5 DECEMBER 2014
સોંદરડા ગામના પ્રગતિશીલ ખેડૂત અને સંશોધક ૭૬ વર્ષની જૈફ વયે આજે પણ સંશોધન કરી રહ્યાં છે : ઝીણવટભર્યાં અવલોકનો કરી છોડને જુદા તારવી તેની નોંધ રાખી હતી : મુલાકાત લેવા જેવા સંશોધક : ઘઉંના સંશોધકે દેશને ઘઉંની લોક-૧ અને રાજ્યને બીડબલ્યુ ૩૨૧, બીડબ્લ્યુ ૫૨૪ અને બીડબ્લ્યુ ૫૫૬ જાત પૂરી પાડી ધાન્યપાકોનું ઉત્પાદન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
દે શનાં ૮ રાજ્યો અને દુનિયાના વિવિધ દેશોમાં ઘઉંની લોક-૧ જાતે ડંકો વગાડયો છે. આજે લોક-૧ જાત ઘઉંના ખેડૂતોમાં વાવણી માટે બિલકુલ અતિ ઉત્તમ જાત છે. દેશને ઘઉંની લોક-૧ જાત અને રાજ્યને બીડબલ્યુ ૩૨૧, બીડબ્લ્યુ ૫૨૪ અને બીડબ્લ્યુ ૫૫૬ જાત પૂરી પાડનારા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ગામના અંબાવીભાઈ જેરામભાઈ ભલાણીએ ઘઉંની આ જાતો શોધવામાં જીવન ઘસી નાખ્યું છે અને ૭૬ વર્ષની જૈફ વયે પણ સંશોધન કરી રહ્યાં છે. લોક-૧ ઘઉંની જાતના સંશોધન અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મૂળ પાલિતાણાના ડો. ઝવેરભાઈ પટેલ અમેરિકા જઈ પ્લાન્ટ બ્રીડિંગમાં પી.એચડી. કરીને આવ્યા હતા અને તેઓએ લોકભારતી સંસ્થામાં વર્ષ ૧૯૬૭માં ઘઉં પર સંશોધનનું કામ શરૃ કર્યું હતું. તેમાં હું મદદનીશ તરીકે જોડાયો હતો. ઝવેરભાઈ પાલિતાણા રહેતા હતા એટલે તેઓ સવારે આવે અને અમે બંને ઘઉંનાં નિરીક્ષણો કરતા હતા.
વાવણી અને કાપણી વિવિધ સંશોધનોમાં મને રસ પડવા લાગ્યો હતો. ઘઉંના ઉગાવા, ફૂટ, પાનના રંગ, આકાર, છોડની વર્તણૂકમાં વિવિધતા, વહેલી-મોડી પાકતી ડૂંડી, લાંબી-ટૂંકી, પહોળી-સાંકડી પૂતળીમાં વધુ-ઓછા દાણા આ બધાનું હું ઝીણવટથી નિરીક્ષણ કરતો હતો. ફેબ્રુઆરી ૧૯૬૮માં એક દિવસ હું અને ઝવેરદાદા વાવેતર કરેલા ક્યારાની લાઈનો જોતાં હતા ત્યારે તેઓ ઊભા રહી ગયા હતા અને મને પૂછયું હતું કે, આ બે લાઈનમાં શો તફાવત છે?’ બંને લાઈનમાં છોડની ઊંચાઈ, ડૂંડીનો આકાર, રંગ, દેખાવ બધુ સરખું લાગે. મેં બારીકાઈથી જોઈને જવાબ આપ્યો હતો કે દાદા આ લાઈનની ડૂંડીની પૂતળીમાં આપણા માથાના વાળ કરતાંય પાતળી રુવાંટી છે. જ્યારે બીજી લાઈનની ડૂંડીમાં નથી. ઝવેરદાદાએ મને શાબાશી આપી અને કહ્યુંં કે હવે તું સાચો સંશોધક છે. ત્યારબાદ તેઓ ઘઉંના છોડમાં રહેલા જીવન અને તેની શૈલીની જાણકારી, વૈજ્ઞાાનિક તથ્યોનું જ્ઞાાન મને આપવા લાગ્યા. સવારના આઠથી સાંજના ચાર વાગ્યા સુધી ઘઉં સિવાય કોઈ વાત કરીએ નહીં. ઘઉંમાં સંકરણનું કામ મેં શીખી લીધું હતું.
