અમદાવાદ શહેર અને ગાંધીનગર ઉપરાંત ગીરસોમનાથ તથા તાપી મળીને ચાર જિલ્લાઓના પોલીસ પરિવારો માટે સરકારે કુલ રૂ.૭૯.૬૩ કરોડના ખર્ચે ૭૯૭ રહેણાંક મકાન તૈયાર કર્યા છે. વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબ આપતા ગૃહ વિભાગ દ્રારા જણાવાયું હતું.
વિધાનસભા ગૃહમાં આજે અસારવા ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર, દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, મહુવા ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા અને પોરબંદર ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
૩૧ ડીસેમ્બર ૨૦૧૮ ની સ્થિતિએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માં અમદાવાદ શહેરમાં, ગાંધીનગર, તાપી અને ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ વિભાગ માટે કુલ કેટલા રહેણાંકના મકાનો પૂર્ણ કરવામાં આવ્યા અને તે માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો તે અંગે ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં જણાવાયું છે કે અમદાવાદ શહેરમાં કુલ રૂ.૫૫૨.૧૫ લાખના ખર્ચે ૪૮ મકાનો, ગાંધીનગર જિલ્લામાં કુલ રૂ.૪૨૪૪.૪૫ લાખના ખર્ચે ૪૯૫ મકાનો, તાપી જિલ્લામાં કુલ રૂ.૨૬૨૭.૧૭ લાખના ખર્ચે ૨૦૦ મકાનો જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં કુલ રૂ.૫૩૯.૯૨ લાખના ખર્ચે ૫૪ મકાનો પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને યોગ્ય સવલત મળી રહે તે માટે તૈયાર કરવામાં આવ્યા છે. આમ ચાર જિલ્લામાં કુલ રૂ.૭૯૬૩.૬૯ લાખના ખર્ચે ૭૯૭ મકાનો તૈયાર કરવામાં આવ્યા છે.