ચાઈનીઝ ફટાકડા ફોડતા અને વેંચતા પહેલા સાવધાન થઈ જજો

અમદાવાદ,તા.24

દિવાળીની ઘરાકી માર્કેટમાં હવે જોવા મળી રહી છે, તેમાં પણ બાળકોને પ્રિય એવા ફટાકડાની મોટાપાયે ખરીદી થઈ રહી છે. પરંતુ જો બાળકોને આપ ચાઈનીઝ ફટાકડા ખરીદી આપો છો તો સાવધાન થઈ જજો. કેન્દ્ર સરકાર દ્વારા ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના પગલે આવા ફટાકડા ફોડવા પર આપને સજા પણ થઈ શકે છે.

કસ્ટમ્સ પ્રિન્સિપલ કમિશનર દ્વારા આ અંગે એક નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ચાઈનીઝ ફટાકડાની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઈ વેપારી ચાઈનીઝ ફટાકડા વેચે છે, કે રાખે છે તો તેના પર કસ્ટમ્સ એક્ટ 1968 મુજબ કેસ નોંધી સજા કરવામાં આવશે.

અમદાવાદના ફટાકડા બજાર પર નજર

અમદાવાદના સૌથી મોટા ગણાતા ફટાકડા બજાર દિલ્હી દરવાજા, રાયપુર દરવાજા પર આ અંગે વેપારીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેથી વેપારીઓ દ્વારા આ વખતે લગભગ સંપૂર્ણપણે ચાઈનીઝ ફટાકડાનો વેપાર બંધ કરી દેવામાં આવ્યો છે. ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ મુકાયો છે તેવા સંજોગોમાં લોકોને પણ ફટાકડાની ખરીદી સમયે લેબલિંગ વિગતો જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી સરકારી કાયદાનું ઉલ્લંઘન ન થાય અને સલામતીનું પણ ધ્યાન રાખી શકાય.

ઉલ્લેખનીય છે કે વિશ્વમાં સૌથી વધુ ફટાકડાનું ઉત્પાદન ચીનમાં થાય છે, ત્યારબાદ ઉત્પાદન કરતા દેશોમાં ભારતનો નંબર આવે છે. જો કે સૌથી વધુ ફટાકડાનું ઉત્પાદન કરતા ચીનના ફટાકડા સ્વાસ્થ્ય અને સલામતી બંને દૃષ્ટિએ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવા ચાઈનીઝ ફટાકડા સરકારના સંશોધન નિયમો-2008નો ભંગ કરે છે. આવા ફટાકડામાં સીસું, તાંબું, ઑક્સાઈડ અને લિથિયમ જેવા પ્રતિબંધિત રસાયણોનો ઉપયોગ થતો હોવાથી લોકોને સ્વાસ્થ્યલક્ષી સમસ્યા સર્જાઈ શકે છે, ઉપરાંત આવા ઘટકો ગમે ત્યારે વિસ્ફોટ થવાનો પણ ડર રહે છે. આ રસાયણો માણસો માટે તો જોખમી છે જ, સાથોસાથ પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે.

સરકારે ગ્રીનક્રેકર્સ જાહેર કર્યા

આવા સંજોગોમાં લોકોએ ફટાકડાની ખરીદી સમયે સરકારમાન્ય ક્રેકર્સ મેન્યુફેક્ચરર્સ કંપનીના જ ફટાકડા ખરીદવા જોઈએ, જેથી કોઈ જાતનું સંકટ ઊભું ન થાય. આ ઉપરાંત આ વર્ષે સરકાર દ્વારા કેટલાક ફટાકડાને ગ્રીન ક્રેકર્સ જાહેર કરવામાં આવ્યા છે, તેનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ ગણી શકાય છે. આવા ગ્રીન ક્રેકર્સની યાદીમાં દાડમ, ચકરી, તારામંડળ અને સુતરાઉ બોમ્બ સામેલ છે.

સરકારના જણાવ્યા પ્રમાણે આવા ફટાકડાથી 30 ટકા ઓછું પ્રદૂષણ થશે.

આ અંગે સાયન્સ અને ટેકનોલોજી પ્રધાન ડો.હર્ષવર્ધન કહે છે કે, આ વખતે પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર દ્વારા ગ્રીન ક્રેકર્સ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડો. હર્ષવર્ધને લોકોને આ પ્રકારના ફટાકડાનો ઉપયોગ જ વધારે કરવા અનુરોધ કર્યો છે.