અમદાવાદ, તા. 2
રાજ્ય સરકારના જમીન સંપાદનના કાળા કાયદાના કારણે અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન ઘોંચમાં પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્ય સરકારે વર્ષ 2016માં જમીન સંપાદનનાં કાયદામાં જે સુધારો કર્યો તેના કારણે અમદાવાદ-મુંબઈના બૂલેટ ટ્રેનના માર્ગમાં ગુજરાતના અંદાજે 14,500 ખેડૂતો અને બિન ખેડૂતો જમીન અને ઘર વિહોણા થવાનો અંદાજ છે.
જો સરકાર આ મામલે આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહિ કરે તો આ પરિવારો વાપીથી અમદાવાદ સુધી એક રેલીનું આયોજન કરીને આઠ જિલ્લાના કલેક્ટરો તેમ જ અધિકારીઓને આવેદન પત્ર આપીને સરકારને જગાડવાનો પ્રયાસ કરશે અને તેમ છતાં જો કોઈ સુધારો નહિ કરવામાં આવે તો આમરણાંત ઉપવાસનું શસ્ત્ર પણ ઉગામે એવી તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
બૂલેટ ટ્રેનના અસરગ્રસ્તોનું આંદોલન
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બૂલેટ ટ્રેનમાં ગુજરાતના જે વિસ્તારના ખેડૂતો અને બિન ખેડૂતોની જમીન અને ઘર સંપાદિત થવાના છે અને તેમને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું તે લોકો આગામી ત્રણ મહિનામાં વાપીથી અમદાવાદ સુધી એક યાત્રા કરશે. આ યાત્રા દરમિયાન તેઓ આઠ જેટલા જિલ્લામાંથી પસાર થશે અને ત્યાં દરેક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમને ન્યાય આપવાની વાત કરશે. અને અમદાવાદ પહોંચશે. અમદાવાદ પહોંચતા સુધીમાં જો રાજ્ય સરકાર તેમના કાયદામાં સુધારો કરીને અસરગ્રસ્તોને યોગ્ય વળતર કે ન્યાય નહિ આપે તો આ અસરગ્રસ્તો અમદાવાદ ખાતે આમરણાંત ઉપવાસની શરૂઆત કરશે. એક અંદાજ મુજબ આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદથી વાપી સુધીના વિસ્તારોમાં વસતા લગભગ 14 હજાર જેટલા લોકોની જમીન અને ઘર સંપાદિત થવાના છે.
જિકાનો રિપોર્ટ સ્વીકારવાનો કેન્દ્રનો નનૈયો
30 ઓગસ્ટ 2019માં જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (જિકા) જે બૂલેટ ટ્રેનનાં આ પ્રોજેક્ટમાં રૂ.1.20 લાખ કરોડનું રોકાણ કરી રહી છે તેણે અમદાવાદ-મુંબઈના બૂલેટ ટ્રેનના રૂટમાં આવતા વિવિધ વિસ્તારોના ખેડૂતો અને બિન ખેડૂતોની મુલાકાત લઈને એક અહેવાલ તૈયાર કર્યો હતો. જે અહેવાલ કેન્દ્ર સરકારની બૂલેટ ટ્રેનની સંસ્થા નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડને આપ્યો હતો. જેનો કેન્દ્ર સરકારે અસ્વિકાર કર્યો છે. જિકાની ભારત ખાતેની કચેરીના કાત્સુઓ માત્સુમોટોએ 8-9 ડિસેમ્બર 2018માં ગુજરાત અને મહારાષ્ટ્રના બૂલેટ ટ્રેનને કારણે જે લોકોની જમીન જવાની છે તેમને મળીને અહેવાલ તૈયાર કર્યો હતો. 30 ઓગસ્ટ 2019એ અહેવાલ આપ્યો હતો.
રૂપાણીનો કાળો કાયદો
અહેવાલમાં ગુજરાત સરકારના કાળા કાયદાની પોલ ખોલી નાંખી હતી. મનમોહન સિંહની સરકારે અંગ્રેજોના સમયથી ચાલી આવતા જમીન સંપાદનના 1894ના કાયદામાં વર્ષ 2013માં સુધારા કરીને સ્વતંત્ર ભારતનો પહેલો ખેડૂત તરફી જમીન સંપાદનનો કાયદો બનાવીને અમલ કર્યો હતો. જેમાં ખેડૂતોની જમીન સંપાદનમાં બજાર ભાવથી 4 ગણી જમીનની કિંમત અથવા તો તેમની જમીનના બદલામાં જમીન અને ઘરના બદલામાં ઘર આપવું, ઉપરાંત રોજગારી આપવાની જોગવાઈ છે.
