અમદાવાદના સવિતાબેન કોલસાવાળા વર્ષો અગાઉ ગુજરાન ચલાવવા ઘેર ઘેર કોલસા વેચતાં હતા. આજે તેઓ સંઘર્ષ કરીને અબજોપતિ મહિલા બની ગયા છે. સિરામિકની દુનિયામાં તેમની કંપનીનું નામ ઘણું વધુ આગળ પડતું છે.
સવિતાબેન કોલસાવાળા અમદાવાદની એક ગરીબ ચાલીમાં રહેતાં હતા. તેમનાં પતિ એક બસ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કંડકટર હતા. પરંતુ એટલી આવક પુરતી નહોતી કે ઘરનું ગુજરાન ચાલે. પરિવારની આર્થિક સ્થિતિ જોઇને સવિતાબેને પણ કંઇક કામ કરવાનું નક્કી કર્યું હતુ.
તેઓ ભણ્યાં નહોતા તેથી તેમને નોકરી મળી નહોતી. સવિતાબેનનાં માતાપિતા કોલસો વેચવાનું કામ કરતાં હતા. તેથી સવિતાબેને પિતાનો ધંધો અપનાવીલીલી ધો હતો. પૈસા ન હોવાને કારણે તેમને તકલીફોનો સામનો કરવો પડ્યો પણ તેનો ઉકેલ તેઓ શોધી લાવ્યા. તેઓ અમદાવાદની મિલોમાંથી સળગેલો કોલસો લાવીને થેલામાં ભરીને ઘેર ઘેર વેચવા લાગ્યા. આમ તેમનાં કામની શરૂઆત થઇ. પછી થોડી કમાણી થતાં કોલસાની નાની એવી દુકાન શરુ કરી દીધી. થોડા સમય બાદ તેમને નાના કારખાનાઓનાં ઓર્ડર મળવાના પણ શરુ થઇ ગયા હતા. આ કામ ચાલતું હતું ત્યારે એક કારખાનાવાળાએ તેમને જથ્થાબંધ કોલસાનો ઓર્ડર આપ્યો. આ બાદ તેમને વધુ ઓર્ડર મળવાના શરુ થતાં હતાં. પછી તેમણે સિરામિકની ભઠ્ઠી શરુ કરી દીધી. સારી ક્વોલિટીનો સિરામિક બનાવવાને કારણે તેનું વેચાણ વધ્યું હતું. સીરામીકની નામના બધે ફેલાઈ ગઈ.
આ બાદ તેમણે મોટું કારખાનું નાખવાનું વિચાર્યું અને ૧૯૮૯ માં પ્રીમિયર સિરામિક્સનું નિર્માણ શરુ કર્યું. તેમાં કપ અને પ્લેટ બનતા હતા. આ કારખાનું ખુબ ચાલ્યું અને પાંચ લાખ કપ – રકાબી અમદાવાદમાં વેચાઈ જતા હતા. ત્યાર સુધીમાં તેમણે અમદાવાદ – મહેસાણા હાઈવે પર એક જમીન ખરીદી લીધેલી. ત્યાં સ્ટર્લીંગ લિમિટેડ નામની સિરામિક ફેક્ટરી શરુ કરી. આ કંપની સિરામિક ટાઈલ્સ બનાવે છે તેમજ દેશ વિદેશમાં તેના ઘણા બધા ખરીદદારો છે.
આમ સવિતાબેન સંઘર્ષ અને ગરીબીમાંથી આગળ આવ્યાં છે. વર્ષો અગાઉ ઘેર ઘેર જઈને કોલસા વેચવાનો સખ્ખત પરિશ્રમ કર્યો છે. હાલ તેમની ગણના મોટા ઉદ્યોગપતિઓમાં થાય છે. તેમની પાસે હવે આલીશાન બંગલો અને ઓડી, મર્સિડીઝ, પજેરો જેવી લકઝરી કાર છે.