કેવડિયામાં 11-12 ઓક્ટોબરે રાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સ યોજાશે

ગાંધીનગર, તા.૦૯

કેન્દ્રીય ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતના કેવડિયામાં ઉર્જા વિભાગની રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના ઉર્જા વિભાગના મંત્રીઓ તેમજ અધિકારીઓ હાજરી આપશે. આ ઉર્જા કોન્ફરન્સનું યજમાનપદ ગુજરાતને મળ્યું છે.

11 અને 12 ઓક્ટોબરે યોજાનારી આ ઉર્જા કોન્ફરન્સને કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંગ ખુલ્લી મૂકશે. કોન્ફરન્સમાં ઊર્જા અને પુનઃપ્રાપ્ય ઊર્જા(રીન્યુએબલ એનર્જી) પર વિચાર વિમર્શ થશે. આ કાર્યક્રમમાં દેશભરના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશના ઊર્જા મંત્રીઓ, ઊર્જા સચિવો, વીજ વિતરક કંપનીના ચેરમેનો ઉપસ્થિત રહેશે.

રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના ઊર્જા અને બિન પરંપરાગત ઊર્જા વિભાગ તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર ડેમ, કેવડીયા ખાતે દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કક્ષાની ઊર્જા કોન્ફરન્સ યોજાવાની છે. આ બે દિવસીય કોન્ફરન્સમાં પ્રથમ દિવસે પુનઃપ્રાપ્ય ઊર્જા (રીન્યુએબલ એનર્જી), પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણ, સોલાર રૂફટોપ, સરહદી વિસ્તારોમાં રીન્યુએબલ એનર્જીના વિકાસ કાર્યક્રમો, અલ્ટ્રા મેગા રીન્યુએબલ એનર્જી પાર્કસની સ્થાપના સંદર્ભે, ઈઝ-ઓફ-ડુઈંગ બિઝનેશ અંતર્ગત સોલાર અને વિન્ડ પાવર સંદર્ભે હાથ ધરાનાર વિવિધ પ્રોજેકટ સંદર્ભે જમીન ફાળવણી સહિતના આનુસાંગિક કામો તથા રેગ્યુલેટરી ઈશ્યુ સંદર્ભે ચર્ચા-વિચારણા કરાશે.

કોન્ફરન્સના બીજા દિવસે ગુજરાત છેલ્લા 10 વર્ષથી ઊર્જાના તમામ ક્ષેત્રોમાં દેશમાં નંબર-નવ બન્યું છે, તે સંદર્ભે વિવિધ રાજ્યોને માહિતગાર કરવા માટે પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી વિગતો પુરી પાડવામાં આવશે. સાથે સાથે ગુજરાતે જ્યોતિગ્રામ યોજનાના માધ્યમ દ્વારા તમામ ગામડાઓમાં 24 કલાક વીજળી પુરી પાડી દેશનું રોલ મોડલ બન્યું છે. તેજ રીતે  વિવિધ રાજ્યોમાં 24 કલાક ગુણવત્તાયુક્ત વીજળી અવિરતપણે કેવી રીતે પહોંચાડી શકાય તે સંદર્ભે પણ તજજ્ઞો સહિત પદાધિકારીઓ દ્વારા વિચાર વિમર્શ કરાશે. આ ઉપરાંત આજ દિવસે ટ્રાન્સમિશન, થર્મલ, એનર્જી કન્ઝરર્વેશન, ઈન્ફોર્મેશન ટેકનોલોજી સહિતના વિષયોનો ઊર્જા ક્ષેત્રે કઈ રીતે ઉપયોગ થઈ શકે તે અંગે પણ ચર્ચા-વિચારણા કરાશે.