અમદાવાદ, તા. 7
રૂપાણી સરકારે હોટલમાં જમવા માટે જતા ગ્રાહકોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો તેનો ખુબ જ આનંદ છે અને એનો પણ સંતોષ છે કે સોશિયલ મીડિયાની તાકાતને કારણે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આનંદનગરની હોકો ઈટરીના આઉટલેટમાં કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી.
હોક્કો ઈટરીની ચણા પૂરીની ઘટના
પહેલા હેવમોર અને હવ હોકો ઈટરીના નવા નામે ઓળખાતી ગુજરાતની જાણીતી ફૂડ ચેઈનના ચણા પૂરી સિગ્નેચર ડીસ છે. જેથી બુધવારે બપોરે આનંદનગર ચાર રસ્તા પાસે આવેલી હોકો ઈટરીથી બે પ્લેટ ચનાપુરી પાર્સલ કરાવ્યા અને જેના 380 રૂપિયા ચુકવ્યા. ઘરે આવ્યા બાદ એક પાર્સલના ચણા પૂરી ખાધા અને બાદમાં જ્યારે બીજા પાર્સલનું કન્ટેઈનર ખોલ્યું તો તેમાં ઉપરના ભાગે કાળા રંગની કોઈ વસ્તુ હતી. પ્રથમ નજરે તે કાળા મરી જેવુ લાગ્યું પણ જ્યારે મારા પત્ની માનસીએ ચમચીથી તપાસ્યું તો ચોંકી ઉઠ્યા કારણ કે તે મંકોડો હતો. જેથી તાત્કાલિક પહેલા મોબાઈલમાં ફોટો લઈને હોકો ઈટરી પર પહોંચ્યો, જ્યાં હાજર કેશિયર કમ મેનેજરને ચણા મસાલાનું કન્ટેઈનર બતાવીને મંકોડો હોવાની ફરિયાદ કરી ત્યારે તેણે ભૂલ કબૂલીને બીજા ચણા પૂરી પાર્સલ લઈ જવા માટે કહ્યું. પણ જે રસોડામાંથી આ પ્રકારની જીવાત નીકળી હોય ત્યાંનું ફૂડ લેવાનું યોગ્ય ન લાગતા મેં મારા એક ચણા પૂરીના પૈસા પરત માંગ્યા અને જો કે ઈટરીના સંચાલકોનો આગ્રહ હતો કે ચણા પૂરી નહિ તો પુલાવ પાવભાજી લઈ જાવ. તો અન્ય એક સ્ટાફ મેમ્બરે આઈસ્ક્રીમ ઓફર કરીને વાતને ઠંડી કરવા પ્રયત્ન કર્યો. ત્યારે મેં રજૂઆત કરી કે મને એક પ્લેટના નાણાં પરત કરો અને રસોડાની ચોખ્ખાઇ અંગે પણ પ્રશ્ન કરીને તપાસવાનું કહ્યું તો તેમાંથી પણ મને કહેવામાં આવ્યું કે સોરી સર રસોડામાં એન્ટ્રી નહિ મળી શકે. જો કે દૂરથી જોતા લાગ્યું કે જે પ્રમાણે હોટલનું નામ છે તે પ્રમાણે ચોખ્ખાઇનો અભાવ હતો. બાદ તેમના એરિયા મેનેજર યશંવત રૂપાલાનો મોબાઈલ ફોન લઈને તેમની સાથે વાત કરતા તેમણે પણ ભૂલ સ્વીકારીને કહ્યું કે તમે અમારા વેલ્યૂએબલ ગ્રાહક છો અને તમને પડેલી મુશ્કેલી બદલ માફી માંગીએ છીએ અને ભૂલ કરનાર રસોયાને અમે છૂટો કરી દઇશું. જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને.. પણ મારો સવાલ એ હતો આ ભૂલ માત્ર રસોયાની નહોતી પણ અન્ય સ્ટાફની પણ હતી.
અમપાને ટ્વિટ દ્વારા જાણ કરી
આ ગંભીર બાબતને અવગણવી ન જોઈએ અને આ અંગે અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)ના અધિકારીઓ સુધી પણ આ વાત પહોંચવી જોઇએ અને જેથી મે મારા ટ્વિટર હેન્ડલ મારફતે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને મેયર બીજલ પટેલને ટેગ કરીને સમગ્ર ઘટના વર્ણવી અને સાથે સાથે ફૂડમાં આવેલા મંકોડાના ફોટો પણ અપલોડ કર્યા.
ફૂડ અને સેફ્ટીના સ્ટાન્ડર્ડના ભંગની ફરીયાદ કરી
જો કે વાત હવે માત્ર ભુલ નહોતી પણ અહીયા ફુડ અને સેફ્ટીના સ્ટાન્ડર્ડનો પણ ભંગ થતો હતો. કારણ કે નિયમ મુજબ દરેક ગ્રાહકનો હક છે કે તે જે હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે. ત્યાંનું રસોડું તપાસી શકે છે અને જેથી આ અંગે ગાંધીનગર આરોગ્ય વિભાગ અને અન્ય અધિકારીઓને ઈ મેઈલ કરીને જાણ કરી.
સરકારે ત્વરિત નિર્ણય લીધો
ત્યારે મને આનંદ છે કે મારી આ રજૂઆતને ગંભીરતાથી લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો કે હવે રસોડામાં ગ્રાહક જોઈ શકે તેવું રાખવું અને નો એડમીશન વિધાઉટ પરમીશન જેવા બોર્ડ તાત્કાલિક રીતે હટાવી લેવા. આમ, મોટી મોટી બ્રાન્ડમાં માત્ર નામ સાંભળીને જ તેના ફૂડને સારું ગણવા કરતા રૂબરૂ જઈને તપાસ કરવી કરીને કે પોતાના ઓર્ડર થયેલી ચીજ વસ્તુઓને તૈયાર થતી જોઇ શકાશે તેવો નિર્ણય આવતા હવે ગ્રાહકોને સારું ફૂડ મળશે અને હોટલોના સંચાલકો ચોખ્ખાઈ રાખશે.
અમપાએ પગલાં ભરવાની ખાતરી આપી
તો ગુરૂવારે અમપાના આરોગ્ય વિભાગે મારી વિધીસરની ફરીયાદ લઈને ખાતરી આપી છે કે તે હોક્કો ઈટરી સામે કાર્યવાહી કરશે. અને જરૂર પડ્યે સીલ પણ મારશે.
હું ફરિયાદ ન કરુ તે માટે દબાણ પણ લાવવામાં આવ્યું જો કે આજે મારી એક ફરિયાદને પગલે રાજ્યનું આરોગ્ય વિભાગ જાગ્યુ તે વાતને લઇને ખુશી છે.