અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયેલા માન્ય કતલખાનામાં છેલ્લા બે વર્ષમાં ૧૭,૪૪૭ પશુઓની કતલ કરવામાં આવી હોવાની શહેરી વિકાસ મંત્રીએ લેખિતમાં માહિતી આપી છે.
વિધાનસભામાં આજે કોંગ્રેસનાં માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ સવાલ ઉઠાવ્યો હતો કે, તા. ૩૧-૦૫-૨૦૧૯ની સ્થિતિએ અમદાવાદ અને સુરત જિલ્લામાં કેટલા રેગ્યુલેટેડ/રજિસ્ટર્ડ કતલખાના આવેલા છે? અને ઉક્ત સ્થિતિએ કતલખાનાને કેટલો ક્વોટા માન્ય કરેલ છે અને તે અન્વયે કતલખાના દીઠ ઉક્ત સ્થિતિએ બે વર્ષમાં ક્યાં સંવર્ગના કેટલા પશુઓની કતલ કરવામાં આવી?
જેના જવાબમાં મુખ્યમંત્રી (શહેરી વિકાસ) દ્વારા લેખિતમાં માહિતી આપવામાં આવી છે કે, અમદાવાદ જિલ્લામાં એક અને સુરત જિલ્લામાં બે રેગ્યુલેટેડ/રજિસ્ટર્ડ કતલખાના આવેલ છે. જેમાં અમદાવાદનાં કતલખાનાને અઠવાડિક ૨૧૨ પશુઓ (ભેંસ-પાડા)નો જ્યારે સુરતના સલાબતપુરાને ૧૦૦ અને રાંદેરને ૧ (એક) પશુઓનો ક્વોટા આપવામાં આવ્યો છે.
આ ક્વોટા મુજબ અમદાવાદમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૫૪૮૦ પશુઓ (ભેંસ-પાડા)ની અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૭૪૬૪ પશુઓ (ભેંસ-પાડા) મળીને બે વર્ષમાં ૧૨,૯૪૪ પશુઓની કતલ કરાઈ છે. જ્યારે સુરતના સલાબતપુરામાં વર્ષ ૨૦૧૭-૧૮ માં ૨૨૩ પાડા અને ૧૯૧૧ ભેંસ મળીને કુલ ૨,૧૩૪ તેમજ વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૪૨ પાડા અને ૨૦૮૯ ભેંસ મળીને કુલ ૨,૨૩૧ પશુઓની કતલ કરાઈ છે, તો રાંદેરમાં વર્ષ-૨૦૧૭-૧૮માં ૫ (પાંચ) પાડા અને ૧૨૭ ભેંસ જ્યારે વર્ષ ૨૦૧૮-૧૯માં ૬ પાડા મળીને બે વર્ષમાં કુલ ૧૩૮ પશુઓની કતલ કરાઈ છે.
આમ અમદાવાદ અને સુરતના મળીને ત્રણ કતલખાનામાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ ૧૭,૪૪૭ પશુઓની કતલ કરવામાં આવી