ચૂંટણીથી રૂપાણી સરકાર ભયભીત, નવી જંત્રીના દરો સ્થગિત રાખ્યા

જો નવા દરો લાગુ કરવામાં આવે તો જમીન અને મકાનના ભાવ ભડકે બળે તેમ છે, સ્થાનિક ચૂંટણીઓ જીતવા માટે અત્યારે દરો લાગુ નહીં થાય

ગાંધીનગર

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી ગુજરાત સરકાર જંત્રીના દરોમાં ધરખમ વધારો કરવા જઇ રહી હતી પરંતુ પાર્ટીના સિનિયર નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હારનો ડર બતાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલ તુરત જંત્રીના નવા દરોને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. જો નવા દરો લાગુ કરવામાં આવ્યા હોત તો રાજ્યમાં ટ્રાફિક નિયમન માટે દાખલ કરાયેલા દર જેવો મોટો વિવાદ ઉભો થઇ શકે તેમ હતો.

જો અત્યારે જંત્રીના દર વધે તો ભાજપ માટે નેગેટીવ સ્થિતી

રાજ્ય સરકાર જો અત્યારે જંત્રીના દર વધારે તો ભાજપ માટે નેગેટીવ સ્થિતિ ઉત્પન્ન થાય તેમ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જંત્રીના દર રિવાઇઝ કરવાની સૂચના આપી છે પરંતુ તેઓએ જાહેર કરવા સામે પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ સહિત સબંધિત વિભાગોના કર્મચારીઓએ 2011ની જંત્રીના દરોમાં 20 થી 40 ટકા સુધીનો વધારો સૂચવ્યો છે. જો કે આ દરો માટે બનાવવામાં આવેલો ડ્રાફ્ટ હાલ પુરતો જાહેર કરવામાં આવ્યો નથી. રાજ્યના મહેસૂલ વિભાગના મંત્રી કૌશિક પટેલે કહ્યું હતું કે હાલ જંત્રીના દરોમાં વધારો કરવાની કોઇ વિચારણા કરવામાં આવી નથી.

નવી પોલીસીમાં બજારભાવ ધ્યાને લેવાયા

રાજ્ય સરકારે સરકારી જમીનના મૂલ્યાંકન માટે મે 2018માં એક પોલિસી બનાવી હતી અને તેનો અમલ શરૂ કર્યો ત્યારે સરકારને ધ્યાનમાં આવ્યું કે સરકારી જમીનના દરો ખૂબ ઓછા થયા છે તેથી તે પોલિસીને રદ કરી નવી પોલિસી બનાવી છે. આ પોલિસીમાં જંત્રીના દરો નહીં પણ બજારભાવ ધ્યાને લેવામાં આવ્યા છે તેથી નવા પોલિસીમાં મૂલ્યાંકનના દરોમાં ધરખમ વધારો થયો છે.

આવાસના ભાવમાં વધારો

મહેસૂલ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે સરકારે બનાવેલી જંત્રીના દર અને બજાર કિંમત વચ્ચે જમીન આસમાનનું અંતર છે તેથી જંત્રીના વર્તમાન દરો રિવાઇઝ કરવાની આવશ્યકતા છે. જો સરકાર જંત્રીના દરો વધારશે તો જમીન અને મિલકતોના ભાવ આસમાને જઇ શકે છે. રાજ્યમાં સામાન્ય વ્યક્તિ કે પરિવાર રહેવા માટેનું મકાન કે ફ્લેટ ખરીદી શકે નહીં. એક ઉદાહરણ જોઇએ તો ગાંધીનગરમાં 90 મીટરનું કર્મચારીનું આવાસ અત્યારે 50 થી 60 લાખમાં વેચાય છે પરંતુ જંત્રીના નવા દર જો લાગુ કરવામાં આવે તો આ આવાસની ઓફિસિયલ કિંમત 70 થી 80 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. સરકારે જમીન મૂલ્યાંકનમાં નવી નીતિનો અમલ શરૂ કર્યો છે પરંતુ તેમાં અરજદારને બજારભાવ કરતાં ઓછા ભાવે જમીન મળશે પરંતુ તે જંત્રીના દરો કરતાં ઘણી વધારે હશે. મહેસૂલ મંત્રીએ તેમના અધિકારીઓને કહ્યું છે કે જંત્રીના દરો હમણાં વધારવા નહીં, કેમ કે રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે.

2008 અને 2011માં જંત્રીના દરોમાં સુધારો કરાયો હતો

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ 2020માં આવી રહી છે. રાજ્યમાં છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને મળેલી પછડાટ પછી મુખ્યમંત્રી વિજય રૂપાણી જંત્રીના નવા દરો વધારી શકે તેવી કોઇ શક્યતા નથી, કેમ કે જો દરો વધારવામાં આવે તો ભાજપ સ્થાનિક ચૂંટણીઓમાં સાફ થઇ જાય તેમ છે. મહેસૂલના અધિકારીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે 2008માં જંત્રીના દરો સુધાર્યા હતા, ત્યારપછી 2011માં તેમાં વધુ સુધારો કરવામાં આવ્યો હતો. 2019માં આ દરોમાં વધુ એક વખત સુધારો કરવાનો થતો હતો પરંતુ હાલ આ દરવધારો સ્થગિત કરવામાં આવ્યો છે