ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓએ ગ્રાહક તરફથી માલની ગુણવત્તા કે ક્વોલિટી અંગે કોઈ ફરિયાદ મળે અને ગ્રાહક તેને માટેના ચૂકવેલા પૈસા પરત માગે તો 14 જ દિવસમાં તેમને તે નાણાં ફરજિયાત પરત કરી દેવાના રહેશે. આ પદ્ધતિએ નાણાં પરત ન ચૂકવારાઓ સામે કડકમાં કડક પગલાં લેવાની જોગવાઈ ઇ-કોમર્સ ગાઈડલાઈનમાં સમાવવામાં આવી છે. ઓનલાઈન વેચાણ માટે કાયદાકીય જોગવાઈ કરવાની સાથે તેના નિયમો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઓનલાઈન વેચાણ કરનારી કંપનીઓ માટે હવેથી તેમને માલનો સપ્લાય કરનારી કંપનીઓની વિગતો ઓનલાઈન મૂકવાનું ફરજિયાત બનાવવામાં આવશે. તેમ જ ઓનલાઈન ગ્રાહકને વેચવામાં આવેલા માલ અંગે ફરિયાદ કરવી હોય તો તે કેવી રીતે અને કોને કરવી તે અંગેની તમામ વિગતો તેમણે તેમની વેબસાઈટ કે વેબપોર્ટલ પર ડિસ્પ્લે કરવી પડશે.
સરકાર દ્વારા ઇ-કોમર્સ માટે બહાર પાડવામાં આવનારી ગાઈડલાઈન્સનું પાલન પોતે નિષ્ઠાથી કરી રહ્યા હોવાનું સેલ્ફ ડિક્લેરેશન ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમ આગામી ડિસેમ્બર મહિનાથી દેશભરમાં અમલમાં આવી જશે. ગ્રાહકોને લગતી બાબતોના ખાતા દ્વારા આ ગાઈડલાઈન્સનો મુસદ્દો જાહેર કરી દેવામાં આવ્યો છે. પંદરમી સપ્ટેમ્બર સુધીમાં આ ગાઈડલાઈન્સના મુસદ્દા અંગે જાહેર જનતા તેમનો મત અભિવ્યક્ત કરી શકશે.
ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ઈ-કોમર્સની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું સરકાર ફરજિયાત બનાવશે. તેમને હવે રિટેઈલર્સને બદલે ઇ-ટેઈલર્સ તરીકે ઓળખાવવામાં આવશે. દેશના દરેક સંસદ સભ્યએ પણ આ ગાઈડલાઈન્સ તૈયાર કરીને કાયદામાં તેનો સમાવેશ કરવાનો આગ્રહ રાખ્યો જ છે.
આ સાથે જ ગ્રાહકની અંગત ઓળખને લગતા ડેટા ઓનલાઈન વેચાણ કરતી કંપનીમાં સુરક્ષિત રહે તે માટે પણ પગલાં લેવાનું ઈ-કોમર્સ માટેની ગાઈડલાઈન્સમાં સૂચવવામાં આવ્યું છે. સંભવતઃ તેમાં ઓનલાઈન વેચાણકર્તાઓ અને રિટેઈલર્સ વચ્ચેની ખોટી સ્પર્ધા ન થાય તેવી જોગવાઈ પણ દાખલ કરવામાં આવી રહી હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે. તેનાથી અમદાવાદના રિટેઈલ ટ્રેડર્સનો ઉત્સાહ વધ્યો છે. કંપનીઓએ હોલસેલર્સ અને રિટેઈલર્સને હાનિ પહોંચે તે રીતે મોલને સીધો સપ્લાય કરવા માંડતા રિટેઈલર્સ, હોલસેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ સ્પર્ધામાંથી ખસી જાય અને તેમના ધંધા પાણી સાવ જ તૂટી જાય તેવી નીતિ અપનાવી હોવાનું હોલસેલર્સ-ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિયેશનના હોદ્દેદાર અરુણ પરીખનું કહેવું છે. આ અંગે તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે, પરંતુ તેમના તરફથી સાત દિવસ થયા છતાં પ્રતિભાવ ન મળ્યો હોવાથી આગામી સાતથી દસ દિવસમાં આ પ્રશ્ન સીધો પ્રાઈમિનિસ્ટરની ઓફિસ સુધી લઈ જવાનું તેઓ આયોજન કરી રહ્યા છે. દેશના પશ્ચિમ ઝોનના દરેક રાજ્ય એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતના સમગ્ર વેપારીઓ આ મુદ્દે લડત કરવાની તૈયારી કરી રહ્યા છે, કારણ કે તેનાથી તેઓ તેમની રોજી રોટી ગુમાવી રહ્યા છે. તેમના અસ્તિત્વ માટેની આ લડાઈ બની ગઈ છે. અત્યારે હોલસેલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેઈલર્સને કંપનીઓ મોલ માલિકોને ડાયરેક્ટ સપ્લાય કરવા માંડી હોવાથી લેવલ પ્લેયિંગ ફિલ્ડ નથી મળતું. તેથી તેમનો વિરોધ વધી ગયો છે.
ભારતમાં દર ત્રણ સેકન્ડે એક ઇન્ટરનેટ વપરાશકાર વધી રહ્યો છે. સ્માર્ટ ફોનને કારણે ગામડાંઓના વિસ્તારોમાં પણ ઓનલાઈન ટ્રેડ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ઓનલાઈન ટ્રેડ 2028ની સાલ સુધીમાં 230 અબજ ડોલરનો થઈ જવાનો અંદાજ છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન એજન્સીની પણ રચના કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગ્રાહક સુરક્ષા માટેના કાયદામાં કરવામાં આવી રહેલા સુધારામાં તેનો સમાવેશ કરી લેવામાં આવશે. તેમાં જ ઇ-કોમર્સની કંપની સામે કાયદેસર પગલાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાહક સુરક્ષા અદાલતોને પણ આ કાયદા હેઠળ વિશેષ સત્તા આપવામાં આવશે. ગેરમાર્ગે દોરતી જાહેરાત આપનારાઓ સામે પણ પગલાં લેવાશે. તેમ જ ભેળસેળ કરનારાઓ પણ છટકી શકશે નહિ.
સમગ્ર ભારતના કેમિસ્ટોનું એક પ્રતિનિધિ મંડળ ગઈકાલે આ મુદ્દે રજૂઆત કરવા દિલ્હી ગયું હતું. આ બેઠકમાં પણ તેમને ઓનલાઈન ટ્રેડિંગ સામે તેમને પ્રોટેક્શન આપવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.