જીડીપીમાં ઘટાડાને લીધે સેન્સેક્સમાં 770 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના રૂ. 2.90 લાખ કરોડ સ્વાહા, નિફ્ટી 10,800ની નીચે, પીએસયુ બેન્કોમાં ભારે વેચવાલી

અમદાવાદ,તા:૩

મંગળવાર શેરબજાર માટે અમંગળ પુરવાર થયો હતો. સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સમગ્ર દિવસ દરમ્યાન બજારમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટીમાં છેલ્લા 11 મહિનાઓમાં સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો નોંધાયો હતો. જેથી ટ્રેડિંગ સેશનના અંતે બીએસઈ સેન્સેક્સ 770 પોઇન્ટ તૂટીને 36,562.91ના સ્તરે  બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 225.35 પોઇન્ટ તૂટીને 10,797.90ના મથાળે બંધ રહ્યો હતો. સેન્સેક્સે 37,000ની અને નિફ્ટીએ 10,800ની સપાટીની નીચે બંધ આવ્યા હતા.

અર્થતંત્ર મંદ થતાં શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી

દેશનું અર્થતંત્ર મંદીની નાગચૂડમાં ફસાયું હોવાનો અહેસાસ થતાં જ રોકાણકારોની ભારે વેચવાલી થઈ હતી. જૂન ત્રિમાસિક ગાળામાં દેશનો

આર્થિક વિકાસ દર 5 ટકા નોંધાયો હતો, જે છ વર્ષના તળિયે આવી જતાં રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. આ  ઉપરાંત ઓગસ્ટ મહિનામાં પણ ઓટો કંપનીઓના વેચાણમાં ઘટાડાથી ઓટો શેર્સ આજે ફોકસમાં રહ્યા હતા. કોર સેક્ટરનો વૃદ્ધિદર પણ ઘટીને 2.1 ટકા થયો હોવાથી રોકાણકારોમાં નિરાશા જોવા મળી હતી.

નિફ્ટીના બધા મુખ્ય 11 ઇન્ડેક્સ ઘટ્યા હતા, જેમાં નિફ્ટી પર પીએસયુ ઇન્ડેક્સ 4.87 પોઇન્ટ તૂટ્યો હતો. બીએસઈના બધા ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. એક જ દિવસમાં રોકાણકારોના 2.90 લાખ કરોડ સ્વાહા થયા હતા.

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોરમાં ફરી એક વાર વધારો એશિયન બજારોમાં સહિત સ્થાનિક શેરબજારમાં પણ પ્રતિકૂળ ઘેરી અસર જોવા મળી હતી. આ સાથે ડોલર સામે રૂપિયો પણ 72ને પાર થયો હતો. આ ઉપરાંત જીડીપીના નબળા ડેટાથી બજારનો મૂડ મંગળવારે અમંગળ પુરવાર થયો હતો. જીડીપી વાર્ષિક સ્તરે આઠ ટકાથી ઘટીને પાંચ ટકા થયો હતો, જે છ વર્ષના સૌથી નીચલા સ્તરે હતો. સરકારી બેન્કોના મર્જરની જાહેરાત બાદ બેન્ક નિફ્ટી પાંચ ટકા જેટલો તૂટ્યો હતો. બેન્ક સહિત ઓટો,  મેટલ, ઓઇલ અને ગેસ શેરો અને રિયલ્ટી શેરો પણ અઢીથી ત્રણ ટકા તૂટ્યા હતા.

બજાર માટે મુસીબતો બેટેલિયનમાં આવી હતી. સરકારે એફપીઆઇ પરનો સરચાર્જ પરત ખેંચ્યો હોવા છતાં વિદેશી રોકાણકારોએ ઓગસ્ટમાં કુલ રૂ. 5,920 કરોડની વેચવાલી કરી હતી. જેથી બજારનું સેન્ટિમેન્ટ વધુ ખરાબ થયું હતું. આ ઉપરાંત ઓટો કંપનીઓના વેચાણમાં ઓર ઘટાડો નોંધાયો હતો,  અગ્રણી ઓટો કંપનીઓના વેચાણમાં માસિક ધોરણે દ્વિઅંકી ઘટાડો નોંધાયો હતો. આ સાથે જીએસટીની વસૂલાત પણ સરકારની ધારણાથી ઓછી રહી હતી. આમ બજાર માટે અનેક નકારત્મક કારણો એકસાથે આવ્યા હતા.

મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 29 શેરોમાં મંદી થઈ હતી અને એનએસઈના નિફ્ટી50 ઇન્ડેક્સમાં 50માંથી 46 શેરોમાં મંદી થઈ હતી,જ્યારકે ચાર શેર સુધર્યા હતા. મુંબઈ શેરબજારમાં 867 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1632 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક  એક્સચેન્જ પર 640 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1484 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ 12 શેરો ઘટીને સાથે બંધ થયા હતા.

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર વકર્યું

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર વકર્યું હતું. જેમાં અમેરિકા અને ચીને એકમેકની પ્રોડક્ટો પર ડ્યૂટીમાં વધારો કર્યો હતો. અમેરિકાએ ચીનની 110 અબજ ડોલરની પ્રોડક્ટ પર 15 ટકા ડ્યૂટી લગાડી હતી. અમેરિકા 15 ડિસેમ્બરથી વધુ પ્રોડક્ટ પર ડ્યૂટી લગાડશે. બીજી બાજુ ચીને પણ પલટવાર કરતાં અમેરિકન ક્રૂડ પર પાંચ ટકા ડ્યૂટી લગાડી હતી. આ ઉપરાંત કેટલીક વધુ પ્રોડક્ટ પર ચીન પણ 15 ડિસેમ્બરથી વધુ ટેરિફ લગાડશે. અમેરિકાની સામે ચીન ડબ્લ્યુટીઓમાં ટેરિફ મુદ્દે ફરિયાદ કરશે.

ડોલર સામે રૂપિયો 10 મહિનાના નીચલા સ્તરે

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં મોટું ધોવાણ થયું હતું. પ્રારંભમાં જ ડોલર સામે રૂપિયો 67 પૈસા તૂટીને 72.09 પર હતો. બેન્કો અને આયાતકારો તરફથી મજબૂત માગઅને સ્થાનિક શેરબજારમાં નબળાઈને કારણે રૂપિયો દબાણ હેઠળ હતો. ચીને અમેરિકાથીઆયાત થતા ક્રૂડ ઓઇલ પર પાંચ ટકા આયાતજકાત લાદી હતી. 13 નવેમ્બર, 2018 પછી રૂપિયામાં સૌથી મોટું ધોવાણ થયું હતું. વળી, જીડીપીમાં થયેલા ઘટાડાને લીધે પણ ડોલરની મજબૂતાઈએ રૂપિયા પર દબાણ આણ્યું હતું. જેથી ડોલર સામે રૂપિયો એક રૂપિયો તૂટીને 72.40 બંધ આવ્યો હતો.

મર્જરની જાહેરાત બાદ PSB શેર્સ 9થી 10 ટકા તૂટ્યા

નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે 10 જાહેર બેન્કોના મર્જરની જાહેરાત કરી હતી. જોકે આ મર્જરની જાહેરાત છતાં શેરબજારમાં કોર્પોરેશન બેન્ક અને પંજાબ નેશનલ બેન્ક સહિત પીએસયુ બેન્ક શેરોમાં નવથી 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 2.20 ટકા તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 4.87 ટકા તૂટ્યો હતો.  ઓરિયેન્ટ બેન્ક 9.99 ટકા ઘટીને રૂ.66.25, કેનેરા બેન્ક 11.24 ટકા તૂટીને રૂ.194.25, ઇન્ડિયન બેન્ક 11.96 ટકા તૂટીને રૂ. 176, પંજાબ નેશનલ બેન્ક 8.94 ટકા તૂટીને રૂ. 59.10, બેન્ક ઓફ બરોડા 5.87 ટકા તૂટીને રૂ.90.90 અને સ્ટેટ બેન્ક 2.08 ટકા તૂટીને રૂ. 268.15ના મથાળે બંધ રહ્યો હતો.

ચાંદીમાં ચાંદી-ચાંદી, એમસીએક્સ પર ભાવ છ વર્ષની ઊંચાઈએ

સોના-ચાંદી બજારમાં સોનાની કિંમતો પણ 164 વધી રૂ. 39,225 વધ્યા હતા. જ્યારે ચાંદીની કિંમતોમાં જોરદાર તેજી થઈ હતી. એમસીએક્સ ચાંદીની કિંમતો 49,000ની નજીક પહોંચ્યા હતા. એમસીએક્સ પર ચાંદીની કિંમતો 2013ના વર્ષ પછી સૌથી ઉપલા સ્તરે પહોંચ્યા હતા. વૈશ્વિક બજારમાં ચાંદી પ્રતિ ઔંસદીઠ 18.47ના સ્તરે હતી. આ વર્ષે સોના  કરતાં ચાંદીએ વધુ વળતર આપ્યું હતું.