ચેરમેન વિપુલ મિત્રા અને મેમ્બર સેક્રેટરી બી. એમ. પ્રજાપતિની મિલીભગતે યોજનાને ડૂબાડી

અમદાવાદ, તા. 21

તામિલનાડુમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાએ શરૂ કરેલી અમ્મા કેન્ટીનની તર્જ પર ગુજરાતમાં બે વર્ષ પહેલાં શરૂ કરાયેલી બાંધકામ શ્રમિકોને બપોરનું ભોજન આપવા માટેની યોજના ખાડે ગઈ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાનની અતિ મહત્વાકાંક્ષી અન્નપૂર્ણા યોજનામાં સરકાર અને સરકારી અધિકારીઓની ઉદાસીનતાના કારણે લાભાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે. પરિણામે મોટી જાહેરાતો સાથે શરૂ કરાયેલી યોજના હાલમાં તો ડચકાં ખાતી ચાલી રહી છે.

વર્ષ 2017માં અન્નપૂર્ણા યોજના શરૂ કરાઈ

18મી જુલાઈ 2017ના રોજ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ કડિયાનાકાઓ પર બાંધકામ શ્રમિકોને માત્ર રૂ. 10માં ભરપેટ સાત્વિક ભોજન માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વાકાંક્ષી શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. શ્રમિક સુખી તો, દેશ સુખીના મંત્ર સાથે આ સરકાર આગળ વધી રહી છે. શ્રમિકો માટે દયાભાવ નહી પરંતુ સંવેદનશીલ માનવીય અભિગમથી આ યોજના શરૂ કરાઇ છે, જેનો રાજયના લાખો શ્રમિકો લાભ લેશે એવો આશાવાત તે સમયે મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો હતો. પરંતુ તેમનો આ આશાવાદ માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં જ અધૂરો રહી ગયો હોય એવું લાગે છે.

શ્રમિક અન્નપૂર્ણા યોજનાની વિશેષતા

રાજ્યમાં બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમિકો માટે રાજ્ય સરકારે માત્ર રૂ. 10માં સાત્વિક ભોજન ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી હતી. રૂ. 10માં દરેક શ્રમિકને રોટલી, દાળ-ભાત, શાક અને શુદ્ધ ઘીમાંથી બનાવેલી સુખડી આપવાની યોજના ચાલુ કરવામાં આવી હતી. આટલું ભોજનની થાળી સામાન્ય રીતે રૂ. 30માં પડતી હોય છે. જેની સામે માત્ર રૂ. 10માં આપવાનો સરકારે નિર્ણય કર્યો હતો અને બાકીના રૂ. 20 સબસીડિ પેટે સરકારે આપ્યા હતા. આમ આટલી મહત્વાકાંક્ષી યોજનાનો લાભ રાજ્યના બાંધકામ શ્રમિકોને મળે તે હેતુસર શરૂઆતમાં 87 કેન્દ્રો પર શરૂ કરાઈ હતી. અને પછી ધીમે ધીમે તેનો વ્યાપ વધીને 119 કેન્દ્રો સુધી પહોંચ્યો હતો. આ યોજનાની શરૂઆત થઈ ત્યારે અંદાજે 25 હજાર શ્રમિકો તેનો લાભ લેતા હતા. પણ બીજી બાજુ કેન્દ્રોની સંખ્યા વધી તો તેની સામે શ્રમિકોની સંખ્યા વધવાના બદલે ઘટી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ યોજનાનો હાલમાં માત્ર 2500થી 3000 શ્રમિકો જ લાભ લઈ રહ્યા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

કેમ શ્રમિકોની સંખ્યા ઘટી ગઈ?