ગુજરાતની વિજય રૂપાણી સરકારે 2016માં આ કાયદામાં સુધારો કરીને આ કાયદો ખેડૂત વિરોધી બનાવી દીધો છે. જમીન સંપાદન થઈ તેમને નગણ્ય રકમ જ મળી રહી છે. બૂલેટ ટ્રેનમાં ઓછું વળતર મળ્યું છે. તેથી ખેડૂતો અને બિન ખેડૂતોએ તેનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો. રૂપાણી સરકાર અને મહેસુલ પ્રધાન કૌશિક પટેલ પીડિત ખેડૂતોને કશું જ આપવા તૈયાર નથી. ત્યારે આ પ્રોજેક્ટની જમીન સંપાદનની કામગીરી અત્યારે તો ઠપ્પ થઈ ગઈ છે. તેના કારણે બૂલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પણ અત્યારે અદ્ધરતાલ જ છે.
ગુલામીથી ગરીબી વધીઃ યાજ્ઞિક
રાજ્ય સરકારના જમીન સંપાદનના કાળા કાયદાનો ઉગ્ર વિરોધ કરતા એડવોકેટ આનંદવર્ધન યાજ્ઞિક કહે છે અંગ્રેજો જમીન માલિકોનું શોષણ કરીને તેમને ગુલામ બનાવતા હતા, જ્યારે આજે ગુજરાત સરકાર આ કાયદાનો અમલ કરીને જમીન માલિકોને જમીન વિહોણા ખેતમજૂર બનાવી રહી છે. સાથે સાથે તેમને ભવિષ્યમાં શહેરમાં પ્રયાણ કરીને ત્યાં ઝૂંપડપટ્ટીમાં રહેવા તેમ જ ગરીબીના ખપ્પરમાં હોમવા સમાન આ બાબત છે. નાના ખેડૂતોની સસ્તામાં જમીન લઈને બેરોજગાર અને ગરીબીમાં જીવવા મજબૂર કરાઈ રહ્યા છે.
જિકાએ ત્રણ માગણી સ્વીકારી
જિકાના અધિકારીઓ સાથેની બે કલાક લાંબી બેઠકમાં જિકાના ભારત ખાતેના વડા કાત્સુઓ માત્સુમોટોએ અને તેમની ટીમે ખેડૂતોની ત્રણ માગણીઓનો સ્વીકાર કર્યો છે. જે માગણીઓનો સ્વીકાર કર્યો છે. તેમાં 2013માં જારી કરાયેલા જમીન સંપાદન અધિનિયમ પ્રમાણે ખેડૂત અને બિન ખેડૂતોને 2011ની જંત્રી પ્રમાણે નહિ પરંતુ 2018-19ના સુધારેલા બજાર ભાવ પ્રમાણે વળતર મળવું જોઈએ.
સામાજિક અસરોનો સરવે થવો જોઈએ અને તે પ્રમાણે ગુજરાત સરકારે આ સામાજિક અસરોની વિસ્તૃત છણાવટ કરીને યોગ્ય વળતર આપવું જોઈએ. અસરગ્રસ્તોના પૂનઃ વસવાટ કે પૂનઃ સ્થાપન મામલે પણ જિકાની ભલામણ અને જમીન સંપાદન કાયદો 2013 પ્રમાણે અસરકારક કામગીરી કરવી જોઈએ. આ પ્રકારની માગણીઓ જિકાએ સ્વીકારી છે અને તેના આધારે ભારતની બૂલેટ ટ્રેનના કેન્દ્રીય કોર્પોરેશન નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે પગલાં ભરવા જોઈએ.
શું કહે છે ખેડૂત સમાજ?
ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી જયેશ પટેલે કહ્યું કે, જિકા દ્વારા જે અહેવાલ તૈયાર કરાયો છે, તે એકદમ વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે. અહેવાલ પ્રમાણે રાજ્ય સરકારે વળતર પણ આપવું જોઈએ. પરંતુ કેન્દ્ર સરકાર આ અહેવાલને સ્વીકારવા તૈયાર નથી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વર્ષોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે અને ગુજરાતની ભાજપની ખેડૂત વિરોધી સરકારે આવનારા દિવસોમાં ખેડૂતોના રૌદ્ર રૂપનો ભોગ જરૂરથી બનવું પડશે.
ખેડૂતો તરફથી લડત આપી રહેલાં ગુજરાત હાઈકોર્ટનાં એડવોકેટ આનંદવર્ધન યાજ્ઞિક અને ખેડૂત સમાજના અગ્રણી જયેશ પટેલ વિવિધ ખેડૂતોને મળ્યા હતા. હવે આંદોલન ઉગ્ર બનશે.