીસની મદદ વિના ધંધો કરી શકાય તેમ નથી.  જો કે હાલ નીરજ બડગુર્જરનો ડર હોવાથી બુટલેગરો જોખમ લેવા માંગતા નથી અને અધિકારીઓ પણ બુટલેગરોને મદદ કરતા ડરે છે.

આ અંગે ડીસીપી ઝોન-4 નિરજ બડગુર્જર દાવો કરે છે મેગા દરોડા પછી દારુના અડ્ડાઓ બંધ થયા છે અને દરોડાના કાર્યવાહીમાં મોટાભાગે સરદારનગરના સ્થાનિક સ્ટાફને પણ જાણ નથી કરાતી જેથી દરેક રેડ સફળ રહી છે અને દારુના વેચાણને રોકવામાં મહત્વની સફળતા મળી છે.

અન્ય એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે બુટલેગરો સાથે સેટીંગ કરનાર પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે અને તેમના પર નજર પર રાખવામાં આવી રહી છે.  કે જેથી બુટલેગરો સાથેના કનેકશન બહાર લાવી શકાય.

છારાનગરના બુટલેગરના નવા ઠેકાણા

બુટલેગરો પહેલા ઇગ્લીશ દારુનો જથ્થો છારાનગર અને કુબેરનગરમાં જ રાખતા હતા. પણ હવે બુટલેગરોએ ઠેકાણા બદલ્યા છે જેમા કૃષ્ણનગર, નવા નરોડા, કઠવાડા, જેવા વિસ્તારમાં સ્ટોક કરવાનું શરુ કર્યું છે અને ત્યાંથી ઓર્ડર મુજબ દારુનો ધંધો કરે છે. થોડા મહિના પહેલા જ પોલીસે દરોડો પાડીને એક મકાનમા બનાવવામાં આવેલા ખાનગી ખાનામાંથી મોટાપ્રમાણમાં દારુનો જથ્થો જપ્ત કર્યો હતો જેનું કનેકશન કુબેરનગરના એક બુટલેગર સાથે નીકળ્યું હતું.  હવે બુટલેગરોએ તેમના નવા ઠેકાણા પર બુટલેગરો 30 થી 40 બોટલોનો જથ્થો રાખે છે. જેથી મોટા જથ્થો ઝડપાઇ નહી. સૌથી નવાઇની વાત એ છે કે મોટાભાગનો દારુનો જથ્થો પંજાબથી વાયા રાજસ્થાન થઇને આવે છે.

અમદાવાદના રીંગ રોડ વિસ્તારની આસપાસના વિસ્તારમાં બુટલેગરોના સ્વર્ગ

માત્ર છારાનગર કુબેરનગર જ નહી પણ અમદાવાદના વેજલપુર, વાસણા, વસ્ત્રાપુર, ગોતા, જગતપુર, નારોલ, લાંભા સહિતના વિસ્તારો બુટલેગરો માટે મહત્વના બન્યા છે. હવે બુટલેગરો દારુની ડીલેવરી ઓર્ડર મુજબ આપે છે. થોડા દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક્ટીવા પર પસાર થતા એક યુવકને રોકીને તપાસ કરતા તેની પાસેથી ત્રણ બોટલો મળી આવી હતી. સાણંદ અમદાવાદ હાઇવે પર આવેલા એક બંગલોમાં ડીલેવરી આપવા જઇ રહ્યો હોવાનો ખુલાસો થયો હતો.