જર્ક 60 દિવસમાં વીજદર વધારાની દરખાસ્ત મંજૂર ન કરે તો વધારો આપોઆપ જ મંજૂર થયેલો ગણાશે

અમદાવાદ,તા.31

ટેરિફ ઓર્ડર માટે વીજ કંપનીઓ દ્વારા દરખાસ્ત મૂકવામાં આવ્યા પછી 60 દિવસના ગાળામાં તે દરને વીજ નિયમન પંચ દ્વારા મંજૂરી ન આપવામાં આવે તો તેવા સંજોગોમાં વીજ વિતરણ કંપનીઓ દ્વારા મૂકવામાં આવેલા દર કે માગવામાં આવેલા વીજ દરના વધારો આપો આપ જ માન્ય ઠરી જશે. આ રીતે કેન્દ્ર સરકારે સોલાર પાવર ખરીદનારાઓને નડતી અનિશ્ચિતતા દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.  જોકે સોલાર પાવર પેદા કરનારી કંપનીઓએ મેગાવોટદીઠ રૂા. 5 લાખની વધારાની ડિપોઝીટ પણ મૂકવી પડશે. આમ સો મેગાવોટ વીજળી પેદા કરનારાએ રૂા. 5 કરોડની વધારાની ડિપોઝિટ સરકારમાં સિક્યોરિટી ડિપોઝિટ તરીકે મૂકવી પડશે. આ માટે નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

સરકારી વીજ કંપનીઓ દ્વારા સોલાર પાવર વેચનારાઓને પેમેન્ટ કરવામાં અનિયમિતતા આચરવામાં આવી રહી હોવાથી સોલાર પાવર વેચવા માટેના ટેન્ડરો ભરનારાઓ ટેન્ડર ભરવાનું ટાળવા માંડ્યા છે. કારણ કે સરકાર તરફથી પેમેન્ટ આપવામાં ધાંધિયા કરવામાં આવતા હોવાથી તેમના આર્થિક ગણિતો ખોરવાઈ રહ્યા છે. બીજું, સોલાર પાવર પેદા કરવા માટે જોઈતી જમીન મેળવવામાં તકલીફ પડી રહી છે. તેમ જ સરકારી વીજ વિતરણ કંપનીઓ દ્વારા એકાએક સૌર ઉર્જાથી પેદા થતી વીજળીની ખરીદી કરવા પણ કાપ મૂકી દેવામાં આવતો હોવાથી તેમની કઠણાઈ વધી રહી છે. પરિણામે સરકારે ન ખરીદવામાં આવેલી વીજળી માટે પણ સો ટકા કિંમત ચૂકવવાની ફરજ પાડતો નિયમ દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ ન ખરીદાયેલી વીજળીની 50 ટકા કિંમત એટલે કે યુનિટદીઠ રૂા.3નો ખરીદભાવ નક્કી થયો હોય તો ન ખરીદેલી વીજળી પર રૂા.1.50 ચૂકવવા પડે તેવી વ્યવસ્થા હતી.

વીજળીના ક્ષેત્રના ગુજરાતના નિષ્ણાત કે.કે. બજાજનું કહેવું છે કે સૌર ઉર્જાથી પેદા કરવામાં આવતી વીજળીના ઊંચા દરને કારણે તથા સૌર ઉર્જાથી વીજળી પેદા કરનારાઓ તરફથી નબળો પ્રતિસાદ મળ્યો હોવાથી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે તેને માટે નવેસરથી ટેન્ડર મંગાવવાની ફરજ પડી હતી. જીયુવીએનએલએ યુનિટદીઠ રૂા.2.65ના ભાવે વીજળી ખરીદવા માટેના કરાર કરવાની ફરજ પડી છે. આ કરાર મુજબની વીજળીને પુરવઠો 18થી 24 મહિના બાદ મળતો થશે. સૌર ઉર્જાથી વીજળી પેદા કરવાની જીયુવીએનએલ પાસે 30મી સપ્ટેમ્બર 2019ની સ્થિતિએ 2282 મેગાવોટની ક્ષમતા છે. ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ માટે 2019-20ના વર્ષમાં તેની કુલ જરૂરિયાતની 5.5 ટકા વીજળી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્રોતમાંથી પેદા કરવામાં આવતી વીજળીની ખરીદી કરવી ફરજિયાત છે. 2022 સુધીમાં આ રીતે ફરજિયાત ખરીદી કરવી પડતી વીજળીનો જથ્થો ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા દર વર્ષે 1.25 ટકા વધારવામાં આવશે. તેથી2022 સુધીમાં આ જથ્થો વધીને 7 ટકા થઈ જશે.

