જન્મદિને પીએમ મોદીએ માતા હિરાબાના હાથે બનાવેલી રસોઈ ખાધી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માતા હિરાબાએ બનાવેલી રસોઇ ખાધી છે. કેવડિયાના નર્મદા ઉત્સવ પછી ગાંધીનગર પાછા આવેલા મોદી સચિવાલયના હેલીપેડથી સીધા તેમની માતાના ઘરે રાયસણ વિસ્તારમાં ગયા હતા.

નર્મદા બંધ સંપૂર્ણ છલોછલ થઇ જતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીને ગુજરાતમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ તેમના જન્મદિવસે ગુજરાત આવે અને નર્મદાના જળના વધામણાં કરે. મોદીએ નર્મદા બંધ સ્થળે પાણીની પૂજાવિધિ કરી હતી અને જંગલ સફારીની મુલાકાત લીધી હતી.

મોદી ગાંધીનગરમાં એરફોર્સના હેલિકોપ્ટરમાં ઉતર્યા હતા અને સીધા તેમના માતા હિરાબાના આશીર્વાદ લેવા નિવાસસ્થાને ગયા હતા. મોદીએ માતાના આશીર્વાદ લઇને તેમના હાથે બનાવેલી રસોઇ ખાધી હતી. ગઇકાલે રાત્રે ગાંધીનગર આવેલા મોદીએ તેમનો કાર્યક્રમ બદલ્યો હતો. તેઓ પહેલાં વહેલી સવારે તેમના માતાના આશીર્વાદ લેવા જવાના હતા પરંતુ પછી તેમણે કેવડિયાની મુલાકાત પછી માતાને મળવાનું નક્કી કર્યું હતું જેની પાછળનું કારણ માતા સાથેનું લંચ હોઇ શકે છે.નરેન્દ્ર મોદી માતાના નિવાસે લંચ લીધા પછી પડોશમાં રહેતા પરિવારો અને બાળકોને મળ્યા હતા. બાળકો સાથે મોદીએ સેલ્ફી પડાવી હતી.