ઘરમાં ઉંઘતી બે મહિલાઓને ગળે ચપ્પુ મૂકી ૧.૧૬ લાખ રૂપિયાની લૂંટ કરી

ભિલોડા, તા.૨૭

અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિથરેહાલ હોય તેવું પ્રજાજનો અહેસાસ અનુભવી રહ્યા છે. જીલ્લામાં તસ્કર ટોળકી અને ઘરફોડિયા ગેંગે પડાવ નાખ્યો હોય તેમ સતત લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. જીલ્લામાં ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ભિલોડા શહેરમાં આવેલી સંસ્કાર સોસાયટીમાં બંધ મકાનમાં પ્રવેશી ઉંઘી રહેલી બે મહિલાઓના ગળે ચપ્પુ રાખી ૧.૧૬ લાખ રૂપિયાના મુદ્દામાલની લૂંટ કરી રફુચક્કર થઇ જતા ભારે ચકચાર મચી હતી. ભિલોડા પોલીસે રાબેતા મુજબ કાર્યવાહી હાથધરી હતી.

ગુરુવારે રાત્રીના સુમારે, ભિલોડા શહેરની સંસ્કાર સોસાયટીમાં રહેતી બે મહિલાઓ તેમના ઘરના લોખંડના દરવાજાને સ્ટોપર મારી સુઈ ગઈ હતી. મોડીરાત્રે ચાર તસ્કરોએ દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશી આશાકુમારી અને ગીતાબેનના ગળાના ભાગે ચપ્પુ રાખી ચુપચાપ ઉભા રહેવા જણાવી ઘરમાં લોખંડની પેટી અને ડબ્બામાં મુકેલા રોકડા રૂપિયા ૫૦ હજાર અને સોનાચાંદીના દાગીના મહિલાઓના બે મોબાઈલ મળી કુલ રૂ.૧૧૬૦૦૦/-ની લૂંટ ચલાવી ૪ અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. તસ્કરોની ધમકીથી હેબતાઈ ગયેલી મહિલાઓએ ભિલોડા પોલીસને જાણ કરતા ભિલોડા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી બંને મહિલાઓને હિંમત આપી હતી. ભિલોડા પોલીસે આશાકુમારી રાધેશ્યામ શર્માની ફરિયાદના અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ભિલોડા પોલીસે ભોગ બનનાર મહિલાને લૂંટ અંગે કોઈ ને પણ માહિતી ન આપવા તાકીદ કરી

ભિલોડા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાગી હોય તેમ સતત લૂંટની ઘટનાઓ બની રહી છે. લૂંટનો ભોગ બનેલી આશાબેન શર્મા નામની યુવતીએ તેમના ઘરે ત્રાટકેલા તસ્કરો વિષે કોઈ પણ પ્રકારની માહિતી પત્રકાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને આપવાની ન પાડી હોવાનું જણાવ્યું હતું. ભિલોડા પોલીસે ફરિયાદી યુવતીને ચોરીની માહિતી છુપાવવા કેમ કહ્યું …?  તે અંગે તરેહ-તરેહ ની ચર્ચાએ જોર પકડ્યું છે.