વર્ષ 2017માં શરૂ થયેલી યોજનામાં 25 હજારથી વધુ લોકો લાભ લેતા હતા પણ છેલ્લાં કેટલાંક સમયથી આ સંખ્યા ઘટીને ખૂબ જ ઓછી થઈ ગઈ છે. આ સંખ્યા ઘટવા અંગે એવું કહેવાય છે કે, હાલના બાંધકામ અને અન્ય કન્સ્ટ્રક્શન શ્રમિક વેલફેર બોર્ડના વર્તમાન ચેરમેન વિપુલ મિત્રા અને મેમ્બર સેક્રેટરી બી. એમ. પ્રજાપતિની ઉદાસીનતા જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. આ અંગે શ્રમ અને રોજગાર મંત્રાલયના એક કર્મચારીએ નામ ન લખવાની શરતે કહ્યું કે, બોર્ડના ચેરમેન અને મેમ્બર સેક્રેટરી દ્વારા આ યોજનામાં જે નિયમો હતા તેને બદલી કાઢવામાં આવ્યા હતા. યોજનાના અમલ સમયે જે નિયમ હતા તે પ્રમાણે કુટુંબનો કોઈપણ એક સભ્ય આવીને તમામ સભ્યોનું ટીફિન લઈ જઈ શકતો હતો. પરંતુ જ્યારથી નવા ચેરમેન અને મેમ્બર સેક્રેટરી આવ્યા છે ત્યારથી તેમણે જડ નિયમો બનાવી દીધા છે. જે પ્રમાણે કુટુંબના દરેક સભ્યએ ફરજિયાત સેન્ટર પર આવવાનું અને તો જ ટીફિન મળે. આ પ્રકારના નિયમો કરતાં શ્રમિકોની સંખ્યા ઘટી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્નપૂર્ણા યોજનાના કેન્દ્ર પર છટણી કરાઈ

યોજનાની શરૂઆત કરાઈ ત્યારે આઉટસોર્સિંગથી રોજગારીની તકો ઊભી કરવામાં આવી હતી. જે પ્રમાણે દરેક કેન્દ્ર પર કોન્ટ્રાક્ટર એજન્સી તરફથી 2 કૂપન ઓપરેટર, 2 પીરસવાવાળા અને 1 ચોકીદાર મૂકવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી બોર્ડના ચેરમેન અને મેમ્બર સેક્રેટરીએ 1 કૂપન ઓપરેટર અને 1 પીરસવાવાળાને છૂટા કરી દીધાં. જેના કારણે પણ દરેક કેન્દ્ર પરથી 2 જણાંની રોજગારી છીનવાઈ ગઈ હોવાનો આરોપ એક કોન્ટ્રાક્ટરે નામ ન લખવાની શરતે કહ્યું હતું. આને લઇને શ્રમ અને રોજગાર વિભાગમાં એવી મજાક થઈ રહી છે કે, રોજગાર આપવાને બદલે વિભાગ જ માણસોને છૂટા કરી રહ્યો છે.

બોર્ડનો લૂલો બચાવ

આ મામલે બોર્ડના મેમ્બર સેક્રેટરી બી. એમ. પ્રજાપતિનો સંપર્ક સાધતાં પહેલાં તો તેમણે આ મામલે કશું બોલવાનો ઈનકાર કરી દીધો. જોકે, તેમણે એવો બચાવ કર્યો કે, દિવાળીના તહેવારો હોવાના કારણે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમિકો પોતાના વતન ગયા હોવાના કારણે અન્નપૂર્ણા યોજનાના કેન્દ્રો પર સંખ્યા ઓછી થઈ છે.

રાજ્યમાં બાંધકામ શ્રમિકોની સંખ્યા વધી

રાજ્યમાં નવી નવી કન્સ્ટ્રક્શન સાઈટ રોજે રોજ ચાલુ થઈ રહી છે જેના કારણે આ ક્ષેત્રના શ્રમિકોની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી હોવાનું જાણવા મળ્યું છે. એક અંદાજ મુજબ વર્ષ 2014માં 47 હજાર શ્રમિકો નોંધાયા હતા. જે સંખ્યા વર્ષ 2017માં વધીને 5.63 લાખ ઉપર પહોંચી ગઈ છે.