કે.કે. બજાજનું કહેવું છે કે ગુજરાતમાં 2019-20ના વર્ષમાં 90000 મિલિયન યુનિટ વીજળીનો વપરાશ થવાનો છે. આ સ્થિતિમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમને સૌર ઉર્જાથી પેદા થતી વીજળીનો 4950 મિલિયન યુનિટની ખરીદી કરવાની ફરજ પડશે. આમ કુલ મળીને 13.5 મિલિયન યુનિટ વીજળી રોજની ખરીદી કરવાની એટલે કે રોજ સૌર ઉર્જાથી પેદા થતી 650 મેગાવોટ વીજળી ખરીદવાની ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓને ફરજ પડશે. તેની સામે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વીજ વિતરણ કંપનીઓ તેના ગ્રાહકો પાસેથી યુનિટદીઠ રૂા.8નો ભાવ વસૂલી રહી છે. આજથી આઠ વર્ષ પહેલા કરવામાં આવેલા પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ સૌર ઉર્જાથી વીજળી પેદા કરનારાઓને યુનિટદીઠ રૂા. 14.50નો ભાવ આપવામાં આવ્યો હતો. કારણ કે તે વખતે એક મેગાવોટનો સોલાર પ્લાન્ટ નાખવાનો ખર્ચ રૂા.16 કરોડની આસપાસનો આવતો હતો. આ ખર્ચ મેગાવોટદીઠ અત્યારે ઘટીને રૂા.6 કરોડની સપાટીએ આવી ગયો છે. તેથી સૌર ઉર્જાથી પેદા કરવામાં આવતી વીજળીનો દર ઘટીને યુનિટદીઠ રૂા.2.65ની સપાટીએ આવી ગયો છે.

આ સાથે જ કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જીએ સોલાર પાવર માટે બિડિંગ કરવા માટેની શરતોમાં પણ સુધારો કર્યો છે. તેમ જ સોલાર પાવર પ્લાન્ટ નાખવા માટેની સમય મર્યાદાને પણ સ્થિતિ સ્થાપક બનાવી આપી છે. સોલાર પાવર માટેની નીતિનો આરંભ કરવામાં આવ્યો ત્યારબાદ આ ચોથીવાર નિયમમાં સુધારા કરવામાં આવ્યા છે. તેમ છતાંય વીજ વિતરણ કંપનીઓ દ્વારા પેમેન્ટ સમયસર ન આપવામાં આવતા હોવાથી સોલાર પાવર પેદા કરનારાઓએ વીજ વિતરણ કંપનીઓના ટેન્ડર ભરવાનું ટાળવાનું ચાલુ રાખ્યું છે. સોલાર પાવર પેદા કરનારાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ બિડિંગ માટેના ધારાધોરણોમાં ફેરફાર અને સુધારો કરવામાં આવ્યો છે.

અગાઉની વ્યવસ્થા હેઠળ વીજ વિતરણ કંપની સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ – વીજ ખરીદીના કરાર કર્યાના 12 મહિનાની અંદર સોલાર પાવર પેદા કરનારી કંનીઓ જમીનને લગતા દસ્તાવેજો આપવા ફરજિયાત હતા. હવે તેમાં સુધારો કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ શરૂ થવાની તારીખે કે તે પૂર્વે જમીનને લગતા દસ્તાવેજો રજૂ કરવાની તેમને છૂટ આપવામાં આવી છે. પાવર પરચેઝ એગ્રીમેન્ટ-પીપીએ કર્યાના 18થી 24 મહિનાના ગાળામાં સૌર ઉર્જાથી વીજળી પેદા કરવાનું ચાલુ કરી દેવાનું હોય છે. આમ સરકારે તેમને છથી બાર માસનો વધારાનો સમયગાળો જમીનને લગતા દસ્તાવેજો રજૂ કરવા માટ આપ્યો છે.

