ચેકપોસ્ટ દૂર કરવાના નિર્ણયને લઇને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ચેકપોસ્ટ નહીં હટાવવા જણાવ્યું છે. ચેકપોસ્ટ હટાવી લેવામાં આવશે તો તેમને સરકાર સામે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
ગેનબેન ઠાકોરે તેમના પત્રના જણાવ્યું છે કે, ‘જય ભારત સાથે જણાવવાનું કે, આપની પાસેથી અમારી માંગણી છે કે, અમારો જિલ્લો બનાસકાંઠા રાજસ્થાન અને પાકિસ્તાનને અડીને આવેલો જિલ્લો છે. રાજસ્થાનમાં દારુની છૂટ હોવાથી ગુજરાતમાં બનાસકાંઠાની ચેકપોસ્ટ ક્રોસ કરીને દારુ માફિયા મોટા પ્રમાણમાં દારુ લાવે છે, પરિણામે ગુજરાતનું યુવા ધન દારુ પીને બરબાદ થાય છે. ગાંધીજીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ રેલમછેલ જોવા મળી રહી છે.
ગુજરાત પોલીસને ચેકપોસ્ટ પરથી હટાવીને દારુ માફિયાઓને મોકળુ મેદાન આપ્યું છે. પોલીસ હતી તો પણ મોટા પ્રમાણમાં દારુ પકડાયો છે. ચેકપોસ્ટ પરથી પોલીસ હટાવીને ગુજરાત સરકાર જિલ્લા તાલુકાની ચૂંટણીમાં દારુ પાઈને યુવાનોને બરબાદ કરવા માંગે છે કે કેમ? મોટા દારુના ઠેકા વાળા જોડે ચૂંટણી જીતવા માટે દારૂની હેરાફેરી કરવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે. આ રીતે ચાલશે તો અમારો જીલ્લો સરહદી હોવાથી સૌથી વધારે મુશ્કેલી ઉભી થશે.’
તેમને વધુમાં લખ્યું છે કે, ‘દારૂની વધારે પડતી છૂટના કારણે દારૂડિયાઓ મારફતે મહિલાઓ પર અત્યાચાર, બળાત્કાર, લૂંટ અને ચોરી જેવા ગુનાઓમાં વધારે થશે, સૌથી વધારે મહિલાઓ તકલીફમાં મૂકાશે. આ બાબતે ગંભીરતા લઇને ચેકપોસ્ટમાં ઈમાનદાર પોલીસ મૂકવામાં આવે અને આપ ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી માટે વિધાનસભામાં બીલ લાવ્યા છો અને બીજી બાજૂ દારુની છૂટ આપો છો. આ બાબતે ઘટતું કરીને અમારી રજૂઆતને ધ્યાને લઇને ગૃહમંત્રીને પોલીસ ચોકી માટે આદેશ આપશો નહીંતર ના છૂટકે અમારે આ બાબતે આંદોલન ના કરવું પડશે તેવી રાજ્ય સરકાર ગંભીરતાથી નોંધ લેશે તે અપેક્ષા.’
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ચેકપોસ્ટ હટાવી લેવાના નિર્ણયને લઇને જણાવ્યું હતું કે, પોલીસ ચેકપોસ્ટ હજુ પણ રહેવી જોઈએ કારણ કે, પોલીસ ચેકપોસ્ટ નહીં હોય તો એજ રાજસ્થાનમાંથી ગાડીઓ દારુની હેરફેર થતી હોય છે. ત્યાંથી મોકલેલું ઝેર આપણા વિસ્તારમાં ન આવી જાય, જેમ તીડ ત્યાંથી આવ્યા તેમાં દારૂનું ગાડીઓ ન આવે તેના માટે આપણે નાકાબંધી કરવી પડશે અને એ નાકાબંધી કરવા માટે સરકારને રજૂઆત કરીશ.