જીટીયુએ દિવાળીના વેકેશનમાં પરીક્ષા ગોઠવતાં વિવાદ, હવે એક સપ્તાહ પરીક્ષા પાછી ઠેલવી પડશે

અમદાવાદ,17
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા તાજેતરમાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પ્રમાણે દિવાળીના વેકેશનમાં પણ ડિપ્લોમા ઈજનેરી અને ડિગ્રી ઈજનેરીની પરીક્ષા લેવી પડે તે પ્રકારે કાર્યક્રમ નક્કી કરાયો હતો. આ મુદ્દે વિદ્યાર્થીઓની રજૂઆત અને સરકાર દ્વારા પણ આ મુદ્દે હસ્તક્ષેપ કરવામાં આવતાં આજે યુનિવર્સિટી દ્વારા ડીનને બોલાવીને પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે પ્રમાણે હવે અંદાજે એક સપ્તાહ સુધી પરીક્ષા પાછી ઠેલવાય તેવી શક્યતા છે.

યુનિવર્સિટી દ્વારા રાજયની તમામ ડિપ્લોમા અને ડિગ્રી ઈજનેરી કોલેજો સહિતના જુદાજુદા કોર્સમાં આગામી તા.૭ નવેમ્બરથી પરીક્ષાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટેનો પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે. મહત્ત્વની વાત એ છે કે, જે તારીખથી પરીક્ષા શરૂ થવાની છે તે દિવસો દરમિયાન સરકારે તા.૧૧મી સુધી દિવાળી વેકેશન જાહેર કર્યું છે. યુનિવર્સિટી અને તેની સાથે જોડાયેલી ૪૫૦થી વધારે કોલેજોમાં પણ આજ દિવસોમાં દિવાળીનું વેકેશન હોવાથી તા.૭ નવેમ્બરે પરીક્ષા શરૂ કરવામાં આવે તો ભારે મુશ્કેલી ઊભી થાય તેમ હતી. આ મુદ્દે છેલ્લા કેટલાય દિવસોથી જુદીજુદી કોલેજોના સંચાલકો અને વિદ્યાર્થીઓ દ્વારા પણ સરકાર સમક્ષ રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હતી, જેના કારણે આજે યુનિવર્સિટીએ ફેકલ્ટી ડીનને બોલાવીને પરીક્ષાના કાર્યક્રમ અંગે સમીક્ષા કરી હતી. સરકાર દ્વારા પણ યુનિવર્સિટીને આ વેકેશનમાં પરીક્ષા ન રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આજે યુનિવર્સિટી દ્વારા ડીનને બોલાવીને કરેલી સમીક્ષા પ્રમાણે હવે આ પરીક્ષા એક સપ્તાહ જેટલી પાછી લઈ જવાનો નિર્ણય કરાયો છે. યુનિવર્સિટીના સત્તાધીશો કહે છે અંદાજે એક સપ્તાહ જેટલી પરીક્ષા પાછી લઈ જવી પડે તેમ છે. આવતીકાલે યુનિવર્સિટી દ્વારા હવે નવેસરથી પરીક્ષા ક્યારે લેવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જીટીયુની પરીક્ષા પાછી ઠેલાવાના કારણે તેની સાથે જોડાયેલી ૪૫૦થી વધારે કોલેજો અને તેમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને રાહત થશે.