વીજ ખરીદીના કરાર કર્યા પછી ન ખરીદેલી વીજળી પર 50 ટકાને બદલે સો ટકા પેમેન્ટ કરવાની ફરજ પાડવા ઉપરાંત વીજળીની ખરીદી અટકાવવી હોય તો અગાઉથી સૌર ઉર્જાથી વીજળી પેદા કરનારાઓને લેખિતમાં જાણ કર્યા વિના તેની ખરીદી અટકાવી ન શકાય તેવી જોગવાઈ પણ દાખલ કરવામાં આવી છે. તેમ જ વીજ ખરીદી અટકાવવા માટેના વિગતવાર કારણો આપવાની પણ વીજ વિતરણ કંપનીઓને ફરજ પાડવામાં આવી છે.

સરકાર કોઈપણ ભોગે 31મી ડિસેમ્બર 2022 સુધીમાં દેશમાં 175 ગીગાવોટ એટલે કે 1,75,000 મેગવોટ વીજળી સોલાર પાવરથી પેદા કરવાનાટ ટાર્ગેટ સુધી પહોંચવા મક્કમ છે. ભારતમાં અત્યારે રિન્યુએબલ એનર્જીથી 82.6 ગિગા વોટ વીજળી પેદા કરવામાં આવી રહી છે. હવે પુનઃપ્રાપ્ય ઉર્જા – રિન્યુએબલ એનર્જીથી વીજળી પેદા કરવાની ક્ષમતા વધારવાની ગતિ મંદ પડવા માંડી છે. 2017ના વર્ષમાં 11.3 ગિગા વોટ વીજળી રિન્યુએબલ એનર્જીની મદદથી પેદા કરવાના ટાર્ગેટ સામે 8.6 ગિગા વોટ વીજળી પેદા કરી શકાઈ છે. આ જ રીતે 2018ની સાલમાં 11.8 ગિગા વોટ વીજળી રિન્યુએબલ સ્રોતમાંથી પેદા કરવાના લક્ષ્યાંક સામે 11.3 ગિગાવોટ વીજળી જ પેદા કરી શકાઈ છે.

ભારત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલા સોલાર એનર્જી કોર્પોરેશને 2000 મેગાવોટ વીજળી પેદા કરવા માટે મંગાવેલા ટેન્ડરમાંથી માત્ર 922 મેગાવોટ વીજળી પેદા કરવા માટેના ટેન્ડરો ભરાયા છે. સોલાર પાવર પેદા કરનારાઓની સંખ્યા ઘટતા ચિંતિત બનેલી સરકારે તે માટેના નિયમો હળવા કર્યા છે. મેરકોમ ઇન્ડિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવેલી વિગતો મુજબ વિન્ડ અને સોલાર પાવરના કોમ્બિનેશનથી 1200 મેગાવોટ વીજળી પેદા કરવાના ટેન્ડરોમાંથી માત્ર 720 મેગાવોટ વીજળી પેદા કરવા માટેના ટેન્ડરો ભરાયા છે. ગુજરાત રાજ્ય ઉર્જા વિકાસ નિગમ 700 મેગાવોટ વીજળી પેદા કરવા માટે મંગાવેલા ટેન્ડરમાંથી માત્ર 600 મેગાવોટ વીજળી પેદા કરવા માટેના ટેન્ડરો ભરાયા છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશને પણ સૌર ઉર્જાથી 1200 મેગાવોટ વીજળી પેદા કરવા માટે ટેન્ડર ઇન્વાઈટ કર્યા હતા. પરંતુ માત્ર 300 મેગાવોટ વીજળી પેદા કરવા માટેના જ ટેન્ડરો ભરાયા હતા. આમ ટેન્ડર ભરવામાં મોળો પ્રતિભાવ મળી રહ્યો હોવાથી 175 ગિગાવોટના ટાર્ગેટને પહોંચી શકાશે કે કેમ તે અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.