’ચોકીદાર સ્યોર હૈ’નાં બદલે ચોર બોલાયું ? રાજનાથસિંહ કચ્છમાં

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહએ ગુજરાતનાં સરહદી જીલ્લા કચ્છમાં કાશ્મીરની સમસ્યા, ખાસ કરીને કલમ 370 અને 35એ અંગે નિવેદન આપ્યું હતુ. માત્ર એટલું જ નહીં પરંતું રાફેલનાં મુદ્દાથી માંડીને નીરવ મોદી તથા અન્ય આર્થિક કૌભાંડોમાં કૉંગ્રેસના સમયગાળા દરમિયાન થયા હોવાનું કહીને 2030 સુધી ફરીવાર મોદીને જ પીએમ તરીકે રાખવા માટે લોકોને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરી હતી.

નિયત સમય કરતા બે કલાક મોડા આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી એવા ભાજપનાં વરિષ્ઠ નેતા રાજનાથસિંહએ કચ્છનાં ગાંધીધામમાં ભાજપનાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતાં. કાશ્મીરની સમસ્યા માટે તેમણે નહેરુને જવાબદાર ઠેરવી સરદાર વલ્લભભાઈ પટેલની કાશ્મીર અંગેની નીતીઓને વખાણી હતી. સરદાર પટેલને જો કાશ્મીરની સ્થિતી અંગે નિર્ણય કરવાની જવાબદારી આપવામાં આવી હોત તો હાલ કાશ્મીરમાં જે સમસ્યા છે તે ના હોત તેવો પણ દાવો સિંહે કર્યો હતો. કેન્દ્રમાં સંપુર્ણ બહુમતવાળી સરકારનાં પાંચ વર્ષ પસાર કર્યા પછી તથા કાશ્મીરમાં PDPનાં મેહબૂબા મુફ્તી સાથે સરકાર ચલવાવા માટે ગઠબંધન કર્યા પછી ટેકો પાછો ખેંચનાર ભાજપે તેના સંકલ્પ પત્રમાં પણ કાશ્મીર અંગેની કલમ 370 અને 35એનો ઉલ્લેખ કર્યો છે ત્યારે કચ્છમાં રાજનાથ સિંહે તેમની સરકાર ફરી સત્તામાં આવશે ત્યારે કાશ્મીર સંબંધિત તેં જોગવાઇઓ હટાવી નાખશે તેવો દાવો કર્યો હતો.

રાજનાથસિંહ પાસે કેન્દ્રનાં ગૃહમંત્રાલયનો હવાલો છે ત્યારે દેશની આંતરિક સુરક્ષા તેમજ કચ્છની બોર્ડર અંગેની વાતચીત કરવાને બદલે મોદી સરકારનાં કથિત વિકાસનાં આંકડા આપ્યા હતાં. અલબત્ત તેમાં પણ સિંહે કૉંગ્રેસ શાસન દરમિયાન થોડુ કામ થયો હોવાનો એકરાર પણ કર્યો હતો. સરકારનાં પાંચ વર્ષનાં કામને બદલે રાષ્ટ્ર નિર્માણ કરવા માટે ભાજપને ફરી સત્તા ઉપર લાવવાની પણ તેમણે અપીલ કરી હતી.

એક તરફ ગુજરાતમાં ભાજપનાં પ્રમુખ જીતુ વાઘાણી અને ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વાણીવિલાસ કરીને વિવાદ સર્જી રહ્યાં છે ત્યારે કચ્છમાં રાજનાથસિંહે સયંમપૂર્વક નિવેદનો કરવાની કૉંગ્રેસને સૂફીયાણી સલાહ આપતા પીએમ મોદીને ‘ચોકીદાર હી ચોર હૈ’નાં નારાની ટીકા કરી હતી. રાજનાથના ભાષણ દરમિયાન ‘ચોકીદાર સ્યોર હૈ’નાં નારામાં સ્યોર ને બદલે ચોર બોલાયું હોય તેવી ફીલિંગને કારણે એક તબક્કે સભામાં સન્નાટો થયી ગયો હતો. રાફેલનાં મામલે તેમણે રાહુલ ફેલ છે તેવું નિવેદન પણ આપ્યું હતુ.