ત્યારબાદ વર્ષ ૧૯૬૯માં જૂનાગઢ સંશોધન કેન્દ્રમાંથી ઘઉંની કેટલીક મેક્સિકન જાતો અમારી પાસે આવી હતી. તેમાં એસ-૩૦૮ અને એસ-૨૨૭નો સમાવેશ હતો. તે બધી જાતો વાવવામાં આવી. તેમાંથી એસ-૩૦૮ની લાઈનમાં ફૂટ નીકળવાની પૂરી થયા પછી એક છોડમાં સળી, પાન, રંગ, આકાર અને વિકાસ અન્ય કરતાં જુદો લાગ્યો. તે છોડના બધાં જ બી બીજા વર્ષે વાવ્યાં. તે દરેક છોડનો મેં અભ્યાસ કર્યો. ઝવેરદાદાએ તેમાંથી સારા છોડ પસંદ કરવા જણાવ્યું હતું. મેં ૧૦૫૦ છોડમાંથી મને ગમતા ૨૫૦ છોડમાં ટેગ લગાવ્યા અને ઝવેરદાદાએ તેમાંથી ૧૦૦ છોડ પસંદ કર્યા અને મેં ૧૫૦ છોડ રાખ્યા. દાદાએ મને અલગ ચોપડો તૈયાર કરી નોંધ કરવા સૂચવ્યું અને અમે બંને અમારી રીતે કામ કરવા લાગ્યા. ઘઉં સંશોધનમાં નવી જાતો તૈયાર કરવામાં સંકરણ કરવામાં આવતું, પરંતુ એસ-૩૦૮માંથી જે વિશિષ્ટ છોડ પસંદ કરવામાં આવેલો તેનું સંશોધન પસંદગી પદ્ધતિથી આગળ વધ્યું હતું. આખરે અંબાવીભાઇએ સફળતા મેળવી હતી.
દિવસના ૧૦થી ૧૨ કલાક સંશોધન કાર્યમાં પસાર કરે છે
અંબાવીભાઈ ભલાણીએ જણાવ્યું હતું કે, ૧૧ વર્ષ સુધી લોક-૧ પર સંશોધન કરાયા બાદ સત્તાવાર રીતે ગુજરાત સરકારે ૧૯૭૯માં લોક-૧ને રિલીઝ કરી હતી જ્યારે કેન્દ્ર સરકારે વર્ષ ૧૯૮૨માં લોક-૧ને સત્તાવાર રિલીઝ કરી હતી. હાલ આ લોક-૧ ઘઉંની ૮ રાજ્યમાં વાવણી થાય છે. જ્યાં જ્યાં લોક-૧ની વાવણી થાય છે ત્યાં વર્ષ ૨૦૧૨માં રિલીઝ થયેલી બીડબ્લ્યુ ૩૨૧, બીડબ્લ્યુ ૫૨૪ અને બીડબ્લ્યુ ૫૫૬ પણ અનુકૂળ આવી રહી છે. આ બીડબ્લ્યુ જાતોના સંશોધન પાછળ પણ રસપ્રદ કિસ્સો રહેલો છે. અંબાવીભાઈએ જણાવ્યું હતું કે, અમે વર્ષ ૧૯૯૭માં કર્નાલમાં મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્રમાં બધા વૈજ્ઞાાનિકોનું સંમેલન યોજાયું હતું, ત્યારે મેક્સિકોના ઘઉં સંશોધન કેન્દ્રના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે હવે સંકર જાતોનું કોઈ પરિણામ નથી મળી રહ્યું અને વધુ ઉત્પાદન પણ નથી મળી રહ્યું એટલે આ આખી વાતને કુદરતી રીતે તૈયાર કરવાનો મેં વિચાર કર્યો હતો અને સંશોધન શરૃ કર્યાં હતાં અને લોકો સમક્ષ બીડબ્લ્યુની ત્રણ જાત રજૂ કરી હતી. અંબાવીભાઈ આજે ૭૬ વર્ષની ઉંમરે પણ દિવસના ૧૦થી ૧૨ કલાક સંશોધન કાર્યમાં પસાર કરે છે તેમનો ઉદ્દેશ્ય વધારે ઉત્પાદન આપતી જાતો ખેડૂતોને સર્મિપત કરી દેશને કૃષિક્ષેત્રે મદદરૃપ થવાનો રહ્યો છે.
વર્ષ ૧૯૭૯માં લોક-૧ના નામે ઘઉંની જાત રિલીઝ થઈ
વર્ષ ૧૯૬૯માં જે ૧૫૦ છોડનાં બી ના પ્રયોગોને આગળ લઈ ગયો હતો તેમાંથી ૧૯૭૪માં જે જાત તૈયાર થઈ તેને મેં હાઈબ્રીડ-૧૬ નામ આપ્યું હતું. આ સિવાયની તૈયાર થયેલી જાતો તથા દાદાએ જે ૧૦૦ છોડ પસંદ કરેલા તેમાંથી તૈયાર થયેલી ૩થી ૪ જાતો એમ કુલ ૮ જાતો જૂનાગઢ સંશોધન કેન્દ્રમાં ચકાસણી કરવા માટે મોકલી હતી. અહીં જુદાં જુદાં સંશોધન કેન્દ્રમાં ચકાસણી કરવામાં આવી હતી અને જૂનાગઢ કેન્દ્રમાં હાઈબ્રીડ-૧૬ કલ્ચરની પસંદગી થઈ હતી. વર્ષ ૧૯૭૪થી ૧૯૭૮ સુધી સેન્ટ્રલ ઝોનમાં તેના ટ્રાયલ થયાં અને વર્ષ ૧૯૭૯માં લોક-૧ના નામે રિલીઝ થઈ હતી. – કરણ રાજપુત