છોટાઉદેપુરમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 2 ના મોત પછી દીપડો પકડાયો

January 6 છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે. બે દિવસ પહેલા દીપડાના હુમલામાં આધેડ ખેડૂત બલુભાઈ રાઠવા ના નિધન બાદ આજે બે બાળક ને દીપડાએ શિકાર બનાવ્યા છે. જેમાના એક 2 વર્ષના બાળક નું મોત થયું છે.

પાવીજેતપુર ના કલારાની પંથકમાં એક માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. બે દિવસમાં બે માનવી ના જીવ લીધા બાદ પણ દીપડો અત્યારસુધી પાંજરે પૂરાયો નથી. આજે સાંજે માનવભક્ષી દીપડાએ બાંડી ગામે બે બાળકો ઉપર હુમલો કર્યો છે. પહેલા ૭ વર્ષીય બાળકી મિત્તલ રાઠવા ઘરની બહાર રમતી હતી ત્યારે દીપડાએ હુમલો કર્યો જેને તેના પિતાએ દીપડાના પંજા માંથી છોડાવી તો લીધી પરંતુ બાળકી ને ગંભીર ઇજાઓ થતા બોડેલી અને ત્યારબાદ વડોદરા રિફર કરાઈ છે. જ્યારે બાળકી ઉપર હુમલા બાદ અડધા કલાક પછી બાંડી ગામના જ બીજા ફળિયામાંથી અઢી વર્ષના બાળક ચિરાગ ચીમનભાઈ રાઠવાને દીપડો ઘર આંગણામાંથી ઉઠાવી ગયો, દીપડા એ ચિરાગના કોમળ ગળા ના ભાગે તીક્ષ્ણ દાંત બેસાડી દીધા હતા. ગ્રામજનો દીપડા પાછળ દોડ્યા અને દીપડાના મોઢામાંથી બાળકને છોડાવ્યો પરંતુ બાળકનો જીવ બચાવી ના શક્યા. દીપડો માનવો ઉપર હુમલો કરી રહ્યો છે અને એ પણ ગળા ના ભાગે જ પોતાના મજબૂત જબળાથી તીક્ષ્ણ દાંત ને ખોંપી માનવો નો જીવ લઈ રહ્યો છે. બે દિવસ પહેલા પણ બાજુના જ વાવડી ગામે આજ દીપડાએ કરેલા હુમલામાં એક આધેડ બલુ રાઠવાનું મોત થયું હતું. દીપડાના હુમલાને પગલે પંથકના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા બે દિવસથી માનવભક્ષી દીપડાને પકડવા વાવડી ગામે જંગલ ખાતાએ 8 પિંજરા, 4 બકરા, 4 બકરાના અવાજ કાઢતા મશીન તેમજ 5 ટ્રેપ કેમેરા મુક્યા છે. પરંતુ માનવભક્ષી દીપડો અત્યારસુધી પકડાયો નથી. જેને લઈ આસપાસના તમામ ગામોમાં લોકો ના જીવ જોખમ માં મૂકાયા છે અને ગામલોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

માનવભક્ષી દીપડો ભારે જહેમત બાદ પાંજરે પૂરાયો..

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પૂરાયો, બે વ્યક્તિઓ ને મોત ના ઘાટ ઉતારનાર દીપડો પકડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

પાવીજેતપુર તાલુકાના વાવડી અને બાંડી ગામે છેલ્લા ચાર દિવસથી એક દીપડાએ એક બાદ એક એમ ચાર વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલા કરતા બે વર્ષ ના બાળક ચિરાગ રાઠવાનું ગત રાત્રિએ અને ખેતરમાં કામ કરી રહેલા 52 વર્ષના આધેડ બલુભાઈ રાઠવાનું ત્રણ દિવસ પહેલા મોત નીપજ્યું છે જ્યારે ગત રાત્રિના હુમલામાં બાળકી સહિત બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં દવાખાનામાં સારવાર હેઠળ છે. માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગે વિસ્તારમાં 8 પાંજરા ગોઠવ્યા હતા, જેમાં ચાર પાંજરામાં બકરા મૂકવામાં આવ્યા હતા તો અન્ય સ્થળોએ બકરા ના આવાજનું સાઉન્ડ સિસ્ટમ તેમજ ટ્રેપ કેમેરા ની ગોઠવણ પણ કરી હતી પરંતુ દીપડો હાથ લાગતો ન હતો.

દીપડાના ખૌફમાં ગ્રામજનો ભયના માહોલમાં આખી આખી રાત જાગી ને ગુજારી રહ્યા હતા તો બીજીતરફ વન વિભાગના અધિકારીઓ પણ દીપડાને પાંજરે પૂરવા અથાગ પ્રયત્નો કરી રહ્યા હતા. ગત રાત્રિએ બાંડી ગામમાં અલગ અલગ જગ્યાએ ઘર આંગણે રમી રહેલા બે બાળકો ઉપર દીપડાએ હુમલો કર્યો તો બાળકોના પરિવારજનો અને ગ્રામજનોએ બાળકોને દીપડાના પંજા માંથી છોડાવવા દીપડાને લાકડી અને ખેતરમાં કામ કરવાના ઓજાર વડે મારતા દીપડો જખમી થયો હતો અને ઝાડીઓમાં જઈ સંતાઈને બેસી રહ્યો હતો. જેથી તક નો લાભ લઈ દીપડાને ઝડપી પાડવા વહેલી સવારથી વન વિભાગના અધિકારીઓ બાંડી ગામે આવી આયોજનમાં લાગી ગયા હતા. મુખ્ય વન સંરક્ષક એસ.કે.શ્રીવાસ્તવ પણ બાંડી ગામે આવી પહોંચી તેમની અધ્યક્ષતામાં 120 જેટલા કર્મીઓ ની સાથે પોલીસ પણ કામે લાગી રેસેક્યુ હાથ ધર્યું હતું. રેસ્ક્યુ દરમિયાન દીપડાને બેહોશ કરવા ચાર વાર ડાટ મારવામાં આવ્યા પરંતુ એ નિષફળ ગયા તો જાળ થી કબજે કરવા જતાં એક વનકર્મી ઉપર પણ દીપડાએ હુમલો બોલ્યો જો કે વનકર્મી નું જીવ બચી ગયુ પરંતુ હાથના ભાગે ઇજા થવા પામી છે. રેસેક્યુ દરમિયાન દીપડા ની બીકે ગ્રામજનો ઘરોની છત ઉપર ચડી દીપડાને પકડવાની પ્રક્રિયા જોઈ રહ્યા હતા. આખરે છ કલાક બાદ દીપડો બેહોશ કરવામાં સફળતા મળતા તેને પાંજરે પૂરવામાં આવ્યો હતો. જો કે પકડાયેલ દીપડો માનવો ઉપર હુમલો કરનાર માનવભક્ષી દીપડો જ છે તે હાલ જાણી શકાયું ના હોવાનું વન વિભાગના અધિકારી એ જણાવ્યું છે.